(જી.એન.એસ) તા.૧૮
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૪મો પદવીદાન સમારોહ રાજયપાલશ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો. 5530 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી. 37 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા.આ દીક્ષાંત સમારોહમાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રેષ્ઠ કર્મને જીવનની પુંજી ગણાવીને ભારતના વિકાસમાં સહયોગ આપવા યુવાઓને ઇમાનદારી, કર્તવ્યભાવના સાથે રાષ્ટ્રધર્મ, સમાજધર્મ, પરિવારધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમણે સત્ય અને કર્તવ્યભાવનાને સુખનો આધાર ગણાવીને છાત્રોને જીવનમાં સત્યનું પાલન કરવા, અન્યો સાથે સદવ્યવહાર કરવા, ધર્મની ખરી વ્યાખ્યા સમજાવીને આજીવન વિદ્યાર્થી બની રહેવા, તથા અર્જિત જ્ઞાનનો સમાજના કલ્યાણમાં ઉપયોગ કરવા શીખ આપી હતી. દીક્ષાંત સમારોહનું મહત્વ સમજાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુરૂની કમજોરી નહીં પણ ગુણોને ગ્રહણ કરી પોતાના વાણી, વ્યવહાર, કર્મ તથા ધર્મથી આસપાસ સુખપ્રદાન કરવા જણાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશ પ્રત્યેની કાર્યનિષ્ઠા, સકારાત્મક વિચાર સાથેની કર્તવ્યભાવનાને આદર્શરૂપ ગણાવીને સમગ્ર વિદ્યાર્થીઓને તેમનામાંથી પ્રેરણા મેળવી ભારતના વિકાસમાં આવી જ કર્તવ્યનિષ્ઠા દર્શાવવા જણાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં પાંચમી અર્થવ્યસ્થા બન્યું છે અને હવે ત્રીજી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. દરેકક્ષેત્રે વિકાસમાં અગ્રેસર ભારત આત્મનિર્ભર બની વધુ વિકાસ કરી રહ્યું છે. આજે દેશની સીમાઓ વધુ સુરક્ષિત બની છે, ત્યારે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવાધન જીવનમાં અધિકાર ભાવના કરતાં કર્તવ્યપરાયણતાને વિશેષ સ્થાન આપે તેવો અનુરોધ કર્યો હતો.શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને આજે ડિગ્રી મેળવવાની સાથે પર્યાવરણ સંરક્ષણ, જળ વ્યવસ્થાપન, ભારતીય સંસ્કૃતિને અપનાવી વિશ્વમાં તેનો સંદેશ પાઠવવા, નશામુક્ત જીવન અપનાવવા તથા લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સંકલ્પબધ્ધ થવા અપીલ કરી હતી.આ પ્રસંગે અતિથિપદે વૈદિક મિશન ટ્રસ્ટના સ્વામી ધર્મબંધુજીએ પ્રાસંગિક પ્રવચનમાં યુવાઓને જીવનમાં આવનારા ભવિષ્યના પડકારો જેવા કે, વસતી વધારો, પાણીની તંગી, દરિયાની સપાટીમાં વધારો, ફુડ ઇનસિક્યોરીટી, કલાઇમેટ ચેન્જ તથા એઆઇથી ઉભી થનારી સંભવિત સમસ્યાઓ તથા તેના પરિણામથી અવગત કરીને તેના સમાધાનમાં શું કરી શકાય તેનાથી છાત્રોને અવગત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સારા જીવનના ઘડતર માટે આરોગ્ય જતન, જ્ઞાન, શિસ્ત, આત્મચિતંન, સેલ્ફ લર્નિંગ, કર્મઠતા, સારી સંગત, સ્વયં સાથે જ સ્પર્ધા તથા અસામાજિક તત્વોનો નિડરતાપૂર્વક સામનો કરવાની શીખ આપી હતી. દીક્ષાંત સમારોહમાં 37 ગોલ્ડ મેડાલીસ્ટોને રાજ્યપાલશ્રીના હસ્તે ડિગ્રી સાથે મેડલ એનાયત કરાયા હતા. તેમજ પીએચડી થયેલા છાત્રોને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલે યુનિવર્સિટીના વિકાસકામોની છણાવટ સાથે યુનિવસિર્ટીમાં થનારા આગામી આયોજનમાં મ્યુઝિયમ, ભારતીય જ્ઞાન પરંપરા કેન્દ્ર, મોલ, જીમ, કાફેટેરીયા વગેરેના નિમાર્ણ તથા પ્રગતિ હેઠળના વિકાસકામો જેવા કે સભાગૃહ, નવા પરીક્ષા ભવન વગેરે માહિતી પૂરી પાડી હતી. તેમણે કચ્છ યુનિવર્સીટીને ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં વિશેષ ઓળખ અપાવવાની નેમ વ્યકત કરી હતી.કાર્યક્રમના પ્રારંભે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને કચ્છ યુનિવસિર્ટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સામાજિક કાર્યકર શ્રી આર.આર.પટેલ, કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ એસ.પી. શ્રી વિકાસ સુંડા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, રજિસ્ટ્રાર ડો.અનિલ ગોર, ઇસી સભ્યો, ફેકલ્ટી ડીન, કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો, કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.