(જી.એન.એસ) તા.૬
મહેસાણા,
પરિવારને આ નસબંધી બાબતે જાણ થતાં તમામ સ્તબ્ધ બની ગયા હતા મહેસાણામાં એક યુવકની જાણબહાર નસબંધી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. આરોગ્ય વિભાગે નવી સેઢાવી ગામે 31 વર્ષના અપરિણીત યુવાનની નસબંધી કરાવી નાખી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. એક મહિના બાદ આ યુવકના લગ્ન છે, જોકે એ પહેલાં જ નસબંધી કરી દેવામાં આવતાં આ મુદ્દે પરિવારે હંગામો મચાવ્યો હતો. એ બાદ જવાબદારોએ પોતાની ભૂલ સુધારવા ઓપરેશન ખોલવાની હિલચાલ શરૂ કરી દીધી છે. આરોગ્યકર્મચારી દ્વારા યુવકનો સંપર્ક કરી રૂ. 100નો દારૂ પીવડાવી અડાલજમાં નસબંધી કરાવી હોવાનું બહાર આવ્યું છે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ સમગ્ર મામલે ઊંઘતો ઝડપાયો છે. અપરિણીત યુવકની નસબંધી કરી દેવાના મામલે આરોગ્ય વિભાગ તપાસ કરશે કે કેમ એ સવાલ ઊઠ્યો છે. હાલમાં આ મામલે આરોગ્ય વિભાગ પણ એકબીજા અધિકારી પર ખો આપતા જોવા મળી રહ્યા છે.સરકારી ટાર્ગેટ પૂરા કરવા કાગળ પર કુટુંબ નિયોજનનાં ઓપરેશન, શાળામાં બાળકોના હીમોગ્લોબિન કેમ્પ કાગળ પર બતાવવા જેવાં અનેક પ્રકરણો અવારનવાર સામે આવતાં રહેતાં હોય છે, ત્યારે આરોગ્ય વિભાગનું વધુ એક ભોપાળું ખુલ્લું પડ્યું છે. મજૂરી કરવા જવાનું કહીને આરોગ્યકર્મચારી આ યુવકને લઈ ગયા હતા, જ્યાં પ્રથમ ગામમાં દારૂ પિવડાવ્યો હતો, જેથી આ યુવક ભાનમાં ન રહેતાં તેની નસબંધી કરી નાખી હતી, જેવા આક્ષેપ પરિવારજનોએ કર્યા છે. જાણીને નવાઈ લાગશે કે જે યુવકની નસબંધી કરાઈ છે તે યુવકના એક મહિના બાદ લગ્ન હતા અને જ્યારે પરિવારને આ નસબંધી બાબતે જાણ થતાં તમામ સ્તબ્ધ બની ગયા હતા.સમગ્ર કેસમાં ભોગ બનનારે જણાવ્યું કે પહેલા દિવસે ચલ, જામફળી અને બોર જોવા જવાનું છે, કહીને લઈ ગયા હતા. બીજા દિવસે સરકારી ગાડીમાં બેસાડી ગામમાં લઈ જઈ દારૂ પીવડાયો હતો. ત્યાર બાદ જોરણગ ગામમાં જામફળી છે, જોઈ આવીએ, એમ કહીને નશો કરેલી હાલતમાં મને દવાખાને લઈ ગયા. જ્યાં ફરી મને રૂ. 100નો દારૂ પિવડાવ્યો હતો, જેથી હું ભાનમાં રહ્યો નહોતો. ત્યાર બાદ મને ખબર ના રહી, મને અડાલજ લઈ ગયા, જ્યાં બીજા દિવસે ઘરે આવતાં મને પેશાબમાં દુખાવો ઊપડ્યો હતો. એ બાદ મને ખબર પડી કે નસ કાપી કે કોઈ ઓપરેશન થયું છે. બસ. આટલી જ મને ખબર છે.આ મામલે પૂર્વ સરપંચ સાથે વાત કરતાં પ્રહલાદજીએ જણાવ્યું હતું કે આ મામલે મને બીજા દિવસ ખબર પડી. અમારા ગામના આરોગ્ય ખાતાનો જે ડોક્ટર છે તે આ ભાઈને લઈ ગયો હતો. ત્યાર બાદ બીજા દિવસે આ યુવકને મૂકી ગયા હતા. ત્યાર બાદ અમારા મહોલ્લામાં વાતો થવા લાગી હતી. જેથી મને ત્યાં બોલાવ્યો હતો અને બધી વાત મને કરી હતી. યુવકના ઘરે જતાં સમગ્ર બાબતે જાણ થઈ કે યુવકને નશો કરાવી નસબંધી કરી