કેન્દ્ર સરકાર ઇન્ડિયન ઓવરસીસ બેન્ક (IOB)માં પોતાનો હિસ્સો ઘટાડવા માટે ઓફર ફોર સેલ (OFS) લાવવાની તૈયારીમાં છે. સરકાર શેરદીઠ અંદાજે રૂ.૩૪ના ફ્લોર પ્રાઈસ પર કુલ ૩% હિસ્સો વેચશે. રિટેલ રોકાણકારો માટે આ OFS ગુરુવારે યોજાવાનો છે. ફ્લોર પ્રાઈસના આધારે સરકાર આ હિસ્સા વેચાણ મારફત આશરે રૂ.૧,૯૬૦ કરોડની રકમ ઊભી કરશે. OFS અંતર્ગત સરકાર બેઝ ઓફર સાઈઝ તરીકે ૩૮.૫૧ કરોડ શેરો, એટલે કે ૨% હિસ્સો વેચશે. આ ઉપરાંત ૧૯.૨૫ કરોડ શેરો, એટલે કે વધારાના ૧% હિસ્સા માટે ગ્રીન શૂ વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે.
હાલમાં કેન્દ્ર સરકાર ઇન્ડિયન ઓવરસીસ બેન્કમાં ૯૪.૬૧% હિસ્સો ધરાવે છે. OFS પૂર્ણ થયા બાદ સરકારનો હિસ્સો ઘટશે, પરંતુ બેન્ક પર નિયંત્રણ યથાવત રહેશે. બુધવારે શેરબજારમાં IOBના શેર પર દબાણ જોવા મળ્યું હતું. બેન્કનો શેર ૬.૧૫% ઘટીને રૂ.૩૪.૩૨ પર બંધ રહ્યો હતો. બજાર નિષ્ણાતોના મત મુજબ, OFSની જાહેરાતને કારણે ટૂંકા ગાળામાં શેરમાં અસ્થિરતા રહી શકે છે, જ્યારે લાંબા ગાળે સરકારનો હિસ્સો ઘટવાથી ફ્રી ફ્લોટમાં વધારો થવાની શક્યતા છે.

