(જી.એન.એસ),તા.૨૫
હમાસે ઈઝરાયેલના 13 અને થાઈલેન્ડના 12 બંધકોને મુક્ત કર્યા છે. આ લોકોને રેડ ક્રોસને સોંપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ તમામ બંધકોને ગાઝાની બહાર મોકલવામાં આવી રહ્યા છે, અહીંથી તેઓ ઇજિપ્ત જશે અને ત્યાંથી તેમને ઇઝરાયલને સોંપવામાં આવશે. જો કે રફા સરહદ સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે તે હજુ સ્પષ્ટ નથી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની ડીલમાં નક્કી કરવામાં આવ્યું હતું કે બંધકોને મુક્ત કરવામાં આવશે. આ માટે ચાર દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી..
આ ડીલમાં નક્કી કરવામાં આવ્યું હતું કે હમાસ 50 ઈઝરાયેલી બંધકોને મુક્ત કરશે તો સામે ઈઝરાયલે 150 પેલેસ્ટિનિયન કેદીઓને છોડવા પડશે. આ ડીલ હેઠળ શુક્રવારે હમાસે 13 ઈઝરાયેલ બંધકોને મુક્ત કર્યા હતા. હવે ઇઝરાયલે તેના દરેક બંધકોના બદલામાં 3 પેલેસ્ટિનિયન કેદીઓને છોડવા પડશે. આ સિવાય હમાસે થાઈલેન્ડના 12 બંધકોને પણ મુક્ત કર્યા છે. ખુદ થાઈલેન્ડના વડાપ્રધાને આ વાતની પુષ્ટિ કરી છે. તેમને લેવા માટે થાઈલેન્ડ એમ્બેસીના અધિકારીઓની ટીમ પણ આવી રહી છે..
ઉલ્લેખનીય છે કે, હમાસ દ્વારા બંધક બનાવાયેલા થાઈ બંધકોની મુક્તિ યુદ્ધવિરામનો ભાગ નથી. હમાસ દ્વારા મુક્ત કરાયેલા 13 ઇઝરાયેલી બંધકોને રેડ ક્રોસ ઇજિપ્ત લઈ જઈ રહ્યું છે. ત્યાંથી આ તમામ બંધકોને હેલિકોપ્ટર દ્વારા ઈઝરાયેલ લઈ જવામાં આવશે. બીજી તરફ બંધકોને છોડાવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકો ઈજિપ્ત અને ગાઝાની રફા સરહદે પહોંચી ગયા છે. તેમાંથી ઘણા બંધકોના પરિવારના સભ્યો પણ છે જેઓ તેમના પ્રિયજનોને મળવા માટે લાંબા સમયથી સરહદ પર રાહ જોઈ રહ્યા છે..
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ હમાસમાંથી બંધકોને મુક્ત કરવાથી લઈને ઇઝરાયેલમાં તેમના આગમન સુધીની પ્રક્રિયા પર નજીકથી દેખરેખ રાખી રહ્યા છે. ઇઝરાયેલના પીએમઓ અનુસાર, બંને નેતા IDF સૈન્ય મુખ્યાલયના કમાન્ડ સેન્ટરમાં રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન હમાસની કેદમાંથી મુક્ત કરાયેલા ઇઝરાયલીઓને ઇઝરાયલ પરત લાવવાના ઓપરેશનના સંચાલન વિશે માહિતી મેળવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.