(જી.એન.એસ) તા.૬
અમદાવાદ,
સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા કરી તેનું સકારાત્મક સમાધાન લાવવા ઉપાધ્યક્ષશ્રી દ્વારા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રને સૂચન કરવામાં આવ્યું સફાઈ કર્મચારીઓની સમસ્યાઓનું સકારાત્મક સમાધાન લાવી તેનો એક્શન ટેકન રિપોર્ટ સમયમર્યાદામાં સફાઈ કર્મચારી આયોગને મોકલી આપવા અનુરોધ કરાયો મેન્યુઅલ્ સ્કેવેંજિંગ એક્ટના વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવા માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રને નિવેદન સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવારના અધ્યક્ષસ્થાને એનેક્ષી, શાહીબાગ ખાતે સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો બાબતે અમદાવાદ વહીવટી તંત્ર સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવારે કહ્યું હતું કે, સફાઈ કામદારોના પુનર્વાસ સાથે તેમનું શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ઉત્થાન થાય તે પણ જોવું જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દ્વારા તેમના કાર્યકાળમાં સૌપ્રથમ સ્વચ્છ ભારત મિશન સાથે સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતા ઉપર કામ કરવામાં આવ્યું હતું. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ પોતાના જીવની પરવા કર્યા વિના સતત કાર્યરત રહેલા સફાઈ કામદારોનું સન્માન જળવાઈ રહે અને તેમને તેમના હક મળી રહે તે જોવું જરૂરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવાર દ્વારા આ મિટિંગમાં વિવિધ સફાઈ કર્મચારી મંડળોના પ્રશ્નોને શાંતિથી અને વિગતવાર સાંભળવામાં આવ્યા હતા. તેમણે સફાઈ કર્મચારીઓના પ્રશ્નો જેવા કે, તેમના પગાર, ભથ્થાં, નિયમિત આરોગ્ય ચેકઅપ, શિક્ષણ, આવાસ, લઘુતમ વેતન, પેન્શન, વારસદાર પોલિસી, નોકરી બાબતની પોલિસી, પીએફ, આશ્રિતોના પુનર્વાસ માટેના પ્રયાસો, કોન્ટ્રાક્ટ પ્રથાને લખતા અલગ અલગ મુદ્દા, ગટર સફાઈ દરમિયાન થતા સફાઈ કામદારોના મૃત્યુ જેવી સંવેદનશીલ બાબત, મેન્યુઅલ સ્કેવેંજિંગ એક્ટ વગેરે જેવા વિવિધ મુદ્દાઓ અંગેની સમસ્યાઓ સાંભળી હતી. આ તમામ સમસ્યાઓનો ત્વરિત નિકાલ આવે તે માટે ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના લાગુ પડતા અધિકારીઓ સાથે વાત કરીને આ તમામ સમસ્યાઓનું સકારાત્મક સમાધાન લાવવા અને તેનો એક્શન ટેકન રિપોર્ટ સમયમર્યાદામાં સફાઈ કર્મચારી આયોગને મોકલી આપવા જણાવ્યું હતું.શ્રીમતી અંજના પંવારે વર્ષમાં બે વખત સફાઈ કામદારોનું બોડી ચેકઅપ થાય, તેમનું ગ્રૂપ ઇન્શ્યોરન્સ બને, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના જેવી વિવિધ યોજનાઓની જાણકારી તેમને મળે અને સૌ સફાઈ કર્મચારી તે યોજનાઓનો લાભ લેતા થાય તે માટે જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કરવા પણ જણાવ્યું હતું. સફાઈ કામદારો માટે બનતા આવાસોમાં સારી સુવિધાઓ હોય અને આ આવાસો રહેવાલાયક તથા સારી જગ્યાએ બનેલા હોય, તેમ જ, ખરાબ પરિસ્થિતિમાં રહેલા આવાસોનું જલ્દીથી રીડેવલપમેન્ટ કરવામાં આવે તે જોવા પણ જણાવ્યું હતું. સાથે જ, સફાઈ કામદારોની નિવૃત્તિની તમામ પ્રક્રિયાઓ શરૂ કરીને તેની માટે જરૂરી દસ્તાવેજો મેળવી, તેમાં થતા સુધારા-વધારા છ મહિનાની સમય મર્યાદામાં કરીને સફાઈ કામદારોની નિવૃત્તિના દિવસે તેમને માનભેર વિદાય આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા માટે પણ જણાવ્યું હતું.વધુમાં, શ્રીમતી અંજના પંવારે મેન્યુઅલ્ સ્કેવેંજિંગ એક્ટનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવા માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રને સૂચન કર્યું હતું. મેન્યુઅલ્ સ્કેવેંજિંગ એક્ટના બહોડા પ્રચાર-પ્રસારથી લોકોને જાગૃત કરવામાં આવે જેથી સફાઈ કામદારોને ખોટી પ્રક્રિયાનો ભોગ બનતા અટકાવી શકાય.આ મિટિંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન, અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે., અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અમદાવાદ જિલ્લા પ્રાદેશિક નિયામકશ્રી, અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી (ગ્રામ્ય), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ સફાઈ કર્મચારી મંડળોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.