Home ગુજરાત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આગામી બે મહિના સુધી જનભાગીદારીથી ‘સ્વચ્છતા...

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આગામી બે મહિના સુધી જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાશે

30
0

રાજ્યની સેવાભાવી સંસ્થાઓ, મંડળો, વિવિધ એસોશિએશનો આ ઝુંબેશમાં સહભાગી થઇને ગુજરાતને વધુ સ્વચ્છ-સુંદર બનાવવા પોતાનું યોગદાન આપે
આગામી બે માસ સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવીએ: પોરબંદર, છોટાઉદેપુર, હિંમતનગર, સુરત, ગીરસોમનાથ સહિત વિવિધ જિલ્લાના શહેરો-તીર્થધામોમાં સ્વચ્છતા મેગા ડ્રાઇવનો પ્રારંભ

(જી.એન.એસ),તા.૧૧
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્વચ્છતા પ્રેમી નાગરિકો સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કરેલા આહૃવાનને સફળ બનાવવા ગુજરાતને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આગામી બે મહિના સુધી જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવામાં આવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, “દરેક વ્યક્તિએ પોતાનો સફાઈ કામદાર થવું જોઈએ અને પોતાનો કચરો પોતે જ ઉઠાવવો જોઈએ”. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય દ્વારા પણ આ અભિયાનને વધુમાં વધુ વ્યાપક બનાવવા જનભાગીદારી થકી વિવિધ સફાઈ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ‘નિર્મળ ગુજરાત’ના આપેલા વિચારને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને વધુ સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમ સાથે રાજ્યની સેવાભાવી સંસ્થાઓ, મંડળો, વિવિધ એસોશિએશનો સ્વેચ્છાએ સહભાગી થઇને ગુજરાતને વધુ સ્વચ્છ બનાવવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યાં છે. આગામી બે માસ સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવવા ગીર સોમનાથ, પોરબંદર, છોટાઉદેપુર, હિંમતનગર, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રગનર, અમરેલી, જામનગર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકા સહિત વિવિધ શહેરોના જાહેર સ્થળો, તીર્થધામો,ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શાળા-કોલેજમાં સ્વચ્છતાની થીમ પર મેગા ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો તેમજ વિવિધ સ્થળો, કચેરીઓની સફાઈ કામગીરીનું આયોજન કરાયું છે. જેથી વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી પ્રચાર કામગીરી ઉપરાંત સોમનાથ યાત્રાધામ આઈકોનિક પ્લેસ હોવાથી શ્રી સોમનાથ ટ્રસ્ટના સંપર્કમાં રહીને તેમના દ્વારા થતી સફાઈલક્ષી પ્રવૃત્તિઓની કવરેજ કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તેવું આયોજન હાથ ધરાયું છે.
સ્વચ્છતાની આ મેગા ડ્રાઇવ અંતર્ગત પોરબંદરના માધવપુર ખાતે જિલ્લા પંચાયત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સ્થાનિકોના સહયોગથી આવતીકાલે તા.૧૧ ઓક્ટોબરના રોજ સવારે ૦૯ કલાકે સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લાના પ્રવાસન, તીર્થ સ્થળો તેમજ જાહેર સ્થળોએ જનભાગીદારી સાથે સફાઈ અભિયાન હાથ ધરાશે. આ અભિયાનનો માધવપુરમાં કાછબા ઉછેર કેન્દ્ર ખાતેથી પ્રારંભ થશે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ જોડાશે. સ્વચ્છતા મેગા ડ્રાઇવના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમ સાથે નગરપાલિકા વિસ્તારોમાં શહેરના પ્રવેશ માર્ગોથી બે કિલોમીટર તથા ગ્રામ પંચાયત વિસ્તારોમાં મુખ્ય માર્ગો સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારો, મુખ્ય રોડ, બાયપાસ, રીંગ રોડ કે હાઈ-વે આજુબાજુ સફાઈ ઝૂંબેશ તથા સરકારી કચેરીઓ, વસાહતો, વોટરબોડીઝ સહિતના જાહેર સ્થળોએ પણ સ્વચ્છતા માટે અભિયાન હાથ ધરવામાં આવશે. “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત હિંમતનગર શહેરના તમામ નવ વોર્ડમાં નામાંકિત કોન્ટ્રાક્ટરના સહિયોગ થકી “મહા સફાઈ અભિયાન” હાથ ધર્યુ છે. આ અભિયાન અંતર્ગત ૧૧ ઑક્ટોમ્બર સુધી શહેરના તમામ નવ વોર્ડમાં સવારે ૮ થી ૧૨ અને બપોરે બે થી છ કલાક દરમિયાન સફાઇની કામગીરી કરવામાં આવશે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત હિંમતનગર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી શરૂ કરાયેલા “મહા સફાઇ અભિયાન”ને ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલા અને જિલ્લા કલેક્ટર નૈમેષ દવેએ ધાણધા ફાટક ખાતેથી લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.
આગામી બે માસ એટલે કે ૮ સપ્તાહ સુધી ચાલનારા ”સ્વચ્છતા હી સેવા” અંતર્ગત રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાનને વેગ આપવા સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોની સફાઈ કામગીરીને વધુ સુદ્રઢ બનાવાશે. જેમાં રસ્તાઓ, મહોલ્લાઓની સફાઈ, રોડ પેચવર્કની કામગીરી, ડ્રેનેજ સફાઈ, ફૂટપાથ રિપેર, કર્બ સ્ટોન કલર કામગીરી, બિનજરૂરી ઘાસ તથા છોડના નિકાલની કામગીરી તથા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વોર્ડમાં સર્વેની કામગીરીને આવરી લેવાશે. સુરત જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોમાં બિહેવીયર ચેન્જના અભિગમ સાથે ગ્રામજનોના સહયોગથી ગ્રામ્ય વિસ્તારોના ચોક, શેરીઓ, મંદિરો, શાળાઓને સ્વચ્છ અને સુઘડ બનાવવાની કામગીરી હાથ ધરાશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓનો સહયોગ લેવામાં આવશે. ઉપરાંત, સુરતની તમામ નગરપાલિકાઓ પણ સ્વચ્છતા અભિયાનને તેજ ગતિથી આગળ વધારવા સ્થાનિક સ્તરના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. આ અભિયાનને આગામી બે માસ દરમિયાન જનભાગીદારી થકી વધુ વ્યાપક બનાવવા ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ, જન-પ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને નાગરિકોના શ્રમદાનથી ગુજરાતને ‘સ્વચ્છતા હી સેવા’માં અગ્રેસર રાખવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીએ દર્શાવી છે. રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારોમાં મહાનગરના પ્રવેશ માર્ગોથી પાંચ કિલોમીટરની હદના વિસ્તારોમાં, નગરપાલિકા વિસ્તારોમાં પ્રવેશ માર્ગોથી બે કિલોમીટર તથા ગ્રામ પંચાયત વિસ્તારોમાં મુખ્ય માર્ગો સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં જનસહયોગથી દર રવિવારે સફાઈ ઝૂંબેશ હાથ ધરાશે. આગામી બે માસમાં જનભાગીદારીથી ગુજરાતને વધુને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી સૌ સાથે મળીને ‘સ્વચ્છતા હી સેવા’ મંત્રને સાર્થક કરીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતનો સ્ટાર ઓપનર શુભમન ગિલ પાકિસ્તાન સામેની મેચ પણ ગુમાવશે
Next articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ સંદર્ભે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક