કરન્સી બજારમાં ડોલરની મજબૂતી સામે રૂપિયો વધુ ગબડતાં આજે નવી ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ડોલર સામે રૂપિયો રૂ. ૯૦.૪૩ના અગાઉના બંધ ભાવ સામે આજે રૂ. ૯૦.૫૫ પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં રૂ. ૯૦.૫૧ સુધી મજબૂત થયા બાદ ફરી દબાણ વધતાં રૂપિયો દિવસના ઊંચા તબક્કે રૂ. ૯૦.૭૯ સુધી તૂટી ગયો હતો અને અંતે રૂ. ૯૦.૭૬ પર બંધ રહ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો કુલ ૩૩ પૈસા તૂટ્યો હતો, જે દિવસ દરમિયાન અંદાજે ૦.૩૬ ટકાનો ઘટાડો દર્શાવે છે. ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર કરાર અંગેની વાટાઘાટોમાં વિલંબ, તેમજ સ્થાનિક શેરબજારમાં નબળાઈને કારણે રૂપિયામાં દબાણ વધ્યું હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
ડોલરના ઇન્ફ્લો ઘટી જતાં અને આઉટફ્લો વધતાં કરન્સી બજારમાં ડોલર મજબૂત બન્યો હતો. આ અગાઉ ૧૨ ડિસેમ્બરે રૂપિયો રૂ. ૯૦.૫૫ સુધી તૂટ્યો હતો, જ્યારે આજે રૂ. ૯૦.૭૯ના સ્તરે પહોંચતા નવી નીચી સપાટી નોંધાઈ છે. જાણકારોના જણાવ્યા મુજબ ૨૦૨૫ દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી આશરે ૧૮ અબજ ડોલરના શેર વેચી નાખ્યા છે, જ્યારે ડિસેમ્બર મહિનામાં અંદાજે ૫૦૦ મિલિયન ડોલરના બોન્ડ વેચાણની ચર્ચા પણ બજારમાં ચાલી રહી છે. ભારત-યુરોપ વેપાર કરારમાં વિલંબ અને મેક્સિકો દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારવાના નિર્ણયની અસર પણ રૂપિયાની નબળાઈમાં ઉમેરો કરતી હોવાનું નિરીક્ષકો માને છે.
વૈશ્વિક બજારમાં આજે ડોલર ઇન્ડેક્સ ૯૮.૩૨થી ૯૮.૪૮ની રેન્જમાં રહ્યો હતો અને અંતે ૯૮.૩૭ આસપાસ જોવા મળ્યો હતો. અમેરિકાના આવનારા ફુગાવા અને રોજગાર સંબંધિત આંકડાઓ પર પણ બજારની નજર રહી હતી. જાપાનમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના સેન્ટિમેન્ટમાં સુધારા અને વ્યાજદરમાં વધારો થવાની શક્યતાને કારણે યેન ડોલર સામે મજબૂત થયો હતો. બ્રિટન અને યુરોપમાં પણ વ્યાજદર અંગેની આવનારી જાહેરાતોને લઈને બજાર સતર્ક રહ્યું હતું. આ દરમિયાન વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ નરમ રહ્યા હતા. આજે રૂપિયા સામે બ્રિટિશ પાઉન્ડ ૩૦ પૈસા વધીને રૂ. ૧૨૧.૩૩ રહ્યો હતો, જ્યારે યુરો ૪૨ પૈસા વધીને રૂ. ૧૦૬.૫૧ રહ્યો હતો.
જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૮૧% અને ચીનની કરન્સી ૦.૪૬% મજબૂત થઈ હતી. મુંબઈ બજારમાં કેટલાક સરકારી બેન્કો ઊંચા સ્તરે ડોલર વેચતી પણ જોવા મળી હતી. રૂપિયો સતત નબળો પડતાં હવે ડોલર સામે રૂ. ૯૧ના સ્તર પર બજારની નજર છે. જાણકારોના મતે રૂપિયાની આ નબળાઈથી આયાત ખર્ચ વધશે અને તેના કારણે દેશમાં મોંઘવારી તથા ફુગાવાનો દબાણ વધવાની શક્યતા છે.

