સુરતના વરાછા વસુંધરા ઇન્ડસ્ટ્રીઝ પાસે રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે નોકરી કરતા યુવકની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓએ મોબાઈલ ઝૂટવાની કોશિશ કરી હતી પરંતુ મૃતક યુવકે પ્રતિકાર કરતા તેને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોપીની પૂછપરછમાં મોબાઈલ સ્નેચિંગના બે ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા સુરતના વરાછા વસુંધરા ઇન્ડસ્ટ્રીઝ પાસે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવકનું નામ દીપકકુમાર કૃષ્ણચંદ્ર મહાકુંડ અને તે રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવમાં તેના માસીના દીકરા રણજીતભાઈ શંકર નાયકની ફરિયાદના આધારે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર મામલાની તપાસમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ જોડાઈ હતી. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ પ્રકરણમાં બાતમીના આધારે પાંડેસરા પ્રમુખ પાર્ક ઓવર બ્રિજ પાસેથી લિંબાયત સંજયનગર સોસાયટીમાં રહેતા ધીરજકુમાર શ્રીરામ પ્રજાપતિ અને ડીંડોલી યોગેશ્વર નગર સોસાયટીમાં રહેતા અભયસિંગ ઉર્ફે બલરામ ગુલાબસિંગને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ અને એક બાઈક મળી કુલ 80 હજારની મત્તા કબજે કરી હતી. આરોપીઓ ભેગા મળી બાઈક પર ત્રણ સવારી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી રાત્રિના સમયે રોડ ઉપર મોબાઈલ ફોન ઉપર વાત કરતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝુટવી લઇ તેમજ રસ્તા ઉપર ચાલતા જતા રાહદારીઓને રોકી તેમને ચપ્પુ બતાવી મોબાઈલ ફોનની લૂંટ કરી બાઈક પર નાસી જતા હતા. 5 ઓક્ટોબરના રોજ આરોપીઓ રાત્રિના સમયે ડીંડોલીથી બાઈક પર ત્રણ સવારી નીકળી સૌ પ્રથમ પુણા કુંભારિયા સારોલી પાસે એક રાહદારીને રોકી તેના શર્ટના ખિસ્સામાંથી એક મોબાઈલની લૂંટ કરી નાસી ગયા હતા.
ત્યારબાદ તેઓ ત્યાંથી સુમુલ ડેરી રોડ શાંતિ મંગલ હોલની સામે એક મહિલા રાહદારી પાસેથી મોબાઈલ ફોન ઝુટવી લીધો હતો. અને ત્યારબાદ આરોપીઓ બાઈક લઈને વરાછા વસુંધરા ઇન્ડસ્ટ્રીઝની સામેથી પસાર થતા દીપકકુમાર કૃષ્ણચંદ્ર મહાકુંડને રોક્યો હતો અને તેને ચપ્પુ બતાવી મોબાઈલ ફોન ઝુટવાની કોશિશ કરી હતી. જોકે દીપકકુમારે પ્રતિકાર કરતા આરોપીઓએ ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
આરોપીઓની કબુલાતના પગલે વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાનો ગુનો તેમજ સારોલી અને મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.