Home જનક પુરોહિત ‘હું કડક શબ્દોમાં નિંદા કરું છું’ આ વાક્યનો પર્યાય હોય તો કહોને...

‘હું કડક શબ્દોમાં નિંદા કરું છું’ આ વાક્યનો પર્યાય હોય તો કહોને !

557
0

ખાનપુર ભાજપ કાર્યાલય પાસે ચાની ચૂસકી લેતા કાર્યકરો અમરનાથ યાત્રા પર થયેલા આતંકવાદી હુમલા અંગે ચર્ચા કરી રહ્યા હતા . એક કાર્યકરે કહ્યું “ સાલું ખરૂં કહેવાય , આટલા જડબેસલાક બંદોબસ્ત છતાં આતંકવાદીઓ આવીને અંધાધુંધ ગોળીઓ વરસાવી જાય ! અને તેમાં પણ ગુજરાતની બુસ ને જ ટાર્ગેટ બનાવી. ”
એક રમતિયાળ કાર્યકરે ગંભીર મુખમુદ્રા કરી કહ્યું “ હું આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું . ” અન્ય કાર્યકરો સંદર્ભ સમજી ગયા , એટલે ખંધુ હશ્યા . એક કાર્યકરે દોઢ ડાહ્યા ને કહ્યું “ હું કડક શબ્દોમાં નિંદા કરું છું કે હું સખ્ત શબ્દો માં વખોડી કાઢું છું એવા આ ઘસાઈ ગયેલા વાક્યોનો કોઈ પર્યાય હોય તો અમારા નેતાઓને આપોને . ”
દોઢ ડાહ્યા એ કહ્યું “ આ વાક્યનો પર્યાય છે એક્શન . આવું બોલવું ના પડે તે માટે અગાવથી જરૂરી એક્શન લેવા જોઈએ અથવા ઘટનાની નિંદા કરવા કે વખોડવાને બદલે કડક અને સખ્ત કાર્યવાહીના સરકારે આદેશો આપવા જોઈએ . ભાજપ સરકાર પાસે દેશની પ્રજાની આવી અને માત્ર આજ અપેક્ષા છે . સરકાર તેમાં ઉણી ઉતરશે તો પ્રજા હવે ભાજપના ઉમેદવારો સામે જ એક્શન લેતા થઇ જશે . ”

આતંકવાદ સામે આંદોલનનો ભાજપને પણ એક મુદ્દો મળી ગયો.

સૌરાષ્ટ્રના ભાજપના એક નેતા સાથે ફોન પર ગપશપ ચાલતી હતી . વાત નીકળી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના પ્રવાસની . ભાજપી મિત્રને પૂછ્યું કે આમતો હવે અમિતભાઈ એ ગુજરાતમાં વધુ સમય આપવો જોઈએ પરંતુ ભાજપે બે વખત તેમના કાર્યક્રમો રદ થયાની જાહેરાતો કરવી પડી . ત્રણ દિવસનો કાર્યક્રમ રદ કરી એક દિવસ નો થયો , અને આતંકવાદી ઘટનાથી એક દિવસનો કાર્યક્રમ પણ રદ થયો .
મિત્ર એ કહ્યું “ આમ જોવો તો હવે કાર્યકરો રાષ્ટ્રીય નેતાઓના સ્વાગત , રેલીઓ અને સંખ્યા કરવાના એકના એક કામ થી કંટાળ્યા તા . ભાજપની ગળથૂથીમાં આંદોલન છે . અમને આંદોલનોના કાર્યક્રમ કરવામાં વધુ ફાવટ છે . આ આતંકવાદી ઘટના પછી ભાજપને પણ આતંકવાદ સામે આંદોલનનો મુદ્દો મળી ગયો . તમે જોયું હશે આ કાર્યક્રમો કાર્યકરોએ ઉત્સાહભેર કર્યા અને કાર્યક્રમ સફળ રહ્યા . ”
ભાજપી મિત્રને કહ્યું “ સાચી વાત છે , કોંગ્રેસને સરકાર ચલાવતા આવડે છે , પણ વિરોધ પક્ષ તરીકે નિષ્ફળ રહી છે . જયારે ભાજપને વિરોધ પક્ષની ભૂમિકા અદા કરવામાં સારી ફાવટ છે પણ પ્રજા એ તેમને સરકાર ચલાવવાનું કામ સોપી દીધું છે.”
મિત્ર ઉછળ્યા “ એવું ના કહો , અમે પણ બાપુની જેમ ટનાટન સરકાર ચલાવીએ છીએ . સરકાર ચલાવતા આવડ્યું એટલે તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે . ”
દોઢ ડાહ્યા એ કહ્યું “ ગુજરાતમાં તમામ વર્ગ આંદોલન કરવા રોડ ઉપર ઉતરી ગયો હોય તેને જો તમે સફળતા ગણાતા હો તો મારે વિશેષ કશું નથી કેહવું .”
મિત્ર એ બચાવ કરતાં કહ્યું “ જુઓ , હવે આ ચુંટણીનું વર્ષ છે , ચુંટણી આવે એટલે તમામ સંગઠનો આંદોલનો કરીને સરકાર પાસેથી લેવાય એટલા લાભ લેતા હોય છે . તેમાં કઈ નવું નથી .”
દોઢ ડાહ્યા એ કહ્યું “ તમારે તંગડી ઉચી જ રાખવી હોય તો રાખો પણ ભાજપ વિરોધી મતો વધી રહ્યા છે એ તમારા રાષ્ટ્રીય નેતા પણ જાણે છે . દંભ છોડી જમીન પર આવો , નહિ તો પગતળે થી જાજમ સરકી જશે .”
મિત્ર એ કહ્યું “ તમારી વાત સાચી પણ અમારે છાતી ફુલાવીને જ કાર્યકરો તથા પ્રજા વચ્ચે જવું પડે . ભલે ત્યારે .” અને મિત્ર એ ફોન કટ કર્યો .

