(જી.એન.એસ) તા. 5
નવી દિલ્હી,
કૌશલ્ય વિકાસ માટે એક અત્યાધુનિક સેન્ટર ઑફ એક્સલન્સ શરૂ કરવા માટે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC)એ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU), જે એક અગ્રણી સ્વાયત્ત સ્ટેટ ટેક્નિકલ યુનિવર્સિટી છે, તેની સાથે ભાગીદારી કરી છે. બંને સંસ્થાઓએ આ માટે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ મહાકુંભ ખાતે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરીને આ ભાગીદારીને ઔપચારિક બનાવી છે. આ પહેલનો ઉદ્દેશ ઊર્જા, આરોગ્ય, પાણી અને ખાદ્ય જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગના કૌશલ્યો માટે શીખાઉ યુવાનોને વ્યવહારૂ અનુભવોથી સજ્જ કરવાનો છે.
આ સેન્ટર ઑફ એક્સલન્સ VLSI ડિઝાઇન, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), ડેટા સાયન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સાયબર સિક્યુરિટી, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, બ્લોકચેઇન વગેરે જેવી ઉભરતી ટેક્નોલોજીઓમાં વિશેષ તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ITI, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રીઓમાં વિદ્યાર્થીઓ માટે ઘડવામાં આવેલા 40થી વધુ ઓનલાઇન અને હાઇબ્રિડ અભ્યાસક્રમો સાથે, આ ભાગીદારી વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસને મુખ્ય પ્રવાહના શિક્ષણમાં એકીકૃત કરીને સ્કિલ ઇન્ડિયા મિશન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને રાષ્ટ્રીય ક્રેડિટ ફ્રેમવર્કને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.
NSDC ના સીઈઓ અને NSDC ઇન્ટરનેશનલના મેનેજિંગ ડાયરેક્ટર (MD) શ્રી વેદમણિ તિવારીએ જણાવ્યું કે, “આજે, અમે ઊર્જા ક્ષેત્રમાં કૌશલ્ય ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સ્ટાર્ટઅપ મહાકુંભ ખાતે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી ઓટોમોટિવ, EV ચાર્જિંગ, રિન્યુએબલ એનર્જી અને સેમિકંડક્ટર જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતા સેન્ટર્સ ઑફ એક્સલન્સ સાથે, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગમાં તાલીમ માળખાના વિકાસનો આધાર બનશે. સેમિકંડક્ટર ક્ષેત્રે તાલીમ આપવાની પ્રક્રિયા પહેલેથી જ ચાલી રહી છે, જે યુવાનોને ઉચ્ચ-માંગ અને ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં વ્યવહારિક અનુભવ મેળવવાનો માર્ગ મોકળો કરે છે.”
પંડિત દીનદયાલ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉ. એસ. સુંદર મનોહરને જણાવ્યું કે, “શ્રી વેદમણિ તિવારીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ NSDC સાથે ભાગીદારી કરીને અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. તેમના સમર્થનથી, PDEU એ તેના માળખાને અદ્યતન કૌશલ્ય તાલીમ માટેના કેન્દ્રમાં પરાવર્તિત કર્યું છે, ખાસ કરીને રિન્યુએબલ એનર્જી અને સેમિકંડક્ટર જેવા ઉચ્ચ માંગવાળા ક્ષેત્રો માટે. અમારું નવું શરૂ કરાયેલ ATMP સેમિકન્ડક્ટર પેકેજિંગ સેન્ટર વિદ્યાર્થીઓને બેક-એન્ડ પેકેજિંગ, એન્કેપ્સ્યુલેશન અને અન્ય મહત્વપૂર્ણ કૌશલ્યોમાં તાલીમ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ઉદ્યોગ માટે તૈયાર પ્રતિભાઓના મજબૂત સમૂહનું નિર્માણ કરશે.”
2007 માં સ્થાપના થયેથી જ PDEU ઊર્જા સંબંધિત શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં મોખરે રહી છે. યુનિવર્સિટીએ તેના શૈક્ષણિક કેમ્પસમાં ઇન્ડસ્ટ્રી-સ્ટાન્ડર્ડ મેન્યુફેક્ચરિંગ લાઇનને એકીકૃત કરીને વિદ્યાર્થીઓને સશક્ત બનાવ્યા છે, જેમાં 45 મેગાવોટ સોલર પીવી મેન્યુફેક્ચરિંગ લાઇન અને ATMP સેમિકન્ડક્ટર પેકેજિંગ લાઇનનો સમાવેશ થાય છે. આ સુવિધાઓ શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરે છે, અને સાથે-સાથે સૌર અને પવન ઊર્જા, લિથિયમ અને વેનેડિયમ ઊર્જા સંગ્રહ પ્રણાલીઓ, કાર્બન કેપ્ચર સોલ્યુશન્સ અને સ્માર્ટ હાઇબ્રિડ ગ્રીડ જેવી રિન્યુએબલ એનર્જી ટેક્નોલોજીઓમાં નવીનતાને પ્રોત્સાહન આપે છે.
