યાત્રાળુઓએ ૫૬૨ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
માહિતી બ્યુરો-સુરત: રવિવાર: દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ચેતનાના પ્રતિક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મુંબઈથી પ્રસ્થાન થયેલી ‘ગોદાવરી પ્રવાહ યાત્રા’ આજે સુરતના વાલક પાટીયા સ્થિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે આવી પહોંચી હતી.
યાત્રાના આગમન પ્રસંગે ઢોલ-નગારાના નાદ સાથે યુવા કાર્યકરોનું પરંપરાગત તિલક કરી દેશભક્તિના સૂરો વચ્ચે યાત્રાળુઓને આવકાર્યા હતા. સાથોસાથ દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોના ૩૦૦થી વધુ યુવા કાર્યકરોએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સૌ યાત્રાળુઓએ ગુજરાતી ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
તા.૧લી ડિસેમ્બરના રોજ ગોદાવરી પ્રવાહના યાત્રાળુઓએ વાલક પાટીયા સ્થિત સરકારી કોલેજ માટે ફાળવાયેલી જમીનમાં ૫૬૨ રોપાઓનું વાવેતર કરી વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સશક્ત સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના આદર્શ વ્યક્તિત્વને યાદ કરતાં યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રનિર્માણની ભાવના મજબૂત બને તે દિશામાં પ્રેરણાદાયી મંથન કરાયું હતું. સરદાર પટેલજીના જીવન, કાર્ય અને દેશની એકતામાં તેમના અવિસ્મરણીય યોગદાન વિશે ગોષ્ઠિ કરાઈ હતી.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી-સુરત દ્વારા ગણેશ વંદના, મિશ્ર રાસ, ગરબો અને આદિવાસી લોકનૃત્ય અને સપ્તરંગી ગુજરાત જેવા નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ગોદાવરી યાત્રામાં સામેલ દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોના યુવાઓએ સુરત આગમન દરમિયાન આદિવાસી નૃત્યોના તાલે જૂમી, ગરબે ઘૂમ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રીય પોલિસી એન્ડ રિસર્ચના સંયોજક વરૂણ ઝવેરી, યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ઈશાન સોની, સુરત યુવા મોર્ચાના અધ્યક્ષ ભાવિનભાઈ, પ્રભારી ભાવિકાબેન, મહામંત્રી પાર્થભાઈ, વિવેકભાઈ, શહેર ઉપાધ્યક્ષ પ્રવિણ પાટીલ, મંત્રી ચિરાગ સાવલિયા, હર્ષ મહેતા, પ્રાંત અધિકારી વી.જે.ભંડારી, મામલતદારશ્રી પુણા સુનિલભાઈ વાણિયા, કોર્પોરેટરો સહિત મહામંત્રી કાળુભાઈ ભીમનાથ, સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને યાત્રાને આવકારી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

