Home ગુજરાત સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નવી પેઢીના નેતાઓને સરદારનો પરિચય થયો

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નવી પેઢીના નેતાઓને સરદારનો પરિચય થયો

898
0

આજ ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર જયંતીના દિવસે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના સહુથી ઊંચા સરદાર પટેલના સ્ટેચ્યુ નું ઉદઘાટન કર્યું છે. છેલ્લા એક સપ્તાહથી મિડીયામાં સરદાર વલ્લભભાઈ પટેલ ની જીવન શૈલી , રાજકીય કુનેહ , તેમનું મનોબળ , તેમની સમાજ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા , રાષ્ટ્ર ભાવના સહિતના અનેક મુદ્દાઓને લઈને પુસ્તકોમાંથી શોધી શોધી ને લેખ લખાયા છે કે ચર્ચાઓ થઇ છે .
આનંદ અને આશ્ચર્ય એ છે કે આટલા વર્ષો પછી ગુજરાત અને દેશની નવી પેઢીને સરદાર પટેલનો વાસ્તવિક પરિચય થયો છે . ગળામાં પક્ષની કંઠી સમાન ખેસ ધારણ કરીને ન્યુઝ ચેનલો ઉપર ગળા ફાડીને રાજકીય દલીલબાજી કરતા પ્રોફેશનલ પોલીટીશ્યનો ને આપણા ગુજરાતના બે મહાન સપૂતો મહાત્મા ગાંધી અને સરદાર પટેલને જાણવા – ઓળખવા નો સમય જ ન હતો . મેં ઘણા નેતાઓને સરદાર પટેલ વિષે પૂછ્યું હતું જેમ કે તેઓ અમદાવાદ શહેર નગરપાલિકાના પ્રમુખ કઈ સાલમાં થયા હતા ? અમદાવાદ નગરપાલિકા ના પ્રમુખ સરદાર પટેલે અમદાવાદમાં મોટા વિકાસના કામો કયા કાર્ય હતા ? આવા એક પણ સવાલનો આજના ભાજપ – કોંગ્રેસના નેતાઓ જવાબ આપી શક્યા ન હતા .
આપણા નરેન્દ્રભાઈ એ સરદાર સરોવર ખાતે જ વિશ્વની સહુથી ઉંચી પ્રતિમા સરદાર પટેલની બનાવીને સરદાર પટેલની સાચી ઓળખ ગુજરાત , દેશ અને વિશ્વને આપી છે . હવે કેવડીયા કોલોની એ વિશ્વનું પ્રવાસન ધામ બનશે . સરદાર પટેલની સાથે ગુજરાતની પણ વૈશ્વિક ઓળખ ઉભી થશે . અને વિદેશથી આવનારો પ્રવાસી માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઇને જતો નહિ રહે . અમદાવાદના ગાંધી આશ્રમની પણ અચૂક મુલાકાત લેશે . જેથી હવે ગાંધી આશ્રમ ને પણ આટલું જ મહત્વ આપીને અત્યારે નજરે ચડતી કેટલીક ખામીઓ , અવ્યવસ્થા ને દુર કરવા જોઈએ .
રાજકારણીઓ એ પણ હવે ઇતિહાસનું મહત્વ સમજી તે શીખવાનો પ્રયાસ કરવો જોઈએ . માત્ર મોદી ભક્ત અને રાહુલ ભક્ત રહેવાથી રાજકારણના પાઠ શીખી ગયાનો સંતોષ માનવો જોઈએ નહિ .
આજે સરદાર પટેલના ‘ સ્ટેચ્યુ ઓફ યુનિટી ’ નું ઉદઘાટન થયું છે . ઓડીટર મીડિયા અને વિપક્ષ અનેક ક્ષતિઓ શોધીને આલોચના કરશે . પરંતુ ગુજરાત અને સરદાર પટેલની ઉભી થયેલી વૈશ્વિક ઓળખ સામે નાની મોટી ભૂલોને ક્ષમ્ય ગણાવી જોઈએ .

લ્યો , હવે રિઝર્વબેન્કની સ્વાયતતા સમાચારનો મુદ્દો બન્યો

સી.બી.આઈ.ના ઉચ્ચ અધિકારીઓ આપસમાં એક બીજાના કપડા ફાડીને દેશની એક સર્વોચ્ચ અને સ્વાયત સંસ્થાની આબરૂ લુંટી છે . હવે નવા મુદ્દાનો જન્મ થયો છે . દેશની અર્થતંત્રની ધરોહર સમી રિઝર્વ બેંક વિવાદમાં આવી છે . જયારે નોટબંધી નો નિર્ણય થયો અને રિઝર્વ બેન્કે એક પછી એક મોટા નિર્ણયો લીધા અને પાછા ખેચ્યા ત્યારે જ સહુથી વધુ આબરૂ નું લીલામ થઇ ચૂક્યું હતું . પરંતુ ત્યારે તેમના બચાવમાં કેન્દ્ર સરકાર અને નાણામંત્રી અરુણ જેટલી હતા . હવે એક પછી એક બેંક કૌભાંડોના પગલે કેન્દ્ર સરકાર ભીસમાં મુકાવા લાગી છે . આગામી ચૂટણીમાં ભાગેડુ બેંક કૌભાંડીઓ ચુંટણીનો મુદ્દો બનશે . આ બધું ભાજપને નુકસાન કરતા હોવાથી ભાજપના જ ખાસ પસંદ કરાયેલા ગવર્નર ઊર્જિત પટેલને ખુદ નાણામંત્રી એ N.P.A. માટે જવાબદાર ઠેરવીને વિવાદ સર્જ્યો છે . સામે પક્ષે ઊર્જિત પટેલ કેન્દ્ર સરકાર દ્વારા R.B.I ની સ્વાયતતા છીનવી લેવાનો આક્ષેપ કર્યો છે .
આ બે સંસ્થાઓના વિવાદ પછી ઉચ્ચ અધિકારીઓએ એક તારણ કાઢ્યું કે “ સાહેબના ખાસ ” ગણાવી ને કોઈ ખોટી રીતે પ્રમોશન મળી જાય અને ઉચ્ચ હોદ્દા પર બેસવા મળે , તો સમજી લેવાનું કે હવે ઊંડી ખાઈમાં ધકેલાઈ જવા તૈયાર રહેવાનું છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કયું આંદોલન કરવું તે દિલ્હી થી નક્કી થાય છે

