બે વર્ષમાં રાજ્યના તમામ જિલ્લાઓની ૧૪,૧૭૯ શાળાઓના ૧૫ લાખથી વધુ બાળકોને તમાકુના વ્યસનથી થતા નુકસાન અંગે જાગૃત કરાયા
(જી.એન.એસ) તા. 30
ગાંધીનગર,
તમાકુનું સેવન કરવાથી આપણા સૌના જીવનમાં કેટલી ખરાબ અસર થાય છે તે આપણે સૌ જાણીએ જ છીએ. તમને જાણીને નવાઈ લાગશે પણ તમાકુનું વ્યસન એ સદીની સૌથી મોટી મહામારી કોરોના કરતા પણ વધુ ખતરનાક છે. ભારતમાં રોજના હજારો લોકો તમાકુના વ્યસનથી થતી કેન્સર સહિતની બીમારીઓના કારણે મોતને ભેટે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટા મુજબ, ભારતમાં 30 ટકા કેન્સર માત્ર તમાકુના સેવનથી થાય છે.
ગુજરાતમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અન્વયે તમાકુ નિયંત્રણના ભંગ બદલ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કેસો અને વસુલાત કરેલ દંડની વાત કરીયે તો છેલ્લા બે વર્ષમાં COTPA-2003 અધિનિયમ હેઠળ તમાકુ નિયંત્રણ ભંગ બદલ ૬૪,૫૭૫ ફરીયાદ નોંધી રૂ. ૯૯,૮૬,૨૯૫નો દંડ વસુલાયો છે તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
બાળક યુવાન થઈને કોઈપણ પ્રકારનું વ્યસનનું સેવન ન કરે તે માટે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છેલ્લા બે વર્ષમાં રાજ્યના તમામ જિલ્લાઓની ૧૪,૧૭૯ શાળાઓના ૧૫,૨૩,૦૧૮ બાળકોને તમાકુ કે તેના જેવા અન્ય વ્યસનથી દુર રહી બીજા મિત્રોને પણ તે પ્રકારનું વ્યસન કરતાં અટકાવા માટે જાગૃત કરવામાં આવ્યા છે.
તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ ભારત સરકાર દ્વારા સીગરેટ અને અન્ય તમાકુની બનાવટોની જાહેરાત, વેપાર અને વાણિજ્ય, ઉત્પાદન, સપ્લાય અને વહેંચણી ઉપર પ્રતિબંધ-ર૦૦૩ (COPTA 2003) કાયદો દ્વારા લાગુ કરાયો છે.
તમાકુની આ મહામારીને નિયંત્રિત કરવા અને ભાવી આવનારી પેઢીને આરોગ્ય, સામાજિક અને આર્થિક સંબંધિત સંકટથી બચાવવા ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) ચલાવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦૧૧માં રાજ્ય તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારને સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં તમાકુ નિયંત્રણ પ્રવૃત્તિઓના શ્રેષ્ઠ અમલીકરણ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વર્ષ ૨૦૨૫ની થીમ તરીકે “અપીલને ઉજાગર કરવી: તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો પર્દાફાશ કરવો” રાખવામાં આવી છે.
આ થીમનો ઉદ્દેશ્ય તમાકુ અને નિકોટિન ઉદ્યોગો દ્વારા તેમના હાનિકારક ઉત્પાદનોને આકર્ષક બનાવવાના વિવિધ ઉપાયો અને વ્યૂહોને જાહેર કરવો છે. તેમના ઉત્પાદનોને આકર્ષક બનાવવા માટે, આ ઉદ્યોગો વિવિધ વ્યૂહો અપનાવે છે, જેમ કે: ફ્લેવરિંગ્સ અને આકર્ષક પેકેજિંગનો ઉપયોગ કરીને યુવાનોને લલચાવવું, ઇલેક્ટ્રોનિક સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનોને “સલામત વિકલ્પો” તરીકે રજૂ કરવું, ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રચાર અને પ્રોત્સાહન દ્વારા યુવાનોને નિશાન બનાવે છે.
31મી મેના દિવસને ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વિશ્વ આરોગ્ય સંગઠન WHO દ્વારા 1987માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ તમાકુના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય જોખમો જેવા કે કેન્સર, હૃદયરોગ અને શ્વસન સમસ્યાઓ વિશે લોકોને જાગૃત કરવાનો છે.