દેવામાં આવી છે. યુવકને અડાલજ બાજુ કોઈ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં આ ઓપરેશન કરી દેવામાં આવ્યું છે. આ યુવકના મહિના બાદ લગ્ન હતા. ડોક્ટરોએ આ ખોટું કર્યું છે. સમગ્ર કેસમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારના NSV કેમ્પ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા પખવાડિયાથી 22 નવેમ્બરથી અત્યાર સુધીમાં 28 જેટલા લાભાર્થીઓએ નસબંધી કરાવી છે. તમામ ઓપરેશનો સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવતા હોય છે. નસબંધી કરાવવા માટે લાભાર્થીની પત્ની અથવા પરિવારમાંથી કોઈની સંમતિ લેવી જરૂરી છે. આ તમામ પાસાઓ આવરી લઈ લાભાર્થીનું ઓપરેશન કરવામાં આવતું હોય છે. આ જે લાભાર્થી છે તેણે અમારા કર્મચારી જે છે તેઓએ લાભાર્થી સાથે વાર્તાલાપ કરી ચર્ચા કર્યા બાદ ઓપરેશનના જે કેસ પેપર છે તેના ઉપર લાભાર્થીની સંમતિ લઈ પોતાનો અંગૂઠો પણ આપેલો છે. લાભાર્થીને કેમ્પમાં લઈ જવામાં આવ્યાં હતા. જોકે, આ કેસમાં અમારા જે કર્મચારી છે એ કર્મચારીની ભૂલ કહી શકાય કારણે કે જે લાભાર્થી છે તેની પત્નીની સંમતિ લેવાની હોય એ સંમતિ આ કેસમાં લેવામાં આવી નથી.વધુમાં જણાવ્યું કે, આ લાભાર્થી અપરણિત છે એટલે જ અમારા કર્મચારીએ જે સેવા આપવાની હોય એની જગ્યાએ ફક્ત કેસ કરવા માટે જ સમજાવેલો હોય તેવું ફલિત થાય છે. લાભાર્થીએ દારૂ પીધો કે ના પીધો એ તપાસનો વિષય છે. લાભાર્થી કુવારો છે અને કુવારાની સાથે તેણે પૈસાની લાલચમાં કર્યું હોય અથવા તેને પોતે કર્યું હોય શકે, કારણ કે તેનો અંગૂઠો પેપરમાં છે, પરંતુ આ કેસમાં અમારા કર્મચારીની ચોક્કસ ભુલ દેખાઈ આવે છે. વધુમાં જણાવ્યું કે, આ કર્મચારી સબ સેન્ટર ધનાલીના છે એમાં આ કર્મચારીનો વાંક સામે આવ્યો છે. આ કર્મચારી સામે અમે સખતમાં સખત પગલાં ભરીશું. કર્મચારી સામે સસ્પેન્શન સુધી નિર્ણય લઈ શકાશે. કર્મચારી સામે નમુના રૂપ દાખલો બેસે એ પ્રકારનો નિર્ણય લેવાશે. સામાન્ય કોઈ ડોક્ટર આવા ઓપરેશન નથી કરી શકતા. અમારા કર્મચારીની ભૂલ છે કે આ એક અપરિત પુરુષ હોવા છતાં તેને નસબંધી માટે લઈ જવામાં આવ્યો છે, એટલે જ અમે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ. આરોગ્ય અધિકારી જણાવ્યું કે, કર્મચારીનું નામ હું અત્યારે નહીં લઈ શકું. આ કેસમાં રિકવરી આવી શકે છે. મહેસાણા જિલ્લા ADHO અધિકારી ગઢવીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે યુવકને સૂરજ PHCના ધનાલી ગામના મેન હેલ્થવર્કર સેહજાદ અજમેરી લઈ ગયા હતા. આ મામલે અમે ઉપર રિપોર્ટ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે યુવકને અડાલજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સરકારી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.