(જી.એન.એસ) તા.૩૦
આણંદ,
મુખ્ય મંત્રીશ્રી એ ક્હ્યું હતું કે, ગુજરાત આજે દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું છે સરકાર ગુજરાતમાં શિક્ષણ સહિતના સર્વાંગી વિકાસને આગળ ધપાવી રહી છે વિકાસ કામોની પરંપરા જાળવી રાખી નાગરિક સુખાકારીને વધુ સુદ્રઢ બનાવવા અને ઈઝ ઓફ લિવિંગ વધારવા સરકાર પ્રતિબધ્ધ છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સૌ પ્રતિબદ્ધ બને સોજિત્રામાં રૂ.૧૪.૮૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ શ્રી ભાઈકાકા સરકારી વાણિજ્ય કોલેજના ભવનનું મુખ્ય મંત્રીશ્રીએ કર્યું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ અને વિદ્યાપુરુષ ભાઈ કાકાની જન્મભૂમિ એવા સોજીત્રા ખાતેથી રૂ. ૯૦ કરોડના ૩૯ જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા રૂ.૩૦ કરોડના ૧૩ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ સહિત જિલ્લાના નાગરિકોને રૂ. ૧૨૦ કરોડના વિવિધ ૫૨ (બાવન) જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ સરદાર સાહેબ અને વિદ્યાપુરુષ ભાઈકાકાની સ્મરણ વંદના કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કેવા વિઝન સાથેનો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતના વિકાસ દ્વારા વિશ્વ સમક્ષ પૂરું પાડ્યું છે. પ્રો – પિપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિને વિવિધ વિકાસ કામોથી આપણે સાકાર કરી છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, વિકાસ લક્ષી કાર્ય સંસ્કૃતિ દ્વારા વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ગુજરાતના વિકાસનો જે પાયો નાખ્યો હતો તેના પરિણામે ગુજરાત આજે દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું છે. વલ્લભવિદ્યાનગરના શિલ્પી સ્વ.ભાઈકાકાના શિક્ષણના પ્રદાનને આગળ ધપાવતાં સોજિત્રામાં રૂ.૧૪.૮૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ શ્રી ભાઈકાકા સરકારી વાણિજ્ય કોલેજના ભવનનું મુખ્ય મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ શિક્ષણના ચિંતન અને સંસ્કૃતિના સંવર્ધનના કાર્યોને વેગ આપી હંમેશા તમામ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂક્યો છે. એ જ દિશામાં સરકાર ગુજરાતમાં શિક્ષણ સહિતના સર્વાંગી વિકાસને આગળ ધપાવી રહી છે. ગ્રીન, ક્લીન ફ્યુચરના વડાપ્રધાનના વિઝનને અનુરૂપ પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિના મંત્રને આપણે સાકાર કર્યો છે, તેમ મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું. ગુજરાતમાં શહેરી વિકાસ, જાહેર આંતર માળખાકીય સુવિધાઓ અને આરોગ્ય એમ દરેક ક્ષેત્રે વિકાસ ક્રાંતિ આવી છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, યુવાનોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મળી શકે તે માટે વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતમાં ૧૦૩ યુનિવર્સિટીઓ અને ૨૮૦૦ કોલેજો દ્વારા ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શ્રી પટેલે ઉમેર્યું હતું કે, સોજિત્રાના સપૂત ભાઈકાકાએ ચરોતર પ્રદેશમાં શિક્ષણ સાથે જ્ઞાન પ્રાપ્તિના નિર્માણનો ભવ્ય પાયો નાખીને વલ્લભવિદ્યાનગરને વિદ્યાનગરી તરીકે વિકસાવી છે. લોહ પુરુષ સરદાર સાહેબના નેતૃત્વમાં સ્વાતંત્ર્યની ક્રાંતિ પછી અમૂલ રૂપે વિશ્વની સૌથી મોટી સહકારી ચળવળ રૂપી શ્વેતકાંતિની અને ભાઈકાકાના નેતૃત્વમાં વિદ્યાક્રાંતિની સાક્ષી બનેલી ચરોતરની આ ભૂમિના લોકોને વડાપ્રધાનશ્રીએ વિકાસક્રાંતિની અનુભૂતિ કરાવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલ સ્વચ્છતા હી સેવા ઝુંબેશને વેગ મળી રહ્યો છે, એટલું જ નહીં સામાન્ય માનવીને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા વય વંદના યોજના હેઠળ ૭૦ વર્ષના નાગરિકોને આયુષમાન કાર્ડની સુવિધા આપવામાં આવી રહી છે.