(જી.એન.એસ)તા.૧૫
ભાવનગર,
ભાવનગર મહાનગરપાલિકામાં વહીવટી સરળતા ખાતર આજે ગુરૂવારે કેટલાક અધિકારીઓની ફેરબદલી કરવા, વધારાનો હવાલો સોંપવા અને વધારાના હવાલામાંથી મુક્ત કરવા હુકમ કરવામાં આવે છે. આ અધિકારીનું લીયન હાલ જયાં છે ત્યાં યથાવત રહેશે. બદલીના ઓર્ડર થતા કર્મચારીઓમાં ચર્ચાનો દૌર જામ્યો હતો. મહાપાલિકામાં આજે ગુરૂવારે ૬ અધિકારીઓની આંતરીક બદલી કરવામાં આવી હતી, જયારે બે અધિકારીઓને વધારાના હવાલામાંથી મૂક્ત કરવામાં આવ્યા હતા, જેમાં કાર્યપાલક ઇજનેર સૂર્યદિપસિંહ વી. ગોહિલ હાલ રોડઝ વિભાગ સંભાળતા હતા પરંતુ હવે પછી તેઓને બિલ્ડીંગ વિભાગમાં કાર્યપાલક ઇજનેરની કામગીરી કરવાની રહેશે, જયારે નાયબ કાર્યપાલક ઇજનેર પ્રિયંકા જી. દેવમુરારી હાલમાં બિલ્ડીંગ વિભાગમાં કાર્યપાલક ઇજનેરની જગ્યાનો હવાલો હતો પરંતુ હવે કાર્યપાલક ઇજનેર બિલ્ડીંગ વિભાગના હવાલામાંથી મુકત કરી ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ તરીકે ગાર્ડન વિભાગમાં ફેરબદલી કરવામાં આવી છે. ઉપરાંત ગાર્ડન સુપ્રિટેન્ડન્ટના કેયુરકુમાર કે. ગોહિલ ડબલ્યુટીપી અને ઇએસટીપી પરીસરોમાં ગાર્ડન ડેવલપમેન્ટની અને ડમ્પીંગ સાઇટ પર બાયોમાઇનીંગની તથા મહાનગરપાલિકાના પમ્પીંગ સ્ટેશન ઉપર ગાર્ડન ડેવલપ કરવાની કામગીરી કરી રહ્યા છે પરંતુ હવે તેઓને ઘરવેરા સુપ્રિટેન્ડન્ટ તરીકે ઝોનલ કચેરીમાં ફેરબદલી તેમજ હાલની ગાર્ડન ડેવલપમેન્ટની કામગીરી કરવાની રહેશે. જયારે વહીવટી અધિકારી વિરેન્દ્રસિંહ એ. ગોહિલ હાલમાં એસેસમેન્ટ સેલ વિભાગે ઇન્સ્પેકટરની કામગીરી કરતા હતા પરંતુ હવે ઘરવેરા સુપ્રિટેન્ડન્ટ તરીકે વિભાગમાં ફેરબદલી તથા એસેસમેન્ટ સેલ વિભાગમાં ચિત્રા- ફુલસર વોર્ડની રી-સર્વેની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ઇન્સ્પેકટરની કામગીરી કરવાની રહેશે. ઉપરાંત વહીવટી અધિકારી જેન્તીભાઇ કે. પરમાર હાલમાં ઘરવેરા સુપ્રિટેન્ડન્ટ (પશ્ચિમ) ઝોનલ કચેરીમાં ફરજ બજાવતા હતા પરંતુ હવે રીકવરી ઓફિસર તરીકે ઘરવેરા ઝોનલ કચેરીમાં કામગીરી કરવાની રહેશે. નાયબ કાર્યપાલક ઇજનેર (સિવીલ) કિશોરભાઇ બી. રાઠોડ હાલમાં ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા હતા પરંતુ હવે તેઓને રોડઝ વિભાગમાં મુકવામાં આવ્યા છે. હાલ બિલ્ડીંગ વિભાગે કાર્યપાલક ઇજનેરનો હવાલો સંભાળતા પ્રિયંકા દેવમુરારી ગત તા. ૪ થી આગામી તા. ૨૨ નવેમ્બર-૨૦૨૪ સુધી દિન-૧૯ની હકક રજા ઉપર હોવાથી આગામી તા. ૨ર નવેમ્બર સુધી ગાર્ડન સુપ્રિટેન્ડન્ટની જગ્યાનો વધારાનો હવાલો મહેશ એમ. હિરપરા પાસે યથાવત રહેશે, ત્યારબાદ હિરપરાને ગાર્ડન સુપ્રિટેન્ડન્ટના વધારાના હવાલામાંથી મુકત કરવાના રહેશે. જયારે ઘરવેરા સુપ્રિટેન્ડન્ટ વિભાગે ફરજ બજાવતા તથા એસ્ટેટ વિભાગે એસ્ટેટ ઓફિસરનો વધારાનો હવાલો સંભાળતા સત્યપાલસિંહ એન. પરમારને ઘરવેરા સુપ્રિટેન્ડન્ટ વિભાગની કામગીરીમાંથી મુકત કરી હવે એસ્ટેટ વિભાગમાં એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવવાની રહેશે. આ અધિકારીઓએ તત્કાલ નવી જવાબદારી સંભાળી લેવાની રહેશે તેમ ભાવનગર મહાપાલિકાના કમિશનરે જણાવેલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.