(જી.એન.એસ) તા. 12
સુરત,
સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ, હત્યાના કેસમાં પોલીસ દ્વારા 4 પૈકી ઝડપાયેલા એક લુટારુને પોલીસની ટીમ દ્વારા તેને સાથે રાખીને સમગ્ર ઘટના મામલે તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં સચિન વિસ્તાર પોલીસે આરોપીને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાને અંજામ આપીને ક્યાં અને કંઈ દિશામાં ભાગ્યા હતા? તેની જાણકારી પોલીસે મેળવી છે. સાથે જ ફરાર અન્ય 3 આરોપીઓનાં નામ અને સરનામા મેળવી તેમની શોધખોળ આદરી છે.
થોડા દિવસ પહેલા 3-4 જેટલા બંદૂકધારી ઇસમો શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને વેપારી આશિષ રાજપરા અને દુકાનનો કર્મચારી કંઈ સમજે વિચારે તે પહેલા દાગીના ભરેલી બેગ ઉઠાવી ફરાર થવાની કોશિશ કરી હતી. જો કે, વેપારી અને કર્મચારીએ રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. દરમિયાન, છાતીનાં ભાગે ગોળી વાગતા વેપારી આશિષ રાજપરાનું ઘટના્સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કર્મચારીના પગના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. સરાજાહેર થયેલ આ ઘટનાએ પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા કર્યા હતા.
આ ઘટનામાં સ્થાનિકોએ એક લુટારુને ઝડપી પાડ્યો હતો અને બરોબરનો મેથીપાક આપ્યો હતો. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સારવારમાં સાજા થયા બાદ સચિન પોલીસે આરોપીનો કબજો મેળવ્યો હતો. કબજો મેળવી આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે માહિતી મેળવી. ઘટનાને અંજામ આપી અન્ય આરોપીઓ ક્યાંથી અને કંઈ દિશામાં ભાગ્યા સહિતની માહિતી પોલીસે મેળવી છે. સાથે જ ફરાર અન્ય 3 આરોપીઓનાં નામ અને સરનામા પણ પોલીસે મેળવ્યા હોવાની માહિતી છે. જો કે, ફરાર આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે તેને લઈને લોકોમાં ચર્ચા વેગવંતી થઈ છે.

