તા.૧ જાન્યુ. ૨૦૨૪માં નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યમાં ૧૯૦ સ્થળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું
રૂપિયા ૨ કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે
(જી.એન.એસ),તા.૦૭
ગાંધીનગર,
યોગાભ્યાસ થકી ગુજરાતના નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે રાજ્યમાં પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ મહાઅભિયાન તા. ૧ લી ડિસેમ્બર-૨૦૨૩ થી ૧ લી જાન્યુઆરી-૨૦૨૪, એમ એક મહિના સુધી ચાલશે. આ મહાભિયાન અંતર્ગત આગામી ૩૧મી ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા અને યોગ સ્પર્ધાનું આયોજન થશે. ગ્રામ્ય, શાળા અને વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી યોજાનાર આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નાગરિકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ સ્પર્ધામાં ભાગ લેવા તા. ૦૬ થી ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે.
ગાંધીનગર ખાતે તા.૧૯ ડિસેમ્બરના રોજ ગ્રામ્ય,શાળા તથા નગરપાલિકા અને મહાનગરપાલિકા વોર્ડકક્ષાની સ્પર્ધા યોજાશે. ત્યારબાદ તા.૨૩ ડિસેમ્બરના રોજ તાલુકા તથા નગરપાલિકા અને મહાનગરપાલિકા વોર્ડકક્ષા સ્પર્ધા, તા. ૨૬ ડિસેમ્બરના રોજ જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા અને અંતમાં તા.૩૦ ડિસેમ્બર ના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે. સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વય એમ ત્રણ કેટેગરીમાં નાગરિકો ભાગ લઇ શકશે.
ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રૂ. ૧૦૧ રોકડ પુરસ્કાર અપાશે. જ્યારે તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોને વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂ. ૧૦૦૦નું રોકડ ઇનામ અપાશે. જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્રિતીય ભાઇ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ સ્પર્ધકને ડીજીટલ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.
સ્પર્ધા પૂર્ણ થયા બાદ તા.૧ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે. આ દિવસે જ સમગ્ર રાજ્યમાં જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ ૧૯૦ જેટલા સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. રજીસ્ટ્રેશન કરવાની લીંક https://snc.gsyb.in/ અને સૂર્ય નમસ્કાર સ્પર્ધાના નિયમો https://drive.google.com/file/d/1d3qHHmFv9AosGP4oVTHvRxORRiiv2kcu/view?usp=drivesdk પરથી જાણી શકાશે. વધુ માહિતી માટે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી ગાંધીનગરનો સંપર્ક કરી શકાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.