ડૉ. મનોહરને વધુમાં જણાવ્યું કે, “આ એક મહત્વપૂર્ણ પરિવર્તન દર્શાવે છે- જ્યાં ઉત્પાદન-કેન્દ્રિત કૌશલ્ય માટે ઉદ્યોગો હવે શૈક્ષણિક સંસ્થાઓ બની રહ્યા છે. પ્રથમ વખત, રાષ્ટ્રીય ક્રેડિટ ફ્રેમવર્ક દ્વારા 225 કલાક સુધીના પ્રાયોગિક શિક્ષણને શૈક્ષણિક ક્રેડિટમાં એકીકૃત કરવામાં આવી રહ્યું છે. અમે આ અસરકારક અને સ્કેલેબલ શિક્ષણ મોડેલના નિર્માણમાં NSDC ના સતત માર્ગદર્શન અને સમર્થનની ખૂબ સરાહના કરીએ છીએ.”
NSDC સાથેના આ સહયોગ દ્વારા, PDEU સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE)માં અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓનો સમાવેશ કરીને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરશે. CoE શભરમાં કૌશલ્ય વિકાસ કાર્યક્રમો માટે એક કેન્દ્ર તરીકે સેવા આપશે, જેના થકી ટિયર-1, ટિયર-2 અને ટિયર-3ની સંસ્થાઓના વિદ્યાર્થીઓને લક્ષિત કરવામાં આવશે. આ સેન્ટર પ્રમુખ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સાથે સુસંગત છે, જેમાં SDG-4 (ગુણવત્તાયુક્ત શિક્ષણ), SDG-7 (પોસાય તેવી અને સ્વચ્છ ઉર્જા), SDG-13 (ક્લાઇમેટ ઍક્શન), અને SDG-17 (ધ્યેય માટે ભાગીદારી)નો સમાવેશ થાય છે.
સરળ કામગીરી અને ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે, આ પહેલના એક ભાગરૂપે એક સેક્શન 8 કંપનીની સ્થાપના કરવામાં આવશે. PDEU અને NSDC ટ્રસ્ટની સંયુક્ત માલિકીની આ કંપની CoEની પ્રવૃત્તિઓનું સંચાલન કરશે, અને સાથે કોર્સ ફી દ્વારા સ્વતંત્ર આવકનો પ્રવાહ ઊભો કરશે. મુખ્ય ઉત્પાદન પ્રક્રિયાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરીને અને મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપીને આ કંપની મેક-ઇન-ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી મુખ્ય રાષ્ટ્રીય પહેલોને પણ સમર્થન આપશે.
સેન્ટર ઑફ એક્સલન્સ ભારતની કૌશલ્યપૂર્ણ માનવબળની વધતી જતી માંગને પહોંચી વળવામાં મુખ્ય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે, કારણકે, ભારત 2030 સુધીમાં સૌથી વધુ કાર્યશીલ વયની વસ્તી તૈયાર કરી રહ્યું છે. NSDC દ્વારા પૂરા પાડવામાં આવતા ઉદ્યોગ-પ્રમાણિત ટ્રેનર્સ દ્વારા આપવામાં આવતા વ્યવહારુ અનુભવ દ્વારા, આ પહેલ ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપવાની સાથે વિદ્યાર્થીઓમાં રોજગારક્ષમતા વધારવાનો પ્રયાસ કરે છે.
નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) વિશે
નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) એ એક વિશ્વસનીય બિન-લાભકારી સંસ્થા છે જે સમગ્ર ભારતમાં કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક શિક્ષણને વેગ આપવા માટે સમર્પિત છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના નેજા હેઠળ કાર્યરત, NSDC ભારતની કૌશલ્ય વિકાસ પ્રણાલીને આકાર આપતી મુખ્ય સંસ્થા છે. 49% સરકારી અને 51% ખાનગી એવા વિશિષ્ટ PPP મૉડલ સાથે NSDC વ્યાપક કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપીને યુવાનોને સશક્ત બનાવવાની દિશામાં કાર્ય કરે છે.
આ સંસ્થા ફક્ત પરંપરાગત વ્યાવસાયિક તાલીમ પ્રદાન નથી કરતી, પરંતુ નવીન અને અદ્યતન કૌશલ્યને એકીકૃત કરીને રોજગારક્ષમતામાં પણ વધારો કરે છે. સ્કિલ ઇન્ડિયા મિશનના અમલીકરણ સહયોગી તરીકે, NSDC શિક્ષણ અને રોજગાર વચ્ચેના અંતરને દૂર કરવા માટે સમર્પિત છે. NSDC વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત, ઉદ્યોગ-સંકલિત કૌશલ્ય અભ્યાસક્રમોને દેશભરના નાના શહેરો સુધી પહોંચાડીને શિક્ષણને વધુ સુલભ બનાવી રહ્યું છે. ભારતને વિશ્વની કૌશલ્ય રાજધાની બનાવવાના ઉદ્દેશ સાથે NSDC વૈશ્વિક સ્તરે પ્રાસંગિક કૌશલ્યોથી સજ્જ એક મજબૂત કાર્યબળનું નિર્માણ કરવાનો પ્રયાસ કરે છે, જેથી ઉભરતા રોજગાર બજારમાં સતત વિકાસ અને રોજગારીની તકો સુનિશ્ચિત થઈ શકે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.