નવેમ્બર, ૨૦૨૫માં જથ્થાબંધ ભાવાંક (WPI) આધારિત ફુગાવો ઘટીને માઇનસ ૦.૩૨% નોંધાયો છે. આ સાથે સતત બીજા મહિને જથ્થાબંધ ફુગાવો નકારાત્મક રહ્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ઓક્ટોબર માસમાં ફુગાવો માઇનસ ૧.૨૧% હતો જ્યારે ગયા વર્ષે નવેમ્બર, ૨૦૨૪માં તે ૨.૧૬% રહ્યો હતો. ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવેમ્બર દરમિયાન ફુગાવાનો નકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય પદાર્થો, ખનીજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મૂળભૂત ધાતુઓના ઉત્પાદનો તેમજ વીજળીના ભાવમાં ઘટાડાને કારણે નોંધાયો છે. જો કે માસિક ધોરણે કઠોળ અને કેટલાક શાકભાજીના ભાવમાં વધારો પણ જોવા મળ્યો છે.
ખાદ્ય પદાર્થોમાં એપ્રિલથી સતત આઠ મહિના સુધી ડિફલેશન જોવા મળી રહ્યું છે. નવેમ્બરમાં ખાદ્ય પદાર્થોનો ડિફલેશન દર ૪.૧૬% રહ્યો હતો, જે ઓક્ટોબરમાં ૮.૩૧% હતો. એટલે કે ભાવમાં ઘટાડાની ગતિ થોડું ધીમી પડી છે. શાકભાજીના ભાવમાં પણ નવેમ્બરમાં ઘટાડો યથાવત રહ્યો હતો. નવેમ્બરમાં શાકભાજીનો નેગેટિવ ફુગાવો ૨૦.૨૩ ટકા રહ્યો હતો, જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો ૩૪.૯૭% હતો. આ દર્શાવે છે કે ભાવમાં ઘટાડો ચાલુ છે પરંતુ તેની તીવ્રતા ઓછી થઈ છે.
કઠોળના ભાવમાં નવેમ્બરમાં માઇનસ ૧૫.૨૧% ફુગાવો નોંધાયો હતો. બટાકાના ભાવમાં માઇનસ ૩૬.૧૪% અને ડુંગળીના ભાવમાં ૬૪.૭૦%નો નેગેટિવ ફુગાવો નોંધાયો છે, જે ખાદ્ય ફુગાવાને નીચે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવમાં પણ નરમાઈ જોવા મળી છે. નવેમ્બરમાં મેન્યુફેકચરિંગ ફુગાવો ઘટીને ૧.૩૩% રહ્યો હતો, જે ઓક્ટોબરમાં ૧.૫૪% હતો. આ સાથે ઇંધણ અને વીજળીનો ફુગાવો નવેમ્બરમાં માઇનસ ૨.૨૭% રહ્યો હતો, જે અગાઉના મહિને માઇનસ ૨.૫૫% હતો.

