(જી.એન.એસ) તા. 9
અમદાવાદ,
વર્ષ 2018 નો બહુચર્ચિત બિટકોઈન ખંડણી અને અપહરણ મામલામાં દોષિત ઠેરવવાના સેશન્સ કોર્ટના આદેશને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. હવે તેમણે સેશન્સ કોર્ટના દોષિત ઠેરવવાના આદેશ વિરૂદ્ધ હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ વર્ષે 29મી ઓગસ્ટના રોજ અમદવાદ સેશન્સ કોર્ટે બિલ્ડર અને વેપારી શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમની પાસેથી 12 કરોડ રૂપિયાના 200 બિટકોઈન પડાવવાના મામલામાં નલિન કોટડિયા અને અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. નલિન કોટડિયાએ તેમને અપાયેલી સજા પર સ્ટેની માંગ સાથે પણ એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી છે.
વર્ષમાં 2012માં કોટડિયાએ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી ચૂંટણી લડતા હતા અને ધારી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બિલ્ડર શૈલેષ ભટ્ટે આરોપ લગાવ્યો હતો કે 9 ફેબ્રુઆરી, 2018ના રોજ કેટલાક પોલીસ કર્મચારીઓએ ગાંધીનગરથી તેમનું અપહરણ કર્યું હતું અને બિટકોઈન પડાવી લીધા હતા. ભટ્ટે ગૃહ વિભાગને આપેલી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે કોટડિયા અને તત્કાલીન અમરેલીના SP જગદીશ પટેલ તેમની પાસેથી બિટકોઈન પડાવવાના કાવતરામાં સામેલ હતા.
આ બાબતે ગૃહ વિભાગની સૂચના બાદ રાજ્યની સીઆઈડી-ક્રાઈમ પોલીસે કોટડિયા અને અન્ય લોકો વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની (આઈપીસી) અલગ અલગ કલમો હેઠળ અપહરણ, ખંડણી અને ગુનાહિત કાવતરા મુજબ ગુનો દાખલ કરાયો હતો. ત્યાર પછી ધરપકડથી બચવા માટે આરોપીઓ મહિનાઓ સુધી ફરાર રહ્યા હતા. છેવટે સપ્ટેમ્બર 2018માં કોટડિયાની મહારાષ્ટ્રના જલગાંવમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલા ની વાત કરીએ તો; વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઈન ખંડણીનો કેસ નોંધાયો હતો. એક ફાઈનાન્સ કંપનીમાં કરેલા બિટકોઈન રોકાણમાં શૈલેષ ભટ્ટના પૈસા ડૂબી ગયા હતા. તેથી તેણે આ કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માંગ્યા હતા. ત્યાર પછી આ કેસમાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ અનંત પટેલની ટીમે સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ખંડણી વસૂલી હતી. પોલીસ અપહરણકારોએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને રૂ. 9 કરોડની કિંમતના 176 બિટકોઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ખંડણીમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની પણ સંડોવણી હતી.
આ કૌભાંડનો પર્દાફાશ થતા આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી. સીઆઈડીએ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારી તેમજ સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. કેતન પટેલની પૂછપરછમાં જ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખૂલ્યા હતા. જેના આધારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે જગદીશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આ કેસમાં સમયાંતરે કુલ 14 લોકોની ધરપકડ કરાઈ હતી.