કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં ચાલી રહેલી રેકોર્ડ તેજીને અચાનક બ્રેક લાગી હતી. ડોલરના ભાવમાં ઝડપી કડાકો બોલાતાં રૂપિયો વધુ ગબડતો અટકી તળિયેથી સ્પ્રિંગની જેમ ઉછળ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સક્રિયતા વધતાં અને સરકારી બેન્કો દ્વારા ડોલર વેચાણ શરૂ કરાતાં રૂપિયામાં આવેલી મંદીને મજબૂત સપોર્ટ મળતો જોવા મળ્યો હતો. રૂપિયા સામે ડોલરના ભાવ ૬૭ પૈસા ઘટતાં રૂપિયો ૦.૭૪% મજબૂત થયો હતો. એક જ દિવસમાં નોંધાયેલો આ ઉછાળો છેલ્લા સાત મહિનાનો રેકોર્ડ હોવાનું કરન્સી બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
રિઝર્વ બેન્ક સ્પોટ માર્કેટ સાથે – સાથે નોન-ડિલિવરેબલ ફોરવર્ડ (NDF) બજારમાં પણ સક્રિય હોવાનું જણાયું હતું. ઓનશોર ટ્રેડિંગ શરૂ થયા બાદ તરત જ આરબીઆઈની હાજરીના સંકેતો મળ્યા હતા. ડિસેમ્બર મહિનામાં રૂપિયો આશરે ૧.૮૦% તૂટ્યો હતો, જ્યારે એશિયાની અન્ય મુખ્ય કરન્સીઓ મોટા ભાગે સ્થિર રહી હતી કે કેટલાક કિસ્સામાં મજબૂત થઈ હતી. આ સ્થિતિમાં રૂપિયાની સતત નબળાઈને કારણે સટ્ટારૂપી તત્વો સક્રિય બન્યાની ચર્ચા હતી, જેને કાબૂમાં લેવા હવે રિઝર્વ બેન્ક ખુલ્લેઆમ બજારમાં ઉતરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તીવ્ર ઉછાળાથી રૂપિયામાં છેલ્લા સાત મહિનાનો સૌથી મોટો એકદિવસીય સુધારો નોંધાયો છે. બીજી તરફ, વૈશ્વિક બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે લગભગ ૦.૪૦% વધીને ઉંચામાં ૯૮.૬૪ સુધી પહોંચ્યો હતો અને અંતે ૯૮.૫૪ રહ્યો હતો. અમેરિકામાં નવેમ્બર મહિનાનો જોબ ગ્રોથ ૬૪ હજાર નોંધાયો હતો, જ્યારે બજારની અપેક્ષા ૫૦ હજારની હતી, જેના પગલે ડોલરને વૈશ્વિક સ્તરે ટેકો મળ્યો હતો. મુંબઈ શેરબજારમાં પીછેહટ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવમાં ફરી તેજી આવ્યાના સમાચાર છતાં રૂપિયાનો આ તીવ્ર ઉછાળો બજારના જાણકારોને આશ્ચર્યમાં મૂકી ગયો હતો.

