(GNS),14
મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ અને જીતુ જોસેફે ૨૦૧૩ના વર્ષમાં ક્રાઈમ થ્રિલર દૃશ્યમ બનાવી હતી. બાદમાં અજય દેવગણે તેની હિન્દીમાં, કમલ હાસને તમિલમાં અને વેંકટેશે તેલુગુમાં રીમેક કરી હતી. દૃશ્યની સીક્વલની હિન્દી રીમેકમાં પણ અજય દેવગણ અને તબુ હતાં. હવે ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવાની તૈયારી થઈ રહી છે. આ વખતે હિન્દી અને મલયાલમ ફિલ્મોનું એક સાથે શૂટિંગ શરૂ થાય અને ફિલ્મો પણ એક જ દિવસે રિલીઝ થાય તેવું આયોજન કરાયું છે. ડાયરેક્ટર અભિષેક ફાટકે રાઈટર્સની ટીમ સાથે દૃશ્યમ ૩નો પ્લોટ ફાઈનલ કરી દીધો છે. જીતુ જોસેફ અને તેમની ટીમને સ્ટોરી ગમી ગઈ છે અને હવે તેઓ તેના આધારે સ્ક્રિનપ્લે બનાવી રહ્યા છે.
દૃશ્યમની હિન્દી અને મલયાલમ ટીમ પણ લાંબા ગાળા સુધી સાથે શૂટિંગ કરવા આયોજન કરી રહી છે. બંને ફિલ્મોનું શૂટિંગ સમાંતર ચાલે અને રિલીઝ ડેટ પણ એક જ હોય તે રીતે બંને ફિલ્મની ટીમો કામ કરશે. મલયાલમ ફિલ્મમાં જ્યોર્જ કુટ્ટીનો રોલ મોહનલાલ કરશે, જ્યારે વિજય સલગાંવકર તરીકે ફરી અજય દેવગણ જોવા મળશે. સ્ક્રિનપ્લે ફાઈનલ થઈ ગયા બાદ તેલુગુ દૃશ્યમના પ્રોડ્યુસર્સ પણ હિન્દી અને મલયાલમ ટીમ સાથે જોડાશે અને તેલુગુ ફિલ્મ પણ તે જ દિવસે રિલીઝ થશે. સસ્પેન્સ અને થ્રિલર ધરાવતી આ રોમાંચક ફિલ્મની રીમેકના બદલે ત્રણેય ભાષામાં એક સાથે જ ફિલ્મ તૈયાર થાય અને રિલીઝ પણ થાય તેવો પ્રયાસ થઈ રહ્યો છે. ત્રીજી ફિલ્મ સાથે દૃશ્યમની ફ્રેન્ચાઈઝીનું સમાપન થશે.
૨૦૨૪માં આ ફિલ્મ ફ્લોર પર જવાની શક્યતા છે. ઈન્ડિયન સિનેમામાં હાલ ડબ્ડ ફિલ્મોનો અને રીમેકનો દોર ચાલી રહ્યો છે. કેજીએફ અને બાહુબલિ જેવી સાઉથની ફિલ્મો તથા પઠાણ જેવી બોલિવૂડની ફિલ્મો એક સાથે ચાર-પાંચ ભાષામાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મોને માત્ર ડબિંગ કરીને જે-તે રાજ્યમાં રિલીઝ કરવામાં આવશે. અલગ-અલગ સ્ટારકાસ્ટ સાથે ઓરિજિનલ ફિલ્મનું શૂટિંગ કરીને તેને એક સાથે રિલીઝ કરવાનો અખતરો દૃશ્યમમાં પહેલી વાર જોવા મળશે. પાન ઈન્ડિયા ફિલ્મને આવી રીતે અલગ-અલગ પ્રાંતમાં સ્થાનિક સ્ટાર્સ સાથે બનાવવાની પહેલ દૃશ્યમમાં થઈ રહી છે. હાલના સંજોગોને જોતાં આ અખતરો ઘણો ખર્ચાળ છે અને તેમાં અલગ-અલગ ટીમો સંકલન સાધીને કામ કરશે. આ અખતરો સફળ રહે તો પાન ઈન્ડિયા ફિલ્મોની જેમ જ એક સરખી સ્ટોરી-સ્ક્રિનપ્લે સાથેની ફિલ્મને અલગ-અલગ સ્ટાર સાથે બનાવાનો ટ્રેન્ડ શરૂ થઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.