Home મધ્ય ગુજરાત અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દુબઈના બુકી દીપક ઠક્કરની ધરપકડ કરી

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દુબઈના બુકી દીપક ઠક્કરની ધરપકડ કરી

12
0

દીપક ઠક્કર સાડા પાંચ મહિનાથી દુબઈની જેલમાં કેદ હતો,મોડી રાત્રે ગુજરાત લવાયો

(જી.એન.એસ) અમદાવાદ,તા.૦૧

માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દુબઈના બુકી દીપક ઠક્કરની ધરપકડ કરી છે. આ મામલે ડીજીપી વિકાસ સહાયએ જણાવ્યું કે, રેડ કોર્નર નોટિસને આધારે એસએમસીના વડા નિર્લિપ્ત રાયે જાતે દુબઈ જઈ અને બુકીની ધરપકડ કરી છે. અલગ-અલગ એજન્સી સાથે સંકલન સાધ્યા બાદ દીપક ઠક્કરને મોડી રાત્રે ગુજરાત લવાયો છે. આરોપીને ભારત પરત લાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સાથે ડીવાયએસપી કે. ટી. કામરિયા અને પીઆઈ આર.જી.ખાંટ પણ દુબઈ ગયા હતા. આ કેસમાં અગાઉ પી. આઈ. તરલ ભટ્ટની પણ ધરપકડ થઈ ચૂકી છે. સ્ટેટ મોનિટરિંગ સેલનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, થોડા સમય પૂર્વે તપાસ એજન્સીને જાણકારી મળી હતી કે, દીપક દુબઇમાં છુપાયો છે. ત્યારબાદ કાયદાકીય રીતે તેની ધરપકડ કરીને ભારત પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયાના ભાગરૂપે જ ઇન્ટરપોલે દીપક ઠક્કર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. ત્યારબાદ દુબઈ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. દીપક ઠક્કર છેલ્લા સાડા પાંચ મહિનાથી દુબઈની જેલમાં કેદ હતો. આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે દુબઈ પોલીસે સંકલન સાધ્યું હતું અને પ્રત્યાર્પણ સંધિના આધારે વાત આગળ વધી હતી. દુબઈની કોર્ટે દીપક ઠક્કરને ભારત પરત મોકલવાની પરવાનગી આપી હતી. ત્યાર પછી દીપક ઠક્કરને લાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દુબઈ ગઈ હતી. શનિવારે તેને સ્વદેશ લઈ આવવામાં આવ્યો છે. દીપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કર, (રહે.અંબિકાનગર સોસાયટી, ભાભર,હાલ રહે.દુબઈ) અમદાવાદ શહેરના વેજલપુર ખાતે આવેલr પી.એન.ટી.સી. કોમ્પલેક્ષના 11માં માળે વી.વી.આઈ.પી. સોફ્ટવેર નામની ઓફિસ ધરાવી શેરબજારના ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે વેલો સીટી સર્વરમાં મેટા ટ્રેડર એપ્લીકેશનનો ઉપયોગ કરી, શેરબજારના ડબ્બા ટ્રેડીંગનું આઈ.ડી.લઈ, બિનઅધિકૃત રીતે શેરબજારના સોદાઓ કરતો અને કરાવતો હતો. દીપક ધરપકડથી બચવા માટે નાસતો-ફરતો હોવાથી નામદાર કોર્ટમાંથી તેનું CRPC કલમ-70 મુજબનું વોરંટ મેળવવામાં આવ્યું હતું. ત્યારબાદ, આરોપી તેના પાસપોર્ટ નં-P7436711 આધારે વિદેશ જતો રહ્યો હોવાની માહિતીના આધારે તેની વિરૂધ્ધ 12 જુલાઈ, 2023ના રોજ લુક આઉટ નોટિસ કાઢવામાં આવી હતી. ત્યારબાદ, ભારત સરકારના ઈન્ટરપોલને કરેલી દરખાસ્ત આધારે 15 ડિસેમ્બર, 2023ના રોજ ઈન્ટરપોલ દ્વારા તેની વિરૂધ્ધ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી.