(જી.એન.એસ) તા. 26
લંડન,
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ, વિશ્વભરમાં ભારતીય સમુદાય ગુસ્સે છે અને પાકિસ્તાન સામે વિરોધ કરી રહ્યો છે ત્યારે લંડનમાં પાકિસ્તાની દૂતાવાસના અધિકારીએ લાજશરમ નેવે મૂકી દેખાવો કરી રહેલા ભારતીયોને ગળું કાપી દેવાનો ઈશારો કર્યો છે. લંડનમાં પહલગામમાં 26 લોકોની બર્બરતાપૂર્વક હત્યા બદલ પાકિસ્તાન દૂતાવાસની બહાર ભારત વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતાં. એક પાકિસ્તાની અધિકારીએ આ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને ગળું કાપી દેવાનો ઈશારો કરી પાછા હટી જવા કહ્યુ હતું. આટલું જ નહીં તેણે અભિનંદન વર્ધમાનની ચા સાથે એક તસવીર પણ હાથમાં લઈ તેને વારંવાર બતાવી રહ્યો હતો. જેને તે વારંવાર જોઈ રહ્યો હતો.
લંડનમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર મોટી સંખ્યામાં ભારતીયો હાથમાં ઝંડા લઈને દેખાવો કરી રહ્યા હતાં. તેઓ નિર્દોષોની હત્યા પર દુઃખ વ્યક્ત કરતાં પાકિસ્તાન વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી રહ્યા હતાં. પીડિતો માટે ન્યાયની માગ કરી રહ્યા હતા. પરંતુ પાકિસ્તાન દૂતાવાસના એક અધિકારી કર્નલ તૈમુર રાહતે શર્મસાર કરતી હરકત કરી હતી. જેનો વીડિયો વાઈરલ થતાં આકરી ટીકાઓ થઈ રહી છે.
આતંકવાદનો સમર્થક પાકિસ્તાનની વિશ્વભરમાં ટીકાઓ થઈ રહી છે. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ બ્રિટિશ મીડિયા સમક્ષ પાકિસ્તાન છેલ્લા 30 વર્ષથી આતંકવાદનું પાલન-પોષણ કરી રહ્યું હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ અનેક આકરા પગલાં લીધા છે. જેમાં સિંધુ જળ સંધિ પર રોક, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ, પાકિસ્તાની હાઈકમિશનની સંખ્યા ઘટાડવા સહિતના પગલાં લીધા છે. પાકિસ્તાન અને ભારતની સરહદો પણ બંધ કરવામાં આવી છે.

