(જી.એન.એસ)તા.૧૬
ગાંધીનગર,
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ દેશને એકતાના તાંતણે બાંધવાનું કાર્ય ગુજરાતના સપૂત સરદાર પટેલે કર્યું હતું. દેશની આઝાદી બાદ પણ રજવાડા જ હોત તો આજે દેશનું ચિત્ર કંઈક અલગ હોત. સરદાર પટેલે દેશના ભૂતકાળને જોઈને દેશનું ભાવી ઘડવાનું સોનેરી કાર્ય કર્યું છે. રાજયપાલશ્રીએ સૌને એકમેકમાં એકતાનો ભાવ પ્રગટ કરી, એકબીજાના સહયોગી બની, દેશને વિકસિત, ઉન્નત અને મહાન બનાવવા સહયોગી બનવા અપીલ કરીને ગુજરાતમાં વસતા વિવિધ રાજ્યના નાગરિકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. દેશના નાગરિકો અન્ય રાજ્યની સંસ્કૃતિથી અવગત થાય તેમજ પરસ્પર એકતા જળવાઈ રહે તેવા શુભ આશયથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા તમામ રાજ્યોના રાજભવનમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણીની પહેલ શરૂ કરવામાં છે. ગુજરાત રાજભવન ખાતે હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઝારખંડ, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના સ્થાપના દિવસ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આપણો દેશ ભવ્ય ભૂતકાળનો સાક્ષી છે, એક સમયે આપણો દેશ ‘સોને કી ચીડિયા’ અને ‘વિશ્વગુરુ’ હતો. દુનિયાના સૌથી ધનવાન અને ટોચના દેશ તરીકે ભારતનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ અંકિત થયેલું છે. આપણા ગૌરવશાળી ઇતિહાસને હંમેશા તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. જો આપણે સાચો ઇતિહાસ જાણતા હોત, તો ક્યારેય ગુલામ ના બન્યા હોત. દેશના સુવર્ણકાળ વિશે વાત કરતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, તે સમયમાં ભારતના ગામડે-ગામડે ઉદ્યોગો હતા. લોકો એકતા અને પ્રેમથી રહેતા હતા તથા એકબીજાને સોંપવામાં આવેલા કામ પૂરી ઈમાનદારીથી કરતા હતા. એ સમયમાં ગામની જરૂરિયાતો ગામમાં જ પૂરી થઈ જતી હતી. ફક્ત લોખંડ અને નમક જ શહેરમાંથી આવતા હતા, જ્યારે ગામડાની અનેક વસ્તુઓ શહેરમાં મોકલવામાં આવતી હતી. શહેરમાંથી આવતા લોખંડમાંથી ઓજારો પણ ગામડામાં જ બનતા હતા. એટલે તે સમયના ગામડાઓ આત્મનિર્ભર હતા. ગામડાઓમાં વિકસેલા ઉદ્યોગના પરિણામે ભરપૂર માત્રામાં વિદેશોમાં નિકાસ થતી હતી અને વિદેશી સોનું ભારત આવતું હતું. જેના પરિણામે વિશ્વમાં સૌથી વધારે સોનું ભારત પાસે હોવાથી આપણો દેશ ‘સોને કી ચીડિયા’ કહેવાતો હતો. એ સમયે દેશમાં તક્ષશિલા-નાલંદા જેવા અનેક વિશ્વવિદ્યાલયો ઉપરાંત ગામડાઓમાં પણ ગુરુકુલ હતા, જેથી લોકોનું શિક્ષણનું સ્તર પણ ઊંચું હતું. દેશમાં કર્મ આધારિત વર્ણવ્યવસ્થા હતી, જેના આધારે લોકો કામ કરતા હતા, પરંતુ સમય જતાં તેના પરથી જાતિ આધારિત વર્ણવ્યવસ્થા આવતા ઉચ્ચ-નીચના ભેદભાવ શરૂ થયા. હવે, આપણે ઉચ્ચ-નીચના ભેદભાવને ભૂલીને એકમેકના સહયોગથી દેશના વિકાસમાં સહભાગી બનવું પડશે. વેદોમાં લખ્યું છે કે, આ ધરતી પર જેટલા મનુષ્ય છે તે તમામ એક જ ભગવાનના સંતાન છે. પરમાત્મા એક જ છે પરંતુ, આપણે અલગ અલગ નામથી તેમને પૂજીએ છીએ. આપણે ભગવાનના અલગ-અલગ નામો આપીને આપણા લોકોથી જ દુરી બનાવી છે. આ સૃષ્ટિના તમામ પ્રાણીઓમાં મનુષ્ય સૌથી મહાન છે પરંતુ મનુષ્યએ જ પર્યાવરણનું પ્રદૂષણ કરીને ધરતીની વ્યવસ્થા બગાડી છે તેમ જણાવી વધુમાં કહ્યું કે, કોરોના સમયે મનુષ્યના ફક્ત એક મહિનાના લોકડાઉનમાં હવા, નદીઓ, સમુદ્ર બધું જ શુદ્ધ થઈ ગયું હતું જે દર્શાવે છે કે, મનુષ્યએ પ્રદૂષણ થકી ધરતીની વ્યવસ્થાને બગાડી છે. આપણે સૌએ જવાબદારી પૂર્વક અને ઈમાનદારીપૂર્વક કાર્ય કરીને પ્રકૃતિને બચાવવા પ્રયત્ન કરવા જોઈએ. રાજયપાલશ્રીએ દેશના સામર્થ્ય અંગે વાત કરતાં કહ્યું કે, કોરોના કાળમાં એવું કહેવાતું હતું કે, ભારત અને દક્ષિણ આફ્રિકાના દેશોને સૌથી વધુ નુકસાન થશે પરંતુ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આપણે આ મહામારી સામે અડગ ઉભા રહ્યા, જેના પરિણામે વિકસિત દેશો કરતાં પણ ઓછું નુકસાન થયું હતું. દેશના તમામ નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગે, ‘એક દેશ, એક પરિવાર’ બને અને આપણે સૌ એક તાંતણે બંધાઈને એકતાથી રહીશું તો ‘આત્મનિર્ભર ભારત’ થકી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘વિકસિત ભારત’ના સ્વપ્નને આકાર કરી શકીશું. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે, તમામને સુવિધા મળે તેવા મિશનથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આગળ વધી રહ્યા છે. વિભિન્ન રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના દિવસના આ કાર્યક્રમમાં ગુજરાતમાં વસતા વિવિધ રાજ્યના અગ્રણીઓનું સન્માન તથા વિવિધ રાજ્યોના ગીતો અને સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજયપાલશ્રીના હસ્તે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી, અગ્ર સચિવ શ્રી શાહમીના હુસૈન, રાજયપાલશ્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રી અશોક શર્મા, અધિક મુખ્ય વન સંરક્ષક શ્રી ડૉ. જયપાલ સિંઘ, અધિક મુખ્ય વન સંરક્ષક શ્રી કે.એસ. રંધાવા, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ભારતીય સેના-સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ગુજરાતમાં વસતા વિવિધ રાજ્યોના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.