ઈસ્યુ કરાવેલી રેડ કોર્નર નોટીસ (RCN) આધારે યુનાઈટેડ આરબ એમીરાત પોલીસ દ્વારા 13 માર્ચ 2023ના રોજ આરોપી દીપક ઉર્ફે ડીલક્ષ ઠક્કરની ધરપકડ કરવામાં આવી અને તેની પ્રત્યાર્પણ દરખાસ્ત મોકલી આપવા જણાવ્યું હતું. જેથી ગુજરાત સરકારના ગૃહ વિભાગ મારફતે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય તેમજ વિદેશ મંત્રાલયે કેન્દ્ર સરકાર મારફતે યુનાઈટેડ આરબ એમીરાતને 25 જૂન, 2024ના રોજ પ્રત્યાર્પણ દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. જે દરખાસ્ત આધારે પ્રત્યાર્પણની મંજૂરી આપવામાં આવી હતી. જેના આધારે આરોપીનો કબ્જો મેળવવા સ્ટેટ મોનિટરિંગ સેલ દુબઈ પહોંચી હતી. જ્યાં તેની અટકાયત કરવામાં આવી હતી. દીપક ઠક્કર પાસેથી તેનો જુનો પાસપોર્ટ નં-P7436711, નવો પાસપોર્ટ નં-26486064, યુનાઈટેડ આરબ એમીરાતના 1,980/- દિરહામ તથા ધાર્મિક લખાણ લખેલું મોટું રાઈટીંગ પેડ અને વિવિધ વ્યક્તિઓના નામ તથા મોબાઈલ નંબર લખેલી નાની પોકેટ ડાયરી કબ્જે કરવામાં આવ્યા છે. આરોપી દીપક ઉર્ફે ડીલક્ષ ઠક્કરની પી.એન.ટી.સી. કોમ્પલેક્ષના 11માં માળે આવેલ વી.વી.આઈ.પી. સોફ્ટવેર નામની ઓફિસમાં બિન અધિકૃત રીતે શેરબજારના ગેરકાયદેસર સોદાઓ લેવાનું કામ કરનાર અને અગાઉ પકડાયેલ આરોપી પ્રકાશ ઉર્ફે ચીકુ નારણભાઈ માળી તથા અમિત ઉર્ફે મુકેશ મહેશભાઈ ખત્રી પાસેથી ઓફીસનું ઓલ ઈન વન કોમ્પ્યુટર, લેપટોપ તથા મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે. જેમાંથી શેરબજારના ડબ્બા ટ્રેડીંગની 47 આઈ.ડી. તથા નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારો મળી આવ્યા હતાં. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ-36 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે. દીપક ઠક્કર મૂળ બનાસકાંઠાના ડીસા તાલુકાના ભાભર ગામનો છે. તેની ઉંમર લગભગ 43 વર્ષ છે. ડબ્બા ટ્રેડિંગની એક એપ્લિકેશનના મારફતે તે સટ્ટો રમાડતો હતો. દીપક દુબઈમાં બેસીને સટ્ટાનું કામકાજ ઓપરેટ કરતો હતો. ત્યારબાદ હવાલાથી રૂપિયા દુબઈ પહોંચતા હતા. આ એપ્લિકેશન પર બે લાખ લોકો એક્ટિવ હતા. પ્રાથમિક તબક્કે મળેલી માહિતી અનુસાર, દીપક ઠક્કર લોકડાઉન અગાઉ પહેલીવાર દુબઈ ગયો હતો, ત્યાં તેણે ફ્લેટ ભાડે લઈને ઓફિસ ખોલી હતી. તરલ ભટ્ટ અમદાવાદમાં પીસીબીમાં ફરજ બજાવતા હતા, તે સમયે માધુપુરા વિસ્તારમાં 2300 કરોડથી વધુનું સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગનું મોટું નેટવર્ક પકડાયું હતું. માધુપુરામાં ઝડપાયેલ સટ્ટાકાંડ ગુજરાતનો સૌથી મોટો સટ્ટાકાંડ છે. જેમાં ક્રિકેટના તાર દૂબઇ સુધી જોડાયેલા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. જે બાદ માધુપુરા સટ્ટાકાંડમાં સામેલ કેટલાક આરોપીઓ ભારત છોડીને દૂબઇ ભાગી ગયા હતા. જે તે સમયે આ કેસમાં 111 આરોપીની ઓળખ થઈ હતી, જેમાંથી 35ની ઝડપાઈ ગયા હતા તો 76 આરોપીઓ ફરાર હતા. તેમાંથી જ એક આરોપી પાર્થ દોશી અમૃતસરથી ઝડપાયો હતો. પાર્થ દોશી દુબઈથી પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થતાં જ SMCએ ઝડપી પાડ્યો હતો. પાર્થ દોશી માધુપુરા સટ્ટાકાંડ કેસનો 35મો આરોપી છે. ઓનલાઇન ક્રિકેટ સટ્ટા માટેની સુપર આઇડી આપનાર મુખ્ય સૂત્રધાર પાર્થ હોવાનું પણ સામે આવ્યું હતું. પાર્થ દોશી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આઇડી આપતો હોવાનું SMCની તપાસમાં સામે આવ્યું છે. તેમજ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગના સુપર માસ્ટર આઇ.ડી આપનાર મુખ્ય આરોપી પાર્થ કમલેશભાઇ દોશી છેલ્લા ઘણા વર્ષોથી દૂબઇ ખાતે રહીને ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગની સુપર માસ્ટર આઇ.ડી બનાવી વિવિધ વ્યક્તિઓને પૂરી પાડતો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજિલ્લા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત અંડર-૧૫ વયજૂથમાં ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન
Next articleપૂરના પાણી ઓસર્યા બાદ શક્તિસિંહ ગોહિલ જામનગર પહોંચ્યા