(જી.એન.એસ) તા.૨૭
વડોદરા,
કોર્પોરેશનના હેલ્થ સેન્ટરમાં મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની નોકરી અપાવવાનું કહીને ઠગ મહિલાએ પાડોશીના જ ૯.૨૦ લાખ પડાવી લીધા હતા. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઠગ મહિલાએ પોતે હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે નોકરી કરતી હોવાની વાત કરી હતી. ગાજરાવાડી વિષ્ણુકુંજ સોસાયટીમાં રહેતા મેહુલભાઇજશવંતસિંહ બારિયા વડોદરા મધ્યસ્થ જેલમાં વણાટ મદદનીશ પદ્ધતિમાં કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી પત્ની કુમુદબેન દંતેશ્વર ઓપન જેલની સામે સમૃદ્ધિ કોમ્પલેક્સમાં બ્યૂટિ પાર્લર અને સ્ટેશનરીનું કામ કરે છે. મારા પિતા અને અશ્વિનભાઇ નારાયણભાઇ રાઠવા અગાઉ પોલીસ હેડ ક્વાર્ટરમાં સાથે નોકરી કરતા હોઇ તેમની સાથે ઘર જેવો સંબંધ હતો. મેં સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ કર્યો હતો અને ત્યારબાદ નોકરીની શોધમાં હતો. દરમિયાન તા. ૦૩ – ૦૫ – ૨૦૨૪ ના રોજ અમારા પાડોશમાં રહેતા જાગૃતિબેન કે જેઓ અશ્વિનભાઇની પૂત્રવધુ છે. તેઓ મારી પત્નીને દુકાન પર મળવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હાલમાં એમ.પી.એચ.ડબલ્યુ માં નોકરીની જગ્યા ખાલી છે.મારા ઉપરી અધિકારી સાથે સારા સંબંધ છે. તેમની વાત પર ભરોસો રાખીને મેં નોકરી માટે અલગ – અલગ સમયે કુલ રૃપિયા ૯.૨૦ લાખ આપ્યા હતા. તેઓએ મને જણાવ્યું હતું કે,તા.૩૧ – ૦૫ – ૨૦૨૪ સુધી તમને માંજલપુર ખાતે આવેલી પી.એચ.સી. મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરનો ૨૫ હજાર વેતનનો ઓર્ડર તમને મળી જશે. પરંતુ, ઓર્ડર મળ્યો નહતો. જાગૃતિબેને મને કોર્પોરેશનનો ભરતી અંગેની પરીક્ષાનો પત્ર મોકલ્યો હતો. પરંતુ, ખરાઇ કરતા તે પત્ર ખોટો હોવાનું જણાઇ આવ્યુું હતું. જાગૃતિબેન ચિરાગભાઇ રાઠવાએ એમ.પી.એચ.ડબલ્યુ.માં નોકરી અપાવવાનું કહી ૯.૨૦ લાખ પડાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, આ બનાવ સંદર્ભે મકરપુરા પોલીસે પાંચ મહિના પછી ગુનો દાખલ કર્યો હતો. મેહુલે જણાવ્યું હતું કે, અમારી જ સોસાયટીના અન્ય બે લોકો સાથે પણ છેતરપિંડી થઇ છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં અમે છેલ્લા પાંચ મહિનાથી ધક્કા ખાતા હતા. પરંતુ, પોલીસ કોઇ કાર્યવાહી કરતી નહતી. પોલીસ અમને એવો જવાબ આપતી હતી કે, જાગૃતિબેનને બોલાવીશું. પરંતુ, કોઇ કાર્યવાહી થતી નહતી. હાલમાં નાગરવાડાની ઘટના પછી પોલીસ કમિશનર દ્વારા કામગીરી નહીં કરનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી, અમે પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરવાનું વિચાર્યુ હતું. અમે પોલીસ કમિશનરને મળ્યા ત્યારે તેઓએ તુરત જ આ અંગે ગુનો દાખલ કરવા માટે સૂચના આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હજી કોઇ તકલીફ હોય તો જણાવજો. આ માત્ર મકરપુરા પોલીસ સ્ટેશનની જ વાત નથી. પરંતુ, ઘણા પોલીસ સ્ટેશનમાં પણ આ જ રીતે સામાન્ય નાગરિકો ન્યાય માટે ધક્કા ખાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.