(જી.એન.એસ) તા. 17
વડોદરા,
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હોળી પર્વની રાત્રે પુરપાટે ગાડી હંકારી આઠ વ્યક્તિઓને અડફેટમાં લેનાર રક્ષિત ચોરસિયાને એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માગ સાથે એનએસયુઆઈ દ્વારા આજે હેડ ઓફિસ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા.
આ બાબતે એનએસયુઆઈ દ્વારા MSU ના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. એનએસયુઆઈએ કહ્યું હતું કે, તા.13 માર્ચના રોજ રક્ષિત ચોરસિયાએ બેફામ કાર હંકારીને સર્જેલા અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. બીજા સાત લોકો ગંભીર રીતે ઘાયલ છે. આરોપી રક્ષિત એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. તેના કુકર્મના કારણે યુનિવર્સિટીનું નામ પણ ખરડાયું છે. કાયદાનો અભ્યાસ કરતો વિદ્યાર્થી જ કાયદાનું પાલન નથી કરી રહ્યો ત્યારે આ વિદ્યાર્થીને વહેલી તકે યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે.
બીજી તરફ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે કહ્યું હતું કે, આ મુદ્દે ડીન સાથે ચર્ચા કરવામાં આવી છે તેમજ કાયદાકીય અભિપ્રાય પણ માગવામાં આવ્યો છે. જેના આધારે નિર્ણય લેવામાં આવશે.
