(જી.એન.એસ) તા. ૨૪
નવી દિલ્હી,
મેટા કંપનીએ સુપ્રીમ કોર્ટમાં ખાતરી આપી હતી કે તે ડેટા પ્રાઈવસીના ભારતના નિયમોનું પાલન કરશે. ૧૬મી માર્ચથી ભારતમાં ડેટા પ્રાઈવસીની નવી ગાઈડલાઈન લાગુ કરી દેશે. અગાઉ વોટ્સએપના ડેટા શેરિંગના મુદ્દે મેટા કંપની વૈશ્વિક માપદંડોનું પાલન કરશે એમ કહીને ભારતીય યુઝર્સના ડેટા જોખમમાં મૂકતી હતી. એ મુદ્દે અગાઉ નેશનલ કંપની લો અપેલેટ ટ્રિબ્યૂનલના આદેશનું પણ પાલન કર્યું ન હતું અને તેની સામે સુપ્રીમમાં અરજી કરી હતી. સુપ્રીમે કંપનીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી પછી કંપનીએ ગાઈડલાઈનના પાલનની ખાતરી આપી હતી.
વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, થ્રેડ જેવા પ્લેટફોર્મ્સ ધરાવતી મેટા કંપનીના ડેટા શેરિંગ અને પ્રાઈવસીના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. વોટ્સએપ યુઝર્સના ડેટા પેરેન્ટ કંપની મેટા સાથે શેર કરવાના મુદ્દે કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈનનું પાલન કરવાનો કંપનીએ ઈનકાર કર્યો હતો. ભારતની વોચડોગ એજન્સીનું માનવું હતું કે વોટ્સએપ યુઝર્સના ડેટાનો ઉપયોગ અન્ય પ્લેટફોર્મ્સમાં જાહેરાતના હેતુથી થાય છે. મેટા કંપનીઓનલાઈન એડવર્ટાઈઝિંગનું નેટવર્ક ધરાવે છે. એમાં જુદા જુદા પ્લેટફોર્મ્સના યુઝર્સના ડેટાનો ઉપયોગ જાહેરાત માટે થાય છે અને એ કારણે કંપનીએ અયોગ્ય રીતે મોનોપોલી સર્જી છે. વોટ્સએપે આ મુદ્દે એવી દલીલ કરી હતી કે તે વૈશ્વિક માપદંડો પ્રમાણે વર્તે છે અને કોઈ બાંધછોડ નહીં. એ પછી આ મામલો નેશનલ કંપની લો અપેલેટ ટ્રિબ્યૂનલમાં પહોંચ્યો હતો. ટ્રિબ્યૂનલે મેટાને ૨૧૩ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
એ ચુકાદાની સામે મેટા કંપની સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. સુપ્રીમે મેટા કંપનીને સવાલો કર્યા હતા અને ડેટા શેરિંગ મુદ્દે કંપનીના વલણની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે ડેટા શેરિંગ નામે ભારતના નાગરિકોની પ્રાઈવસી જોખમમાં મૂકી શકો નહીં. ભારતના યુઝર્સની વાત હોય તો તેમણે ભારતીય કાયદાનું પાલન કરવું પડશે. એ પછી મેટાએ સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે તે ભારતની ગાઈડલાઈનનું પાલન કરશે. ૧૬મી માર્ચથી નવી ગાઈડલાઈન લાગુ કરી દેશે. સુપ્રીમ કોર્ટમાં વોટ્સએપ-મેટા વતી કપિલ સિબ્બલે દલીલો કરી હતી. વોટ્સએપે કહ્યું હતું કે બીજા મેટા પ્લેટફોર્મ સાથે યુઝર્સનો ડેટા શેર કરતી વખતે ભારતીય એજન્સીની સહમતી લેશે. કંપનીએ કહ્યું હતું કે તે કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાના નિર્દેશોનું પાલન કરશે. કંપનીના કહેવા પ્રમાણે તે ગ્રાહકને વિકલ્પ આપશે કે તેમની વિગતો અન્ય પ્લેટફોર્મ સાથે શેર કરવી કે નહીં. કંપનીએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામુ દાખલ કર્યું હતું. ભારતમાં ડેટાના મુદ્દે છેક ૨૦૨૧થી સુપ્રીમ કોર્ટમાં મેટાનો કેસ ચાલી રહ્યો છે. એમાં કંપનીએ જુદી જુદી રીતે પ્રાઈવસી સેટિંગ્સ સ્વીકારવાની ફરજ પાડવા સહિતના મુદ્દા સામેલ હતા.
213 કરોડની પેનલ્ટીના કેસની સુનાવણી હવે થશે
વોટ્સએપે ટ્રિબ્યૂનલના ડેટા શેરિંગના ચુકાદા સામે જે અરજી કરી હતી તે પાછી ખેંચી લીધી છે, પરંતુ ૨૧૩ કરોડના દંડની અરજીની સુનાવણી સુપ્રીમમાં હવે પછી થશે. એ કેસ મેટા કંપનીએ પાછો ખેંચ્યો નથી. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ મેટા પર ૨૧૩ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેને ટ્રિબ્યૂનલે યોગ્ય ગણાવ્યો હતો. તેની સામે કંપનીએ સુપ્રીમમાં અરજી કરી હતી. ડેટાના મુદ્દે કંપનીએ ખાતરી આપી એટલે એ કેસ પૂરો થયો મનાય છે. કંપનીએ જ તેની અરજી પાછી ખેંચી લીધી છે, પરંતુ ૨૧૩ કરોડની પેનલ્ટીનો કેસ સંભવત: ૧૬મી માર્ચે સુપ્રીમ કોર્ટમાં ચાલશે.
દેશમાં મેટા પ્લેટફોર્મ્સના મંથલી એક્ટિવ યુઝર્સ-
વોટ્સએપ ૮૫ કરોડ
ફેસબુક ૬૦ કરોડ
ઈન્સ્ટાગ્રામ ૪૮ કરોડ

