Home દેશ 1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમ કુસ્તીબાજોના સપોર્ટમાં આવી

1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમ કુસ્તીબાજોના સપોર્ટમાં આવી

39
0

(GNS),03

સરકારના મંત્રી અને કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સામેના યૌન શૌષણના આરોપ મામલે ધરપકડની માંગ સાથે સાક્ષી મલિક, બજરંગ પૂનિયા સહિતના રેસલરો 40 દિવસથી વિરોધ કરી રહ્યાં છે. હવે આ મામલે ખાપ પંચાયતે ઝંપલાવ્યા બાદ રાજકીય રંગ પકડવાની સાથે અન્ય રમતગમત અને અન્ય સેલિબ્રિટીઓ પણ રેસલરોની સપોર્ટમાં આવીને સરકારને નિષ્પક્ષ થઈ ઝડપી પગલાં લેવા અનુરોધ કરી રહ્યાં છે. આ યાદીમાં હવે ભારતને ઈતિહાસમાં પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડકપ જીતાડનાર ટીમનો પણ સમાવેશ થયો છે. ખેડૂતો બાદ હવે 1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમે સંયુક્ત નિવેદન બહાર પાડીને બ્રિજ ભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને સમર્થન આપ્યું છે. તેમણે દિલ્હી પોલિસ દ્વારા ચેમ્પિયન રેસલિંગ ખેલાડીઓ સાથે ઝપાઝપીના વીડિયો અને તસવીરોને હેરાન અને વ્યથિત કરનારી ગણાવી છે. આ સાથે ક્રિકેટ ટીમે કુસ્તીબાજોને વર્ષોની મહેનતથી મેળવેલા મેડલો ફેંકી ન દેવા અપીલ કરી છે.

ટીમે કહ્યું હતું કે આ મેડલ માત્ર તેમની સાથે જ નહીં પરંતુ દેશના સન્માન અને ખુશી સાથે પણ જોડાયેલા છે. 1983 વર્લ્ડ કપ ક્રિકેટ વિજેતા ટીમે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં શુક્રવારે નિવેદન જાહેર કર્યું છે. ટીમના સભ્ય મદનલાલે કહ્યું, મેડલ ફેંકી દેવાનો તેમનો નિર્ણય હૃદયદ્રાવક છે. અમે મેડલને ફેંકી દેવાના કુસ્તીબાજોના નિર્ણયની તરફેણમાં નથી કારણ કે મેડલ મેળવવું સરળ નથી અને અમે સરકારને આ મુદ્દો વહેલી તકે ઉકેલવા અપીલ કરીએ છીએ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આપણાં ચેમ્પિયન કુસ્તીબાજો સાથે ગેરવર્તણૂકની અભદ્ર તસવીરો જોઈને અમે વ્યથિત અને પરેશાન છીએ. રેસલરોના મહેનતથી કમાયેલા મેડલ ગંગા નદીમાં ફેંકવાના વિચારથી ખૂબ જ ચિંતિત છીએ. તે મેડલોમાં વર્ષોની મહેનત, બલિદાન, નિશ્ચય અને ધીરજનો સમાવેશ થાય છે. આ મેડલો માત્ર તેમના પોતાના જ નહીં, પરંતુ દેશનું ગૌરવ અને આનંદ છે. અમે વિનંતી કરીએ છીએ કે તેઓ આ મામલે કોઈ ઉતાવળમાં નિર્ણય ન લે અને દિલથી ઈચ્છીએ છીએ કે તેમની ફરિયાદો સાંભળવામાં આવે અને ઝડપથી નિરાકરણ કરવામાં આવે. કાયદાનું નિષ્પક્ષપણે પાલન કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે સાક્ષી મલિક, બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ સહિત દેશના ટોચના કુસ્તી ખેલાડીઓ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહ્યા છે. ભાજપના સાંસદ મંત્રી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ કેસની નિષ્પક્ષ તપાસ અને ન્યાય માટે બ્રિજ ભૂષણના રાજીનામાની માંગણી સાથે ખેલાડીઓ 23 એપ્રિલથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મોદી સરકારમાં રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ ઠાકુરે આ પ્રકરણમાં કહ્યું હતું કે, સરકાર ખેલાડીઓને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે. કુસ્તી સંઘના વડા બ્રિજ ભૂષણ પર લાગેલા આરોપોની તપાસ માટે આંતરિક સમિતિની રચના કરવામાં આવી છે. કુસ્તીના ખેલાડીઓએ ચાર્જશીટ દાખલ થવાની રાહ જોવી જોઈએ.

Previous articleદીકરી સાથે સ્પૉટ થઈ આલિયા ભટ્ટ, જોવા મળી રાહાની ઝલક
Next articleસચિન તેંડુલકરએ મહારાષ્ટ્રમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં એક કિસ્સો યાદ કર્યો