ત્રિપુરામાં ભૂસ્ખલન અને પૂરને કારણે 24 લોકોનાં મોત
(જી.એન.એસ)નવી દિલ્હી,તા.૨૪
ભારતનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. એને લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગ (IMD)એ શનિવારે (24 ઓગસ્ટ) 14 રાજ્યમાં ભારે વરસાદ અને 11 રાજ્યમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પર્વત પરથી વહેતા ધોધમાં 5 પ્રવાસી વહી જતાં તંત્રની ચિંતા વધી ગઈ હતી. માતાનાં દર્શને આવેલી ડુંગરપુરની એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ પર્યટકને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે. શનિવારે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા. રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં અને વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 24 કલાકમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. શુક્રવારે મધ્યપ્રદેશના 20 જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. ભોપાલમાં 2 ઈંચ અને ઈન્દોરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઈન્દોરમાં આજે સ્કૂલોમાં રજા રાખવામાં આવી છે. આ તરફ ઉત્તરપ્રદેશના મથુરામાં પણ શુક્રવારે લગભગ 8 કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં 5થી 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતાં, રસ્તાઓ પર પાર્ક કરાયેલાં વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં અને રસ્તા પર ખાબક્યાં હતાં. ત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં 1900થી વધુ ભૂસ્ખલન થયા છે. ત્રિપુરામાં છેલ્લા 6 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 17 લાખ લોકોને અસર થઈ છે. 24 લોકોનાં મોત થયાં છે. 2 લોકો ગુમ છે. સેનાએ 330 લોકોને બચાવ્યા. 450 રાહત શિબિરોમાં 65 હજાર લોકો છે. IMDએ પશ્ચિમ મધ્યપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ગુજરાતમાં અતિભારે વરસાદ (20 સેમી)નું એલર્ટ જાહેર કર્યું છે.પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ (12 સેમી સુધી) ની શક્યતા છે.હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, મહારાષ્ટ્રના વિદર્ભ, છત્તીસગઢ, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઓડિશા, કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં 7 સેમી વરસાદનું એલર્ટ આપ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.