પાલિકાની બેદરકારી સામે પરિવાર અને સ્થાનિકોમાં રોષ
(જી.એન.એસ) તા. 6
સુરત,
સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડી ગયું હતું. NDRFની ટીમ સહિત ફાયરના 100 જવાનોએ બાળકને શોધ્યું છે પણ કલાકોની જહેમત બાદ અંતે માસૂમનો મૃતદેહ હાથ લાગ્યો છે.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5.30ની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લઈનમાં શોધખોળ શરૂ કરી હતી. છ કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતાં મોડીરાત્રે રેસ્ક્યૂની કામગીરી બંધ કરાઈ હતી. 6 ફેબ્રુઆરીએ ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 16થી વધુ કલાકનો સમય થઈ ગયો, પણ તેનો હજુ કોઈ પત્તો લાગ્યો નહિ. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મ દિવસ હતો. વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી બાળકને બહાર કાઢ્યું. સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ. 2) માતા સાથે સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. એ દરમિયાન આઇસક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યું હતું. એ દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી અને એમાં બાળક ઊંધા માથે પડ્યું હતું.
તંત્રની બેદરકારી વિરુદ્ધ ફરિયાદ કરવાની પરિવારની તૈયારી છે, તેમજ સ્થાનિકોએ પાલિકાની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોની માંગ છે કે આવા બનાવો વારંવાર બનતા હોવાથી પાલિકા દ્વારા ખુલ્લા ગટરોને તાત્કાલિક બંધ કરવામાં આવે અને સુરક્ષાત્મક પગલાં ભરવામાં આવે.આ ઘટનાએ ફરી એકવાર શહેરોમાં ખુલ્લી ગટરોની સમસ્યાને ઉજાગર કરી છે. પાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે તો આવા બનાવો ભવિષ્યમાં પણ બનતા રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.