(જી.એન.એસ) તા. 02
સુરત,
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે રાધા રાણી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકી ગત રવિવારે ઘરેથી ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં પાડોશી ગણપતલાલ ચંદ્રપ્રકાશ નામનો શખ્સ બાળકીને લઈને જતો CCTV ફૂટેજમાં નજરે પડે છે. આ પછી પોલીસે શોધખોળ કરીને આરોપી ગણપતને ઝડપી પાડ્યો હતો. વધુ તપાસમાં બાળકીનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો હતો.
આ કેસમાં પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા આરોપી ગણપતે મોઢા પર પથ્થરના ઘા મારીને બાળકીની કરપીણ હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કડોદરા પોલીસે મૃતક બાળકીનો મૃતદેહ પી.એમ. અર્થે મોકલી, આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