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના માર્ગે આગળ વધી આપણે સમાજના સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વિકાસ કામોની પરંપરા જાળવી રાખી નાગરિક સુખાકારીને વધુ સુદ્રઢ બનાવવા અને ઈઝ ઓફ લિવિંગ વધારવા સરકાર પ્રતિબધ્ધ છે. દેશના અમૃતકાળમાં વિશ્વ સાથે કદમ મિલાવીને વિકસિત ભારત @૨૦૪૭ના નિર્માણમાં સેવારત રહેવાના વડાપ્રધાનશ્રીના આહવાનને સરકાર, સમાજ અને સૌને સાથે મળી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા મુખ્ય મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે આ તકે પદ્મભૂષણ ડો. તેજસ પટેલ એ ચરોતર સહિત ગુજરાત અને દેશનું ગૌરવ છે, તેમ પણ ઉમેર્યું હતું. સોજિત્રાના સપૂત પદ્મભૂષણ અને કાર્ડિયોલોજિસ્ટ ડો.તેજસ પટેલે જન્મ ભૂમિમાં પોતાના થયેલા સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ચરોતરની આ પાવન ભૂમિનું આઝાદી આંદોલનમાં પણ અનોખું યોગદાન રહ્યું છે. અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ દેશને એક તાંતણે બાંધવામાં અને વિદ્યાપુરુષ ભાઈકાકાએ શિક્ષણ ક્ષેત્રે જે યોગદાન આપ્યું છે તે ભૂલાય તેમ નથી. તેમને પોતાના વતન સાથેના બાળપણના સંસ્મરણો વાગોળી તેમના જીવન ઘડતરમાં મદદરૂપ થનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી પટેલે ચરોતરના નાગરિકો હંમેશા મારા હૃદયમાં છે તેમ જણાવી તેમણે સોજિત્રા સહિત આ વિસ્તારના નાગરિકોની મદદ માટે તત્પરતા દર્શાવી હતી. પ્રારંભમાં સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે સૌનો આવકાર કરતા જણાવ્યું હતું કે, સોજિત્રા તાલુકામાં રૂ.૩૦ કરોડથી વધુના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેને કારણે તાલુકાનો સર્વાંગી વિકાસ થશે. આગામી સમયમાં તારાપુર તાલુકામાં આવેલ કનેલાવ તળાવને રૂ.૮૦ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવશે. શ્રી પટેલે સોજિત્રા અને તારાપુર તાલુકામાં હાથ ધરાનાર વિકાસ કામોની રૂપરેખા આપી હતી. મુખ્ય મંત્રીશ્રીએ વય વંદનાના લાભાર્થીઓને આયુષમાન કાર્ડનું વિતરણ કરવા સાથે સોજિત્રાના સપૂત પદ્મભૂષણ અને કાર્ડિયોલોજિસ્ટ ડો.તેજસ પટેલનું સન્માન કર્યું હતું. મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં નિર્મળ ગુજરાત હેઠળ ઉમરેઠ તાલુકાના ૩૯ ગામોમાં બાયોગેસ અને ખાતર ઉત્પાદન તથા પશુ છાણના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે માટે આણંદ જિલ્લા પંચાયત અને ભારત બાયોગેસ એનર્જી લી. વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં આણંદના કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીને જૂનાગઢ ખાતેના કાર્યકાળ દરમ્યાનની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મળેલ રૂ. ૫૧ હજારના પ્રોત્સાહક પુરસ્કારની રકમ આંગણવાડીના બાળકોને મુખ્ય મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. મુખ્ય મંત્રીશ્રીના હસ્તે રાજ્ય સરકારની “તેરા તુજ કો અર્પણ” યોજના હેઠળ આણંદ પોલીસ વિભાગ દ્વારા લોકોના ચોરાયેલા અને ખોવાયેલા ૩૧ લાખના મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. મુખ્ય મંત્રીશ્રીએ પાવરગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા લિ. દ્વારા નિગમિત સામાજિક જવાબદારી હેઠળ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે ૨૫ ઈ – રિક્ષાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અંતમાં કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, પૂર્વ સાંસદશ્રીઓ, જિલ્લા, તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકા પ્રમુખો, પદાધિકારીઓ, અગ્રણીઓ સહિત અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.