Home જનક પુરોહિત હાશ.. શંકરસિંહ બાપુને હવે નેતાઓ સાથે બેસવા NCP ની ખુરશી મળી

હાશ.. શંકરસિંહ બાપુને હવે નેતાઓ સાથે બેસવા NCP ની ખુરશી મળી

562
0

NCC કમાન્ડર માંથી ભારતીય જનસંઘના પ્લેટફોર્મ દ્વારા રાજકીય પ્રવાસ શરુ કરીને હવે શંકરસિંહજી બાપુ NCP ના પ્લેટફોર્મ પર આવી ગયા છે. ગજબનો વિલપાવર ધરાવતા શ્રી શંકરસિંહજી લક્ષમણસિંહજી વાઘેલા આગવું વ્યક્તિત્વ ધરાવે છે. એક વખત બાપુ સાથે ચા – નાસ્તો કર્યા પછી નેતા, કાર્યકર, અભિનેતા કે ઉદ્યોગપતિ વારંવાર બાપુને મળવાની ઈચ્છા ધરાવવા લાગે છે. કુશળ સંગઠન હોવાથી ભારતીય જનસંઘના પ્રદેશ સંગઠન મંત્રી પદે રહીને પક્ષને બેઠો કર્યો હતો. બુલેટ ટુ વ્હીલર પર સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી ગામે ગામના પાણી બાપુએ પીધા છે. અને તેના કારણે જ બાપુ પ્રજાની નાડ બરાબર પારખી શકે છે. પ્રજાના પ્રશ્નોથી બાપુ વાકેફ છે. ૭૨ કલ્લાકના ઉપવાસ ( સાવ સાચા ) અનેકવાર કર્યા છે. ગાંધી આશ્રમથી કરમસદ પદયાત્રા પણ આસાનીથી કરી છે. પરંતુ ૧૯૭૬ થી ૧૯૭૭ કટોકટી કાળ દરમિયાન બાપુને રૂપિયાનું અને સત્તાનું મહત્વ સમજાયું. અનેક કાર્યકરો જેલમાં હતા, તેમના પરિવારો આર્થીક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. અને ત્યારે પક્ષની કે બાપુની પોતાની આર્થિક સ્થિતિ સારી ન હતી. જેનો રંજ બાપુને રહ્યો હતો. સત્તા સુધી પહોચવા ચુંટણી રણનીતિમાં ફેરબદલ જરૂરી હતો. સંઘની વિચારધારા સાથે ભાજપ કડી પણ સત્તા સુધી પહોચી ન શકે. આવું પ્રથમવાર શંકરસિંહજીએ પક્ષની બેઠકમાં કહ્યું ત્યારે સન્નાટો વ્યાપી ગયો હતો. છતાં બાપુ પોતાની વાતને વળગી રહ્યા. પ્રથમ ગમે તે રીતે જીતે એવા ઉમેદવારો પસંદ કરી સત્તા સુધી પહોચો, સત્તા મળ્યા બાદ પક્ષની વિચારધારા મુજબ સરકાર ચલાવો. આ બાપુની થીયરી ને આખરે સંઘ – ભાજપના નેતાઓએ સ્વીકારવી પડી હતી. અને તે સ્વીકાર્યા પછી જ ૧૯૯૦ માં ૬૫ બેઠકો અને ૧૯૯૫ માં ભાજપને વિધાનસભામાં ૧૧૭ બેઠકો મળી હતી. પરંતુ બાપુને સત્તાથી અળગા રાખવાનું રાજકારણ શરુ થયું. તે સમયના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સંગઠન મહામંત્રી નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી પદ છીનવી લેશે એવા ડર સાથે બાપુને ગુજરાતના સત્તાના રાજકારણથી દુર રાખવા અનેક પ્રયત્નો કર્યા. વર્ષોની મહેનત પછી સત્તા સુધી પક્ષને પહોચાડ્યો હોવાથી બાપુ આ સહન કરી શક્યા નહિ, અને ગુજરાત જાણે છે તેમ પ્રથમ ખજુરાહ અને ત્યારબાદ વિધાનસભા માં પોતાના જ પક્ષને મહાત કરી અલગ પક્ષ રચીને બાપુ કોંગ્રેસના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. રાજપા સરકાર એક વર્ષ ચાલી. કોંગ્રેસમાં નેતાઓ બદલાતા સમીકરણો બદલાયા અને બાપુને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું. બાપુએ વિધાનસભાનું જ વિસર્જન કર્યું અને ફરી ચૂટણીમાં બાપુના પક્ષ રાજપાનો કારમો પરાજય થયો. ફરી રાજકીય નિર્ણય લેવાનો સમય આવ્યો. બાપુના નીકટના ગણાતા વિપુલ ચૌધરી કોંગ્રેસ સાથે દિલ્હી લાયઝન કરતા હતાં. તેમણે રાજપા પક્ષને કોંગ્રેસમાં સામેલ કરી દેવાના વિચારને આગળ કર્યો. કેટલાક પ્રદેશના નેતાઓ કોંગ્રેસમાં જઈ રહ્યા હતા. જેથી બાપુએ પણ સંમતી આપી અને કોંગ્રેસ પ્રવેશ કર્યો. કોંગ્રેસે બાપુને ઘણું આપ્યું. કેન્દ્રીય મંત્રીમંડળ માં છઠ્ઠા ક્રમના કેબીનેટ મંત્રી