(જી.એન.એસ) તા.૨૮
સુરત,
સુરતમાં હત્યાનો સિલસિલો ચોથા દિવસે પણ યથાવત રહ્યો છે.સુરતના ઉમરવાડા ટેનામેન્ટમાં આજે સવારે 40 વર્ષીય કિન્નરની 29 વર્ષીય પ્રેમીએ પોતાના જ ઘરમાં પોતાની માતાની નજર સામે જ ચપ્પુના અનેક ઘા મારી હત્યા કરી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો.જોકે, સલાબતપુરા પોલીસે તેને ઝડપી પાડી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમની વચ્ચે છેલ્લા 13 વર્ષથી પ્રેમ હતો અને તેઓ સાથે જ રહેતા હતા.પણ પ્રેમી યુવાન છેલ્લા બે મહિનાથી માતા સાથે રહેવા આવી જતા કિન્નરને ગમ્યું નહોતું અને તે અવારનવાર યુવાનના ઘરે આવી સાથે આવવા ધમકી આપતી હોય આજે સવારે તે બાબતે થયેલા ઝઘડામાં યુવાને તેની હત્યા કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉમરપાડા ટેનામેન્ટ બિલ્ડીંગ નં.ડી/1 રૂમ નં.87 માં છેલ્લા બે મહિનાથી માતા મીનાબેન સાથે રહેતા 29 વર્ષીય કિશન પ્રવિણચંદ જેઠવાને 13 વર્ષથી કિન્નર સંજના કુંવર સાથે પ્રેમસંબંધ હોય બંને સાથે જ રહેતા હતા.જોકે, કિશન બે મહિના પહેલા માતા પાસે રહેવા આવી જતા સંજના કુંવરને ગમ્યું નહોતું અને તે અવારનવાર કિશનના ઘરે આવી તેને ધમકી આપતી હતી કે તું અમારી સાથે પાછો ચાલ્યો આવ નહીં તો તને છોડીશું નહીં.વર્ષોથી કિન્નરો સાથે જ રહેતો અને ફરતો કિશન કોઈ કારણસર સંજના કુંવર સાથે જવા માંગતો નહોતો.ગતરાત્રે 11.30 વાગ્યે કિશન અને તેની માતા જમી પરવારીને સૂવાની તૈયારી કરતા હતા ત્યારે સંજના કુંવર ઘરે આવતા કિશનની માતા નીચે પથારી કરી સુઈ ગયા હતા.જયારે કિશન અને સંજના કુંવર પલંગ ઉપર સુઈ ગયા હતા. કિશનના માતા મીનાબેનની સવારે સાત વાગ્યે આંખ ખુલી ત્યારે કિશન અને સંજના કુંવર વચ્ચે કિશનને લઈ જવા બાબતે ઝઘડો થતો હતો.આથી મીનાબેન ગભરાઈને રૂમમાં એકબાજુ ઉભા રહી ગયા હતા.તે સમયે અચાનક કિશન ઉશ્કેરાઈ જઈ રસોડામાંથી ચપ્પુ લાવ્યો હતો અને હું તારી સાથે કદી આવવાનો નથી અને તને પણ આજે જીવતી મુકવાનો નથી તેમ કહી સંજના કુંવરને ધક્કો મારી તિજોરી નજીક ખૂણામાં પાડી દઈ ચપ્પુ વડે સંજના કુંવરને ડાબા હાથે કોણીથી કાંડા વચ્ચે, પેટના ભાગે, છાતીના ભાગે, જમણા બાવડાના નીચે, જમણા હાથે, જમણા પગે ઘુંટણના નીચે, ડાબા પગે અને ડાબા પગના થાપાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.સંજના કુંવર અને મીનાબેને બુમાબુમ કરતા કિશન ત્યાંથી ભાગી ગયો હતો. ગંભીર ઈજાને લીધે સંજના કુંવરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.આ અંગે જાણ થતા તેના મોટા ભાઈ દાદારામ શ્રીપત જુમડે એ સલાબતપુરા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી,પોલીસે ગણતરીના કલાકોમાં કિશનની ધરપકડ કરી હતી.વધુ તપાસ ઈન્ચાર્જ પીઆઈ એસ.એન.દેસાઈ કરી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.