(જી.એન.એસ) તા. 22
નવી દિલ્હી/રાંચી,
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને વધુ એક મોટો ઝટકો મળ્યો છે, સુપ્રીમ કોર્ટે બુધવારે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે તમારી અરજી મંજૂર નહીં કરીએ. સુપ્રીમ કોર્ટે સોરેનના વકીલ કપિલ સિબ્બલને અરજી પાછી ખેંચી લેવા જણાવ્યું હતું. કોર્ટના આદેશ બાદ સિબ્બલે અરજી પાછી ખેંચી લીધી હતી. નોંધનિય છે કે, જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોરેન રાંચીની જેલમાં બંધ છે. કેસની સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ દલીલ કરી હતી કે, જો હેમંત સોરેનને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવે છે તો જેલમાં બંધ તમામ નેતાઓ જામીનની માંગ કરશે.
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશને ટાંક્યો હતો. તેમણે પોતાના માટે પણ આવી જ રાહતની વિનંતી કરી હતી. સોરેન સામેની તપાસ રાંચીમાં 8.86 એકર જમીનને લગતી છે જે તેણે ગેરકાયદેસર રીતે હસ્તગત કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. અગાઉ મંગળવારે પણ તેમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની વેકેશન બેન્ચે કેસની વધુ સુનાવણી માટે બુધવારની તારીખ નક્કી કરી હતી.
સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને પૂછ્યું હતું કેમ ટ્રાયલ કોર્ટે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે ઈડી ની ફરિયાદને ધ્યાનમાં લીધા પછી બંધારણીય અદાલત તેમની ધરપકડની કાયદેસરતાની તપાસ કરી શકે છે. ખંડપીઠે સોરેનના વકીલને પહેલા સમજાવવા કહ્યું કે, તેમની નિયમિત જામીન માટેની અરજી ફગાવી દેવામાં આવ્યા પછી તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન કેવી રીતે આપી શકાય ? સોરેનના વકીલોએ કોર્ટના સવાલોના જવાબ આપવા માટે બુધવાર સુધીનો સમય માંગ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.