(જી.એન.એસ) તા.૧૮
દાહોદ,
દાહોદ જિલ્લાના ઝાલોદ એસ.ટી. બસ સ્ટેશન ખાતે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. એક તરફ, એક નિર્દોષ જીવનનો અંત આવ્યો છે અને બીજી તરફ, આ ઘટનાએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. મૂળ મહેસાણા જિલ્લાના ગજેન્દ્રસિંહ ચાવડા, જે રાજકોટના જસદણ ડેપોમાં ફરજ બજાવતા હતા. તેમણે ઝાલોદ બસ સ્ટેશન ખાતે પહોંચ્યા બાદ બસમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, ડેપો મેનેજર દ્વારા ગજેન્દ્રસિંહને સતત ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હશે. મૃતકના પરિવારજનોએ ડેપો મેનેજર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમના મતે, ગજેન્દ્રસિંહને રજાઓ મળતી ન હતી, ડીઝલ મામલે ત્રાસ આપવામાં આવતો હતો અને અનિયમિત કામના કલાકો રાખવામાં આવતા હતા. આ સતત માનસિક તણાવના કારણે જ ગજેન્દ્રસિંહે આ પગલું ભર્યું હશે. બીજી તરફ, ડેપો મેનેજરે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે ગજેન્દ્રસિંહ સારા કર્મચારી હતા અને તેમને કોઈ ત્રાસ આપવામાં આવ્યો ન હતો. બસના ડ્રાઇવર ગજેન્દ્રસિંહ ચાવડા રેસ્ટ રૂમમાંથી ગયાને અડધો કલાક જેટલો સમય થયો હોવા છતાં પરત ન આવતા કંડક્ટરે શોધખોળ કરી હતી. બસ સ્ટેશનમાં ચારેય તરફ તપાસ કરવા છતાં તેઓ મળ્યા નહોતા, જેથી કંડક્ટરે પાર્ક કરેલી બસમાં તપાસ કરતાં ગજેન્દ્રસિંહ ચાવડાને ગળાફાંસો ખાધેલી હાલત જોતા બૂમાબૂમ કરતા બસ સ્ટેશનના કર્મચારીઓ અને અન્ય બસના ડ્રાઈવરો દોડી આવ્યા હતા અને તાત્કાલિક કાપડ કાપી નીચે ઉતારી સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ડોકટરે તપાસ કરીને મૃત જાહેર કર્યા હતા. ઝાલોદ નાયબ પોલીસ અધીક્ષક ડી.આર.પટેલે જણાવ્યુ હતું કે સમગ્ર ઘટના મામલે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરિવારજનોનાં નિવેદન લેવાના હજી બાકી છે, નિવેદન લીધા બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઝાલોદ પોલીસે આ મામલે અકસ્માત મોતની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પરિવારજનોના નિવેદન લઈને અને અન્ય પુરાવાઓ એકત્ર કરીને પોલીસ આ કેસનું તારણ કાઢશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.