(જી.એન.એસ),તા.૦૮
મુંબઈ,
ભારતીય ટેસ્ટ ટીમનો ઓપનર યશસ્વી જયસ્વાલ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં કારકિર્દીમાં સૌપ્રથમ વખત ટોપ 10 બેટ્સમેનની યાદીમાં સામેલ થયો છે. બુધવારે જાહેર થયેલી નવી યાદીમાં જયસ્વાલ બે સ્થાનના ફાયદા સાથે 10માં ક્રમનો શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં શાનદાર ફોર્મ ધરાવતા જયસ્વાલે બે બેવડી સદી ફટકારવા સાથે 600થી વધુ રન ફટકાર્યા છે. આ ઉપરાંત તે એક જ ટેસ્ટ શ્રેણીમાં 600થી વધુ રન ધરાવતા ભારતના દિગ્ગજ ક્રિકેટર્સની યાદીમાં સામેલ થયો છે. જયસ્વાલ એકમાત્ર ડાબોડી બેટ્સમેન છે જે આ સિદ્ધિ ધરાવે છે. 22 વર્ષીય જયસ્વાલ એક જ સિરીઝમાં સર્વાધિક ટેસ્ટ રન કરનાર પાંચમો ભારતીય બેટ્સમેન છે.
અગાઉ સુનીલ ગાવસ્કર, દિલીપ સરદેસાઈ, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી જેવા મહાન ભારતીય બેટ્સમેન આ ઉપલબ્ધિ મેળવી ચૂક્યા છે. જયસ્વાલને એક જ ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીના સર્વોચ્ચ 655 રનના રેકોર્ડને તોડવા માટે એક રનની જરૂર છે. જયસ્વાલે 2023માં ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પદાર્પણ કર્યું હતું. એક જ ટેસ્ટ શ્રેણીમાં સર્વાધિક 774 રનનો રેકોર્ડ ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરના નામે છે અને જયસ્વાલે તેને તોડે તેવી સંભાવના છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં રોહિત શર્મા બે ક્રમના ફાયદા સાથે 11માં ક્રમે છે જ્યારે વિરાટ કોહલી એક સ્થાન વધીને આઠમાં ક્રમે રહ્યો છે. વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં નથી રમી રહ્યો. ટેસ્ટ રેન્કિંગમાં ટોચના બેટ્સમેન ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમ્સન મોખરે છે. જ્યારે બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને એક સ્થાન નીચે ધકેલીને ઈંગ્લેન્ડનો જો રૂટ પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયાનો અન્ય બેટ્સમેન માર્નસ લાબુશેન હાલ ફોર્મ વિહોણો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.