ભારતીય શેરબજારમાં વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી સાંકડી રેન્જમાં અથડાતા રહ્યા હતા. પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની તીવ્ર અસ્થિરતા પછી બજારના મૂવમેન્ટમાં નોંધપાત્ર ઠેરાવ જોવા મળ્યો હતો. ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન પ્રથમ છ મહિનામાં સેન્સેક્સમાં ૩૦ વખત ૧% કે તેથી વધુ અને નિફ્ટીમાં ૩૨ વખત મોટી વધઘટ નોંધાઈ હતી, જ્યારે બીજા અર્ધવાર્ષિક ગાળામાં સેન્સેક્સમાં માત્ર ૩% અને નિફ્ટીમાં ૪% જેટલી જ હલચલ જોવા મળી હતી. બજારના જાણકારો મુજબ, પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નિરાશાજનક કોર્પોરેટ કમાણી અને અમેરિકાની વેપાર નીતિ સંબંધિત અનિશ્ચિતતાએ બજારમાં ભારે અસ્થિરતા સર્જી હતી. જોકે, બીજા અર્ધવાર્ષિક ગાળામાં નકારાત્મક સમાચારની તીવ્રતા ઘટતા, સારી કોર્પોરેટ કમાણી અને સ્થિર સ્થાનિક સંસ્થાકીય રોકાણના ટેકાથી બજારમાં સ્થિરતા આવી હતી.
પ્રથમ બે મહિનામાં બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારબાદ પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના અંતિમ મહિનાઓમાં તેજી નોંધાઈ હતી. બીજા ભાગમાં સૂચકાંકો નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, પરંતુ પ્રથમ છ મહિનામાં જોવા મળેલા સ્તરોની તુલનામાં લાભ સાધારણ રહ્યો હતો. સૂચકાંકો ધીમે ધીમે વધતા જતા હોવાથી બજારમાં અસ્થિરતા ઓછી રહી હતી. કોર્પોરેટ પરિણામોની વાત કરીએ તો જૂન ક્વાર્ટરની કમાણી નબળી રહી હતી, જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો હકારાત્મક રહ્યા હતા. જોકે, ભારત-અમેરિકા વેપાર સોદાને હજી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. અમેરિકાએ ઓગસ્ટમાં ૫૦% સુધીનો ટેરિફ લાદ્યા બાદ વેપાર સોદાની વાટાઘાટોમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ બીજા છ મહિનામાં રૂ.૮૫,૦૦૦ કરોડનું વેચાણ કર્યું હતું, જે પહેલા છ મહિનામાં રૂ.૭૨,૦૦૦ કરોડ હતું. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ બીજા અર્ધવાર્ષિક ગાળામાં રૂ.૪ લાખ કરોડ જેટલું રોકાણ કર્યું હતું, જે પહેલા છ મહિનામાં રૂ.૩.૫ લાખ કરોડ હતું. વિદેશી રોકાણકારોના વેચાણ વચ્ચે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ખરીદીએ ઇન્ડેક્સને મોટા ઘટાડાથી બચાવ્યો હતો. જોકે, બીજા છ મહિનામાં આઇપીઓના ભારે પ્રવાહને કારણે સ્થાનિક અને વિદેશી બંને પ્રકારના સંસ્થાકીય રોકાણકારો દ્વારા બજારમાંથી નાણાં ઉપાડવામાં આવ્યા હતા. બજારના જાણકારોનું માનવું છે કે આગામી મહિનાઓમાં જો વેપાર મોરચે કોઈ સમજૂતી થાય અને કોર્પોરેટ પરિણામો અપેક્ષા કરતા સારા આવે, તો ભારતીય શેરબજાર ૧૦ થી ૧૧% સુધીનું વળતર આપી શકે છે.

