શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનીને માર મારવાની ઘટના સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીને સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ કરવા આદેશ : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા
જવાબદાર શિક્ષક વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવશે, રાજ્યમાં આ પ્રકારનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહિ
(જી.એન.એસ),તા.૧૧
સુરતના પુણાની સાધના નિકેતન શાળામાં શિક્ષિકા દ્વારા એક બાળકીને માર મારવાની ઘટનાને ખૂબ જ દુઃખદ ઘટના ગણાવીને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું છે કે, આ ઘટના સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી તાત્કાલિક શાળાએ જઈ સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ કરવાનાં આદેશ આપ્યાં છે. આ શાળા તથા જવાબદાર વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. રાજ્યના તમામ શિક્ષકોને ચેતવણી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનું કૃત્ય થવું ન જોઈએ અને જો આવું કાંઈ થશે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. આવી નિર્દયતા કયારેય સહન કરી લેવામાં નહિ આવે. આ પ્રકારના કૃત્યોથી વિદ્યાર્થીઓના માનસિક સંતુલન ઉપર ખૂબ ઉંડી અસર થાય છે. વાલીઓ પોતાના બાળકને આગામી સમયમાં દેશના સારા નાગરિક બની શકે તેવા હેતુથી શાળામાં મોકલતા હોય છે ત્યારે શિક્ષક દ્વારા આ પ્રકારનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહિ. તેમણે ઉમેર્યું કે, શાળાના સીસીટીવી કેમેરામાં શિક્ષક દ્વારા કરવામાં આવતું કૃત્ય સ્પષ્ટપણે દેખાઈ આવે છે જે ખૂબ જ નિંદનીય છે. આ ઘટનાની તપાસ કરવા માટે શિક્ષણાધિકારી તાત્કાલિક શાળાએ પહોંચી ગયા છે અને આ ઘટના અંગે સંપૂર્ણ પારદર્શકતાથી તપાસ કરવામાં આવશે અને જવાબદાર શિક્ષક વિરુદ્ધ પગલા ભરવામાં આવશે. આ પ્રકારની ઘટના રાજ્યની અન્ય શાળાઓમાં ન બને તે માટે કડક સૂચના આપવામાં આવી છે. એટલું જ નહિ, આ પ્રકારની ઘટના કોઈ પણ નાગરિકના ધ્યાને આવે અથવા આસપાસના વિસ્તારની શાળાઓમાં થઈ હોય તેવી જાણ થાય તો તે સંદર્ભે તાત્કાલિક સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવા મંત્રીશ્રીએ જણાવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.