Home દેશ ૫૬ ઇંચની છાતી સંકોચાઇ..?, બિહારમાં 22 સાંસદો ધરાવતી ભાજપ હવે 17...

૫૬ ઇંચની છાતી સંકોચાઇ..?, બિહારમાં 22 સાંસદો ધરાવતી ભાજપ હવે 17 બેઠકો પર જ લડશે….!

700
0

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.24
બિહારમાં એનડીએમાં બેઠકોની ફાળવણીનો ફોર્મ્યુલા નક્કી થઈ ગયો છે. ભાજપ અને જીડીયૂ 17-17 બેઠકો અને એલજેપી 6 બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે નીતીશ કુમાર અને રામવિલાસ પાસવાનની હાજરીમાં જ આ ફોર્મ્યુલાની જાહેરાત કરી હતી. માનવામાં આવે છે કે બેઠકોની આ ફાળવણીથી સૌથી વધારે ફાયદામાં હોય તો તે એલજેપી રહી છે.
એલજેપીને લોકસભાની 6 બેઠકો ઉપરાંત રાજ્યસભાની પણ એક બેઠક આપવામાં આવશે. જ્યારે 2014માં 22 બેઠકો પર જીત નોંધાવનારી ભાજપ આ વખતે 17 બેઠકો પર જ ચૂંટણી લડશે. જેને લઈને સવાલ ઉભા થાય છે કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની હાર થવાના કારણે સહયોગી દળોનો બાર્ગેનિંગ પાવર વધી ગયો છે?
ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પરિણામો બાદ ભાજપના સહયોગી બાર્ગેનિંગ કરીને પોતાને વધારે મજબુત હોવાનું અનુંભવી રહી છે. તેની સીધી અસર બિહાર એનડીએમાં બેઠકોની ફાળવણીમાં જોવા મળી છે. અહીં ભાજપ 20014માં 22 બેઠકો પરથી લડી હતી, પરંતુ આ વખતે 5 બેઠકો પરથી તેને હાથ ધોવા પડ્યાં છે. ભાજપ અને જેડીયુ વચ્ચે અડધી અડધી બેઠકો પર ચૂંટણી લડવાની ફોર્મ્યુલા ઘડાઈ છે.
અગાઉ ઉપેન્દ્ર કુશવાહ અને જીતનરામ માંઝી સાથ છોડી ગયા હોઈ ભાજપ બિહારમાં રામવિલાસ પાસવાન અને નીતીશ કુમારને લઈને જોખમ ઉઠાવવા તૈયાર નહોતી. 2019માં ફરી એકવાર સત્તામાં આવવા ભાજપે આ ત્યાગ કર્યો છે. ગત ચૂંટણીમાં ભાજપ એકલાહાથે અને પોતાના બળે 25 ટકા મતો મેળવવામાં સફળ રહી હતી. મોદી લહેરમાં તેને 30 ટકાથી ઓછા મત મળ્યાં હતાં. પાર્ટી એ વાત બારાબર જાણે છે કે, તેને સહયોગીઓની જરૂર છે. 2009માં જ્યારે કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું હતું ત્યારે પણ બિહારમાં ભાજપ નીતીશ સાથે મળીને 32 બેઠકો જીતવામાં સફળ રહી હતી.
તાજેતરમાં બેઠક વહેંચણી મુદ્દે એનડીએ સાથે છેડો ફાડનાર રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના વડા ઉપેન્દ્ર કુશવાહાએ એનડીએની બેઠક વહેંચણી પર જણાવ્યું હતું કે, તેનાથી ભાજપને૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતવામાં કોઇ મદદ મળશે નહીં. ભાજપ હંમેશા ૫૬ ઇંચની છાતીનો દાવો કરતો આવ્યો છે પરંતુ એમ લાગે છે કે, ભાજપે નમતું જોખીને જદયુ સાથે સરખી બેઠકની વહેંચણી કરી છે. ૫૬ ઇંચની છાતી ક્યાં ગઇ?
મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં એનડીએના સભ્યપક્ષ શિવસેનાએ બિહારમાં ભાજપને લપડાક મારતાં તમામ ૪૦ બેઠક પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. બિહાર શિવસેનાના પ્રમુખ કૌશલેન્દ્ર શર્માએ પાર્ટીનેતાઓ સાથે બેઠક બાદ આ જાહેરાત કરી હતી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં શિવસેના પાંચ બેઠક પરથી લડી હતી. ૨૦૧૫માં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાએ ૭૨ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.
પટનાના ભાજપસાંસદ શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ મને ટિકિટ આપશે કે નહીં એમ નહીં, પરંતુ હું ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીશ કે નહીં એવો સવાલ પૂછો. વિવિધ મુદ્દા પર મારાં મંતવ્યો ઘણાં લોકોને ગમતાં નથી, પરંતુ હું પાર્ટીને અરીસો બતાવવાનું કામ કરું છું, તેને પક્ષવિરોધી ગણી શકાય નહીં, દરમિયાન શત્રુઘ્ન સિંહાએ રાંચીની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાલુપ્રસાદ યાદવની મુલાકાત લેતાં તેઓ આગામી ચૂંટણી રાજદની ટિકિટ પર લડે તેવી અટકળોએ જોર પકડયું હતું.
અત્યાર સુધી સત્તાના મદમાં રાચતા ભાજપનાં તેવર પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોએ ઘટાડી નાખ્યાં છે. બિહારમાં સાથી પક્ષો સામે ભાજપે સ્વીકારેલી શરણાગતિ બતાવે છે કે ભાજપ બિહારમાં સાથી પક્ષોની માગ સામે ઝૂકી ગયો છે.

Previous articleએક્ઝીટ પોલ: જસદણ આપશે કોંગ્રેસને અવસર….!, ચેલા સામે ગુરૂ ટુંકા પડ્યા….!?
Next articleલો બોલો….બાબા રામદેવે કહ્યું, કહી ન શકાય આગામી વડાપ્રધાન કોણ હશે?