ભારતમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ૨૦૨૫ દરમિયાન મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળ્યું છે. એક તાજા રિપોર્ટ મુજબ, દેશમાં ક્રિપ્ટોમાં થતી કુલ પ્રવૃત્તિમાંથી આશરે ૭૫ ટકા કામકાજ દ્વીતિય, તૃતિય અને ચતુર્થ શ્રેણીના નાના શહેરોમાંથી થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે ક્રિપ્ટો માર્કેટ હવે માત્ર મહાનગરો સુધી સીમિત રહી નથી. રિપોર્ટ મુજબ ભારતની ક્રિપ્ટો માર્કેટ ૨૦૨૫માં પરિપકવતા સુધી પહોંચી ગઈ છે અને રોકાણકારો હવે વધુ માહિતીસભર તથા વિચારપૂર્વકના નિર્ણયો લેતા થયા છે.
રાજ્યવાર જોવામાં આવે તો, ક્રિપ્ટોકરન્સીમાં થયેલા કુલ રોકાણમાંથી ૧૩ ટકા ઉત્તર પ્રદેશમાંથી, ૧૨ ટકા મહારાષ્ટ્રમાંથી અને ૭.૯૦ ટકા કર્ણાટકમાંથી નોંધાયું છે. કુલ ૨.૫૦ કરોડ વપરાશકારોના ડેટાના આધારે તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં જણાવાયું છે કે, કુલ વપરાશકારોમાંથી ૩૨.૨૦ ટકા દ્વીતિય શ્રેણીના શહેરોમાંથી છે, જ્યારે તૃતિય અને ચતુર્થ શ્રેણીના શહેરોમાંથી ૪૩ ટકા કરતાં વધુ વપરાશકારો નોંધાયા છે.
મહાનગરોમાંથી ક્રિપ્ટોમાં રસ યથાવત રહ્યો છે, પરંતુ નાના શહેરોમાં સ્વીકાર ઝડપથી વધી રહ્યો છે. આ વલણ ભારતીય ઇક્વિટી માર્કેટમાં જોવા મળતા વધતા નાના શહેરોના રોકાણકારોની ભાગીદારી સાથે સરખું પડે છે. રિપોર્ટ અનુસાર, ક્રિપ્ટો માર્કેટમાં સૌથી વધુ સહભાગ ૨૫થી ૩૫ વર્ષની વયજૂથના યુવાનોનો રહ્યો છે, જેમણે કુલ પ્રવૃત્તિમાંથી લગભગ ૪૫ ટકા કામકાજ કર્યું છે. રોકાણની દ્રષ્ટિએ બિટકોઈન સૌથી વધુ પસંદગીનું ક્રિપ્ટોકરન્સી રહ્યું છે.

