(જી.એન.એસ) તા.૬
અમદાવાદ,
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પોતાનામાં પ્રતિકાપણું તો સૌ કોઈ જુએ છે, પરંતુ અન્યમાં પોતીકાપણ જુએ તે જ સૌથી મહાન છે, તેનું નામ જ માનવતા છે. જ્યારે, કોઈ વ્યક્તિ અન્ય દુઃખી વ્યક્તિની દવા બની જાય, તેનો સહારો બની તેના કષ્ટને પોતાના બનાવી તેના સુખ-દુઃખનો સાથી બને તેનાથી મોટો આત્માનો વિકાસ કોઈ જ નથી. આ સૌથી મોટો સેવા ભાવ છે. અમદાવાદની જી.સી.એસ. મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને વાર્ષિક સાધારણ સભાને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુજરાત કેન્સર સોસાયટીની સમગ્ર ટીમ માનવતાની સેવા કરી રહી છે, આ કામ ખૂબ જ પ્રશંસનીય છે અને તમે બધા પ્રશંસાને પાત્ર છો. કારણ કે દુનિયાનું સૌથી મોટું સુખ નિરોગી શરીર છે. સારાં સ્વાસ્થ્ય થી મોટું કોઈ ધન નથી. તમે ડોક્ટર્સ આવા રોગગ્રસ્ત લોકોને સ્વસ્થ બનાવવાનું કાર્ય કરો છો અને તમારી વિદ્યા દ્વારા અન્યને જીવન આપવાનું કાર્ય કરો છો. દર્દીઓની દયાભાવથી સેવા કરવાને તમે જે ઈશ્વરીય કાર્ય માનો છો, તે જ સાચો માનવ ધર્મ છે. અને તેને જ ‘નર સેવા નારાયણ સેવા’ કહી છે. રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જો આજે વિદ્યાના કોઈ કેન્દ્ર ન હોત, તો આટલા મોટા ડોક્ટર્સ પણ ના હોત. એટલે વિદ્યાનું દાન દુનિયાનું સૌથી શ્રેષ્ઠ દાન છે. દુનિયામાં જે વિકાસ આપણે જોઈએ છે અને જીવનને સુખદ રીતે જીવવાની જે સુવિધાઓ આપણને મળી છે, જીવનને સરળ અને સરસ બનાવવાની જે પરિકલ્પના થઈ છે, તે બધી જ શિક્ષિત લોકોના સહયોગનું પરિણામ છે. એટલે, વધુમાં વધુ શિક્ષાના કેન્દ્રો બને અને તેમાં જીસીએસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્વાસ્થ્યનું શિક્ષાનું કેન્દ્ર બને તેવી આશા વ્યક્ત કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દાતાશ્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, જી.સી.એસ. કોલેજ જેવા વિદ્યા કેન્દ્રો માટે સહયોગ આપવો અને પોતાના દાનનો સદુપયોગ કરવો એ બહુ મોટું પુણ્ય અને ધર્મનું કામ છે. દાતાઓ આવી સંસ્થાઓને સહયોગ કરીને પોતાના ધનને પવિત્ર કરવાની સાથે સારા કર્મનું ભાથું પણ બાંધે છે. રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું કે, આ મેડિકલ કોલેજ અને કેન્સર સોસાયટીના નિર્માણથી હજારો લોકોની સેવા થઈ રહી છે. અનેક લોકોને તમે જીવનદાન આપો છો, જે દુનિયાનું સૌથી મોટું સુખ છે. તમે લોકોએ જે મિશન સાથે રાત દિવસ દુઃખી લોકોના દુઃખને પોતાનું દુઃખ માનીને બીજાના દર્દને દૂર કરવા પોતાના જીવનનું ધ્યેય બનાવી લીધું છે, આનાથી મોટી માનવસેવા કોઈ નથી. ઘરમાં એક વ્યક્તિને કેન્સર થાય તો પૂરા પરિવારનો સમય, ધન, શાંતિ કંઈ પણ બચતુ નથી. આવા લોકોને તમે નવજીવન આપો છો, તેનાથી મોટી માનવતા કે કલ્યાણનો કોઈ માર્ગ નથી. આ પ્રસંગે ગુજરાત કેન્સર સોસાયટીના કાર્યકારી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ શ્રી પંકજ પટેલે કહ્યું કે, ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અત્યાધુનિક ટેકનોલોજી અને મેડિકલ સાધનોમાં ઉપયોગથી દર્દીઓની સેવામાં સતત કાર્યરત છે. જી.સી.એસ. હોસ્પિટલમાં તમામ ડોક્ટર્સ દર્દીને કેન્દ્રમાં રાખી સેવા ભાવથી કાર્ય કરે છે. આ બેઠકમાં રાજ્યપાલશ્રીએ વાર્ષિક રિપોર્ટ અને પૂર્વ મીટીંગ એજન્ડા મંજૂર કર્યા હતા અને હોદ્દેદારોની નિમણૂંક કરી હતી. ગુજરાત કેન્સર સોસાયટીના જનરલ સેક્રેટરી શ્રી ક્ષિતિશ મદનમોહને સ્વાગત પ્રવચન કર્યું હતું. ગુજરાત કેન્સર સોસાયટીના સેક્રેટરી શ્રી દિવ્યેશ રાડિયાએ આભારવિધિ કરી હતી. આ તકે જી.સી.એસ.ના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી જગદીશ ખોયાણી, જી.સી.એસ.ના ઉપાધ્યક્ષ શ્રી પંકજ શાહ, જી.સી.એસ.ના મેડિકલ કોલેજના ડાયરેક્ટર શ્રી કિર્તી પટેલ, જી.સી.એસ.આર.આઈના ડાયરેક્ટર શ્રી શશાંક પંડ્યા સહિત ગવર્નિગ કાઉન્સિલના મેમ્બર્સ, ડોક્ટર્સ તેમજ અન્ય સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.