(જી.એન.એસ) તા.૬
રાજકોટ,
શહેરમાં પોલીસની ઓસરી ગયેલી ધાકની પ્રતિતિ કરાવતી ઘટનાઓ હવે રોજિંદી બની ગઇ છે. હત્યાની કોશિષ, દારૂ, મારામારી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા નામચીન પ્રતિક દિલીપભાઈ ચંદારાણા અને તેના ત્રણ મળતિયાઓએ ગઇકાલે રાત્રે આતંક મચાવી એક પરિવારના સભ્યો ઉપર હુમલો કરતાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. માંડા ડુંગરની શિવમ સોસાયટીમાં રહેતા હિરેન મહેશભાઈ ગરચર એ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે હાલ માતા અને બે નાના ભાઈઓ સાથે રહે છે. તેને છેલ્લા દસેક વર્ષથી ભગંદરની તકલીફ હોવાથી કોઇ કામ કરતો નથી. તેના બંને ભાઈઓ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના પિતા હયાત નથી. પિતાના અવસાન બાદ માતા અલ્પાબેેને અશોકભાઈ મહેતા સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં. જે હાલ તેમની સાથે રહે છે. જેને તેઓ કાકા કહીને બોલાવે છે. તેના જ વિસ્તારમાં રહેતા પ્રતિકે સાતેક મહિના પહેલા પાડોશી નરેશભાઇ ભાલિયા સાથે મારામારી કરી હતી. જેથી નરેશના બનેવી અશોક ચૌહાણે પ્રતિક સામે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તે ત્રણેક મહિના સુધી જેલમાં રહ્યો હતો. જેલમાંથી છૂટી પ્રતિક ખાર રાખી તેને નરેશ સાથે કોઇ લેવાદેવા ન હોવા છતાં જેલમાં થયેલો ખર્ચો અને ઘરના ખર્ચના રૂપિયાની તેની પાસે માગણી કરતો હતો. રૂપિયા આપ્યા ન હોવાથી હેરાન કરતો હતો. ગઇકાલે ફરીથી રૂપિયાની માગણી કરી, ઘરે ઝઘડો કરવા આવી તેની સાથે હાથાપાઇ કરી હતી. જેમાં તેની માતાને પણ મૂંઢ ઇજા થઇ હતી. પ્રતિકથી ડરી પરિવારના તમામ સભ્યો લાલપરી મફતિયાપરામાં રહેતા દાદા રમેશભાઈ ગરચરના ઘરે રોકાવા જતા રહ્યા હતાં. જ્યાં ગઇકાલે રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ પ્રતિક અને તેના ત્રણ મળતિયાઓ નંબર પ્લેટ વગરની કાળા કલરની બોલેરો લઇ ધસી આવ્યા હતાં. આવીને તેના દાદાના મકાનની ડેલી ખખડાવી હતી. ડેલી ખોલતા જ હોકી દેખાડી તેની માતાને કહ્યું કે તમારે મારા જેલના અને ઘર ખર્ચના રૂપિયા આપવા છે કે નહીં. તની માતાએ ના પાડતા ગાળો ભાંડી, હોકી લઇ તેની માતાને મારવા દોડયો હતો. તે વચ્ચે પડતાં તેને હોકીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. સાથોસાથ તેની માતાને કહ્યું કે તમે રૂપિયા નહીં આપો તો તમને શાંતિથી જીવવા નહીં દઉં, તમારા ત્રણેય દીકરાને જાનથી મારી નાખીશ. તેની સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેના બંને ભાઈઓને ઢીકાપાટુનો માર મારી, ગાળો ભાંડી હતી. દેકારો થતાં પાડોશીઓ ભેગા થઇ જતાં ચારેય આરોપીઓ ભાગી ગયા હતાં. ત્યાર પછી ૧૦૮માં સિવિલમાંથી સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.