સરકારમાં રાષ્ટ્રપતિ શાસન અને પક્ષમાં રાષ્ટ્રીય પ્રમુખ શાસન લાદી શકાય

કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રવક્તા મનીષ દોશી સાથે પત્રકારોની ગપસપ ચાલતી હતી . વાત નીકળી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના ગુજરાત પ્રવાસની . મનીષ દોશીએ કહ્યું “ અમિત શાહે ગુજરાતમાં રબ્બરસ્ટેમ્પ પ્રમુખ મુક્યા છે . સહી કર્યા પછી નીચે રબ્બરસ્ટેમ્પ મારવાનો હોય છે . એટલે અમિત ભાઈ એ સહી કરવાતો આવવું જ પડે .”
એક પત્રકાર મિત્રે કહ્યું “ તમે રબ્બરસ્ટેમ્પ જેવો હલકો શબ્દ પ્રયોગ કરીને પદની ગરિમા નું અપમાન કરો છો . તમારે એમ કેહવું જોઈએ કે ગુજરાતમાં ભાજપનું રાષ્ટ્રીય પ્રમુખ શાસન લદાયેલું છે .”
આ શબ્દ પ્રયોગની વ્યાપક છણાવટ થઇ . સરકાર માં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે ત્યારે રાજ્યપાલને તમામ સત્તા મળે છે પરંતુ નીતિવિષયક બાબતો પર રાષ્ટ્રપતિ આદેશ આપી શકતાં હોય છે . સહી કરવાની સત્તા રાજ્યપાલને હોય છે. આવું જ પક્ષમાં ચાલતું હોય છે . અત્યારે ભાજપમાં રાષ્ટ્રીય પ્રમુખ શાસન છે , પ્રદેશ પ્રમુખને સહી કરવાની સત્તા પણ ખરી , પરંતુ રાષ્ટ્રીય પ્રમુખના આદેશો મુજબ તેમણે તમામ આદેશો જાહેર કરવાના હોય છે .
દોઢ ડાહ્યા એ કહ્યું “ ભાઈ મનીષ , તું આટલો ઉત્સાહમાં ના આવી જા . ગુજરાત કોંગ્રેસમાં તો રાષ્ટ્રીય પ્રમુખ શાસન વર્ષોથી ચાલે છે . કોંગ્રેસના પ્રદેશ પ્રમુખો ક્યારેય કોઈ પણ નિર્ણય જાતે લઇ શક્તાજ નથી . દરેક નિર્ણય દિલ્લીથી જ લેવા માં આવે છે. એટલે તો છેલ્લા દોઢ વર્ષથી સંગઠન માં નિમણુંકો થતી નથી . રાષ્ટ્રપતિ શાસન વખતે જે પ્રકારે રાજ્યમાં રાષ્ટ્રપતિ દ્વારા એક સલાહકાર નીમવામાં આવે છે તેમ અત્યારે ગુજરાત કોંગ્રેસમાં અશોક ગેહલોત ની નિમણુકથઇ છે .” મનીષ દોશીએ અદબ વળી એક આંગળી મો પર મૂકી ‘ નો કમેન્ટ ’ યાને કે બોલતી બંધનો ઈશારો કરી દીધો .

