(જી.એન.એસ) તા. 9
સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનો માલવણ-પાટડી-જેનાબાદ-દસાડા- માર્ગ પર એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બે ટ્રક સામસામે અથડાતાં એક ક્લિનરનું કરુણ મોત નિપજ્યું હતું. પાટડી થી દસાડા તરફ જવાના માર્ગ પર માવસર નજીક રાજસ્થાન અને ઓડિસા પાસિંગના ટ્રક સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકનો આગળ ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે તાત્કાલિક પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ક્લિનર ગંભીર ઈજાગ્રસ્ત હોવાનું જણાતા પ્રાથમિક સારવાર આપી તેમના વતન નજીક હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખાનગી વાહન મારફતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કમ નસીબે ક્લિનર ગંભીર ઈજાને પગલે મોતને ભેટ્યો હતો. જો કે પાટડી-જેનાબાદ-દસાડા તથા માલવણ તરફ જતા માર્ગ પર છેલ્લા લાંબા સમયથી ભારે વાહનોનો ઘસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે અકસ્માતમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા દોઢ માસમાં બેફામ ચાલતા ભારે વાહનોના કારણે સર્જાયેલ અકસ્માતમાં પાંચ જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે. રાજસ્થાન મોરબી ડેઇલી સર્વિસ ચાલતા વાહન ચાલકો ટોલટેક્સ બચાવવાના લોભે ગ્રામ્ય વિસ્તારના માર્ગમાંથી નીકળતા હોવાની વિગતો પણ સામે આવી છે. આ બાબતે તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે જેથી અકસ્માતોની ઘટના પર અંકુશ લાવી શકાય તેવી માંગ પણ ગામના લોકો દ્વારા કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.