ભારતીય પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) બજારમાં મ્યુચ્યુઅલ ફંડ્સની ભાગીદારી સતત વધતી જઈ રહી છે. વર્તમાન વર્ષના નવેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્સે છ આઈપીઓમાં કુલ મળીને રૂ. ૧૩,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું હોવાનું તાજા ડેટામાંથી સામે આવ્યું છે. આ આંકડો પ્રાથમિક બજારમાં મજબૂત સ્થાનિક તરલતાનું પ્રતિબિંબ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ગ્રો કંપનીના આઈપીઓમાં સૌથી વધુ, આશરે રૂ. ૪,૨૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લેન્સકાર્ટ સોલ્યુશન્સ, પાઈન લેબ્સ, ફિઝિક્સ વાલા, ટેનેકો ક્લીન એર અને એમવી ફોટોવોલ્ટેઇક પાવર જેવી કંપનીઓના આઈપીઓ પણ મ્યુચ્યુઅલ ફંડ્સની પસંદગીમાં રહ્યા હતા. આ તમામ કંપનીઓમાં પ્રત્યેકમાં રૂ. ૧,૦૦૦ કરોડથી વધુનું રોકાણ નોંધાયું હતું.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના આંકડા મુજબ નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ચોખ્ખું ઇક્વિટી રોકાણ આશરે રૂ. ૪૩,૫૦૦ કરોડ સુધી પહોંચી ગયું હતું. આ વધતું રોકાણ દર્શાવે છે કે પ્રાથમિક બજારમાં મ્યુચ્યુઅલ ફંડ્સ હવે મુખ્ય ચલક શક્તિ બની રહ્યા છે. વર્તમાન વર્ષ દરમિયાન મુખ્ય બોર્ડ પર ૧૦૦થી વધુ આઈપીઓ લોન્ચ થયા છે, જે છેલ્લા ૨૫ વર્ષમાં સૌથી વધુ સંખ્યા છે. સેકન્ડરી બજારમાં ઊંચા મૂલ્યાંકનને કારણે મોટો હિસ્સો પ્રાથમિક બજાર તરફ વળ્યો છે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ્સની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ છે.
વિશ્લેષકોના મતે મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત આવતાં છૂટક રોકાણને કારણે તેમની પાસે મોટા પાયે રોકાણ કરવા માટે મૂડી ઉપલબ્ધ છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા હોવા છતાં આ સ્થાનિક તરલતા આઈપીઓ બજારને મજબૂત આધાર પૂરું પાડી રહી છે. ખાસ કરીને કન્ઝયુમર ટેક અને નવી પેઢીના વ્યવસાયોના આઈપીઓમાં મ્યુચ્યુઅલ ફંડ્સનો રસ વધુ જોવા મળી રહ્યો છે. હાલ આ સેગમેન્ટમાંથી આશરે ૨૦ ટકા આઈપીઓ માંગ ઊભી થઈ રહી છે, જે આગામી પાંચ વર્ષમાં વધીને ૩૦ ટકા કરતાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અબજો ડોલરના ખાનગી મૂલ્યાંકન ધરાવતા ઓછામાં ઓછા ૨૦ સ્ટાર્ટઅપ્સ બજારમાં પ્રવેશવાની તૈયારીમાં હોવાનું પણ જાણકારો જણાવે છે.