ભાજપના નેતાઓએ ગુરુ પૂર્ણિમા ના દિને સ્વ. ચીમન ભાઈ પટેલની પ્રતિમાનું પૂજન કરવું જોઈએ

સચિવાલય ખાતે એક રાજ્યકક્ષાના મંત્રીની ચેમ્બરમાં મંત્રી સાથે ગપસપ કરી રહ્યા હતા . ગુરુ પૂર્ણિમા ના દિને એક મંત્રી દ્વારા એક બદનામ મહંતનું પૂજન કરવાની ઘટના અંગે ચર્ચા ચાલતી હતી . મંત્રી શ્રી સંઘના સ્વયં સેવક હોવાના નાતે કહ્યું “ અમે તો ભગવા ધ્વજને ગુરુ સ્થાને બિરાજમાન કર્યા છે . માત્ર પ્રેરણા આપે પરંતુ કશા વિવાદમાં ના આવે .”
દોઢ ડાહ્યા એ કહ્યું “ એ તમે ભૂતકાળ ની વાત કરો છો અત્યારે ભાજપના ગુરુ તો સ્વ. ચીમનભાઈ પટેલ છે . ભાજપનું શાસન અને રાજકારણ પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના માર્ગે ચાલે છે .”
અન્ય મિત્રોએ પૂછ્યું “ કેવી રીતે ? ” તો જવાબ અપાયો “ ચીમનભાઈ પટેલે રાજકારણમાં એક નવી થીયરી આપી હતી કે સત્તા રૂપિયાથી ખરીદી શકાય છે . ૧૯૭૩ માં કોંગ્રેસ હાઈકમાન્ડે ઉપરથી બેસાડેલા મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા ને ઉભા કરી મુખ્યમંત્રીની ખુરશી પર બેસવા માટે ચીમનભાઈ એ સત્તા ખરીદી લીધી હતી . પંચવટી ફાર્મ ત્યારે સમાચારોમાં ગાજતું હતું . રૂપિયાથી ધારાસભ્યો ખરીદવાનો ટ્રેન્ડ ચીમનભાઈ એ શરુ કર્યો હતો . ત્યારબાદ ભાજપમાં શંકરસિંહ વાઘેલાએ એજ થીયરી ઉપર વાસણિયા કેમ્પ કર્યો , અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને ત્યારબાદ સુરેશચંદ્ર મહેતા ને સી.એમ ની ખુરશી પરથી ઉભા કરી દીધાં હતા . આ નીતિને નરેન્દ્રભાઈ મોદીએ તો પક્ષની નીતી જ બનાવી દીધી છે . પંચાયતો કે નગરપાલિકાઓ માં ચૂટણીમાં જીતે કોંગ્રેસ અને વહીવટ ભાજપ કરે . સભ્યોને ખરીદી લઈને સત્તા મેળવી લેવાનું ભાજપ ને હવે ફાવી ગયું છે . ૨૦૧૩ માં કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યોએ પદ અને પક્ષ માંથી રાજીનામાં આપી ભાજપમાં જોડાયા હતા . ભાજપ માટે લોકસભા બેઠકો જીતવાનું જ્યાં અઘરું હતું ત્યાં તેમણે મહત્વના ધારાસભ્યો ખરીદી લીધા હતા . ભાજપને આ સત્તા ખરીદવાનું ગુરુ જ્ઞાન સ્વ. ચીમનભાઈ પટેલનું છે. ભાજપના નેતાઓ ભગવા ધ્વજ ને બદનામ ના કરે અને સત્ય સ્વીકારી ગુરુ પૂર્ણિમા ના દિને સ્વ. ચીમનભાઈ પટેલની પ્રતિમા નું પૂજન કરવાનું શરુ કરે .”
મંત્રીને લાગ્યું કે પત્રકારોની ચર્ચા તેમના માટે આફત બની શકે છે માટે કહ્યું “ મારે હવે એક મિટિંગ છે . ઓકે ત્યારે ” કહી પત્રકારોને વિદાય કર્યા .

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅત્યારે મેઘ મહેર થી ખેડૂતો ખુશ છે , સરકાર થી ખુશ થાય ત્યારે ખરૂં !
Next articleલેણ દેણની વાત છે ભાઈ , વેંકૈયા નાયડુનો હિસાબ ચૂકતે