ગુજરાતમાં પ્રજાને શું તકલીફ છે ? સરકાર પાસે પ્રજા શું ઈચ્છે છે ? અને સરકાર પ્રજા પર કયા મુદ્દે અન્યાય કરે છે ? આ બધા જ પ્રશ્નોના જવાબ ગુજરાત કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા જાણે છે . પરંતુ આ પ્રજાકીય પ્રશ્ને આંદોલન કરવા અને પ્રજાની પડખે ઉભા રહેવા માટે તેમણે દિલ્હીને પૂછવું પડે છે . હાઈકમાન્ડ એવા મુદ્દાઓ ઉપર આંદોલન કરવાના આદેશો આપે છે કે જે રાહુલ ગાંધી ને પસંદ હોય . અને તે રાષ્ટ્રીય મુદ્દા હોય છે .નેશનલ ઈશ્યુ થી વિશેષ સ્થાનિક મુદ્દાઓ જેવા કે પાક વીમો , ટેકાના ભાવે ખરીદી , પોષણક્ષમ ભાવો , શિક્ષિત બેરોજગારી ના પ્રશ્નો . આ મુદ્દા ગુજરાતમાં વધુ તિવ્ર હોવા છતાં આંદોલન અને નિવેદનો સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે આદિવાસીઓનો અસંતોષ , સી.બી.આઈ ના અધિકારીના ભ્રષ્ટાચાર , ભાજપના નેતાઓના આક્ષેપોના જવાબ અને વળતા આક્ષેપો આવા બધા મુદ્દાઓમાં પ્રચાર પ્રસાર સમેટાઈ જાય છે . અને ગુજરાતની પ્રજાના મહત્વના મુદ્દા કોરાણે ધકેલાઈ જાય છે . અને આવા જ કારણોસર ગુજરાતની પ્રજા ચુંટણીમાં કોંગ્રેસને કોરાણે ધકેલી દે છે .

દીપાવલી પર્વની ઉજવણી દીપ પ્રાગટ્યથી શોભે, ફટાકડાથી નહિ

પર્યાવરણના મુદ્દે સુપ્રીમકોર્ટ દ્વારા દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાના મુદ્દે આદેશ બહાર પાડ્યો છે . જેમાં રાત્રે ૮ થી ૧૦ સુધી જ ફટાકડા ફોડવા જણાવ્યું છે . કોર્ટનો આ આદેશ સોશિયલ મીડિયામાં વ્યાપક ટ્રોલ થયો છે . પરંતુ વાસ્તવિક્તા એ છે કે દેશમાં જે પ્રકારે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે , તેમાં માણસાઈ જેવી મહત્વની બાબત ભુલાઈ જાય છે . ખુબ વધુ અવાજ ના બોમ્બ થી પશુ – પક્ષીઓ ઉપરાંત નાના બાળકો અને બીમાર દર્દીઓને ખુબજ તકલીફ થાય છે . ઉજાસનું પર્વ છે , તો અવાજ વિના રોશની ફેલાવતા ફટાકડા ફોડી શકાય . પરંતુ અન્ય કોઈનો વિચાર કર્યા વિના ઉજવાતા ઉત્સવો પર હવે પ્રજાએ જાતે જ સ્વયં શિસ્ત દ્વારા પુનઃ વિચાર કરવાની જરૂર તો છે જ . એજ રીતે લગ્ન કે અન્ય ધાર્મિક પ્રસંગે જાહેર માર્ગ ઉપર ડીજે સ્પીકર દ્વારા જે ઘોંઘાટ ફેલાવવામાં આવે છે તેના ઉપર પણ નિયંત્રણ આવવા જોઈએ . અને તેમાં શરૂઆત રાજકીય રેલીઓથી થવી જોઈએ . રાજકીય પક્ષોને જાહેર માર્ગ ઉપર ફટાકડા ફોડવાની અને જાહેર માર્ગના ટ્રાફિકને અવરોધવાની છૂટ હોઈ શકે જ નહિ . નેતાઓએ આવી છૂટ લેવાનો આગ્રહ પણ રાખવો જોઈએ નહિ . પરંતુ રાજકીય પક્ષો તેમને સમાજ – નાગરિકોથી અલગ અને ઉપર ગણે છે . દરેક કાયદાઓથી તેઓ ઉપર હોવાનું માને છે . પ્રજા બધું જુએ છે પરંતુ બોલી શક્તિ નથી . આ ડર અને ખોફ પણ લોકતંત્ર માટે હાનીકારક જ કહી શકાય .

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદીની વિદાય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુ ગેલેરી સુધી જવાની લિફ્ટ બંધ..??
Next articleખાતમૂહૂર્તમાં ઉપસ્થિત રહેલ અડવાણીજી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં જ ગેરહાજર..?