બનાવ્યા. પ્રદેશ પ્રમુખ બનાવ્યા, વિધાનસભાના પક્ષના નેતા બનાવ્યા. અને છતાં ૨૦૧૭નિ ચુંટણી પહેલાં બાપુએ રજૂ કરેલી દરખાસ્ત કે તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે તે વાત કોંગ્રેસ હાઈકમાન્ડે સ્વીકારી નહિ. અને બાપુએ કોંગ્રેસ પક્ષને છોડ્યો. કોઈ પક્ષમાં નહિ જોડાઉં અને રાજકારણમાં રહીશ એવી જાહેરાત કર્યા બાદ રાજ્યસભાની ચુંટણીમાં ભાજપ તરફી અને કોંગ્રેસને એહમદ પટેલ વિરુદ્ધ મતદાન કર્યું. ૨૦૧૭ ની ચૂટણીમાં પ્રથમ ભાજપના છુઅપા આશીર્વાદથી જન વિકલ્પ નામના પક્ષ દ્વારા ઉમેદવારો ઉભા રાખ્યા, પરંતુ તમામે ડીપોઝીટ ગુમાવી હતી. ત્યારથી નિવૃત્તિ જેવી સ્થિતિ માં બાપુ હતા. NCP માં જોડાવા માટે બાપુએ ૨૦૧૨ થી મન બનાવી લીધું હતું. પરંતુ સમય અને શરતો યોગ્ય રીતે ગોઠવાયા ન હતા. આખરે ૨૦૧૯ ની ચુંટણીમાં બિન ભાજપી પક્ષોના ગઠબંધનની હિલચાલમાં બાપુ જોડાયા, અનેક નેતાઓને અવારનવાર મળ્યા. આખરે શરદ પવાર સાથે આખરી ચર્ચા અને નિર્ણય બાદ ગઈકાલે તા. ૨૯ જાન્યુઆરીએ બાપુ એ NCP પક્ષનું સભ્ય પદ સ્વીકાર્યું. તેમને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. આ પદ પછી બાપુ ને લાભ શું ? આવો પ્રશ્ન અનેક મિત્રો કરે છે. મારો જવાબ એ છે કે હવે બાપુને દેશના રાષ્ટ્રીય નેતાઓની પંગતમાં બેસવા માટે NCP ની ખુરશી મળશે. રાષ્ટ્રીય રાજકારણમાં બાપુ સક્રિય યોગદાન આપતાં જોવા મળશે.
૨૦૧૯ની ચુંટણીમાં હવે NCP પોતાની છબી સુધારી શકશે ?
ગુજરાતમાં NCP પક્ષનું કોઈ મોટું યોગદાન કે સંગઠન નથી. વર્ષોથી ગુજરાતના રાજકારણમાં જયારે ચુંટણી આવે ત્યારે NCP બજારમાં આવી જાય છે, અને NCP જીતે એમ ન હવા છતાં ઉમેદવારો ઉભા રાખી ભાજપને ફાયદો કરાવી આવે છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપને NCPના મુસ્લિમ ઉમેદવારોના કારણે ફાયદો થતો હોય છે. વિધાનસભામાં ગઠબંધનના કારણે જ જયંત બોસ્કી ધારાસભ્ય બની શક્યા હતા. ગત ચુંટણીમાં પ્રફુલ પટેલે મુખ્યમંત્રી બનવાના સપના જોયા. તમામ બેઠકો લડવાની જાહેરાત કરી અને NCP ની માત્ર કાંધલ જાડેજાની કુતિયાણા બેઠક એક માત્ર જીત્યા હતા. તે પણ કાંધલ જાડેજાના કારણે.
૨૦૧૭ ની ચુંટણી સમયે જયારે પત્રકાર પરિષદમાં પ્રફુલ પટેલને પૂછવામાં આવ્યું હતું કે તમે તમામ બેઠકો લડવાની જાહેરાત કરી છે, તો તેનાથી ભાજપને ફાયદો નહિ થાય ? તો પ્રફુલ પટેલ ઉછળી ઉઠ્યા હતા.તેમણે કહ્યું હતું કે શું અમારે કોંગ્રેસની ‘ બી ’ ટીમ તરીકે જ રહેવાનું ! અમારી પાર્ટીની ગ્રોથની ચિંતા નહિ કરવાની ! કોને ફાયદો અને કોને નુકસાન થશે એ અમારે વિચારવાનું નથી, અમારે તો NCP નાં ફાયદાની જ ચિંતા કરવાની હોય.
ફરી ગઈકાલે પૂછવામાં આવ્યું કે ૨૦૧૯ ની ચુંટણીમાં તમે કોને ફાયદો થાય છે તેની ચિંતા કરશો કે તમારા પક્ષના ગ્રોથની ? તો જવાબ હતો, ભૂતકાળ ભૂલી જાવ. કોંગ્રેસ સાથે ગઠબંધન ન થાય તો બધી બેઠકો લડશો ?, આ સવાલનો જવાબ શરદ પવારે અટકાવી કહ્યું કે આ અંગે હજુ કશું વિચાર્યું નથી. જોઈએ હવે બાપુ આવ્યા છે. કોંગ્રેસ અને બાપુ સાથે બેસી શકે છે કે કેમ તે જોવાનું રહ્યું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચૂંટણી પહેલા મોદી-ભાજપના હિન્દુ-રાષ્ટ્રવાદના કારણે સાંપ્રદાયિક હિંસા ભડકવાની શક્યતાઃ US
Next articleલોલમલોલ અને પોલંપોલ : શું માહિતી ખાતુ ડાયરેક્ટર-ડે.ડાયરેક્ટરોની પ્રા. લિ. કંપની બન્યુ…?