વેસુના વેપારીની ઓફિસમાં 25 લાખના હીરાના પેકેટ એક થેલામાં ચાલાકીથી બદલાવીને 2 ગઠિયાઓ કાચના ટુકડા પધરાવી પલાયન થતા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સીસી કેમેરામાં કેદ થયેલી બાઈક અને મોબાઈલ નંબરના આધારે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. વેસુના નંદની-1માં રહેતા રૂપક કમલેશ ગર્ગ(43) સોસિયો સર્કલ પાસે યુનિક હોસ્પિટલની સામે ઝિનોન કોમ્પ્લેક્સમાં જ્વેલર્સ જેમ્સ પ્રા.લી. નામથી હીરાનો વેપાર કરે છે. ગઈ તા.12 ડિસેમ્બરના રોજ તેમની ઓફિસના નંબર પર ફોન આવ્યો હતો અને પોતે મુંબઈથી લક્ષ્મી જ્વેલર્સમાંથી ભરત પટેલ બોલતા હોવાનું જણાવી કટ એન્ડ પોલિશ્ડ કવોલિટીની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું.
બાદ તા.19મીએ રૂપકભાઈની ઓફિસે સેમ્પલ જોઈ ભાવતાલ કરી જતા રહ્યા બાદ સાંજે ફરીથી ફોન કરીને બે અલગ અલગ ક્વોલિટીના 100-100 કેરેટ માલની જરૂર હોવાનું જણાવ્યું હતું. બાદ 21મીએ સાંજે પરત આવ્યા હતા. રૂપકભાઈએ તેમને 3 પેકેટમાં રૂ.24,68,815ની કિંમતના અલગ અલગ ક્વોલિટીના 115.810 કેરેટ હીરા આપ્યા હતા. આ હીરા જોઈને ભરત પટેલે ત્રણે પેકેટ પ્લાસ્ટીકની થેલીમાં મુકી ટેપ મારીને સિલ કરી પાકીટમાં મુકી દીધા હતા. જોકે, બીજા દિવસે પેમેન્ટની વાત કરતા રૂપકભાઈએ તરત જ હીરાનો માલ પરત માંગ્યો હતો.
જેથી તેમણે પાકીટમાંથી પેકેટ પાછા આપ્યા હતા અને બીજા દિવસે પેમેન્ટની વાત કરી માલ કુરિયરમાં મોકલી આપવાનું કહી ચાલ્યા ગયા હતા. 24મીએ રૂપકભાઈએ હીરાનું પેકેટ ખોલી ચેક કરતા ત્રણે પેકેટમાં નકલી હીરા અને કાચના ટુકડાઓ નીકળતા રૂપકભાઈ ચોંકી ઉઠ્યા હતા. ઠગાઇ થઈ હોવાનું જણા ખટોદરા પોલીસ મથકે દોડી ગયા હતા. વેપારીની ફરિયાદ લઈ પોલીસે ગુનો નોંધ્યો છે.
ગઠીયાઓ હીરાના પેકેટ બદલી છેતરી ગયા હોવાની જાણ થતા આખરે રૂપકભાઈએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસી ટીવી ફુટેજના આધારે આ બન્ને જે બાઈક પર આવ્યા હતા. તેનો નંબર તેમજ મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા ભરત કરશન કોંધોલ(રહે. પાલનપુર) તેની સાથે આવેલો જિમીત અજય શાહ(રહે. જનતાનગર રોડ, ભાઈન્દર)અને આ બંનેને બાઈક પર લઈ આવેલો ઉદય હરિશચંદ્ર ચોક્સી(રહે. વિજ્ઞેશ્વર એસ્ટેટ, મહાવીર હોસ્પિટલની બાજુમાં નાનપુરા) પોલીસે ત્રણેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.