(જી.એન.એસ) તા. 15
ગંગટોક,
દેશના ઉત્તર-પૂર્વના રાજ્ય સિક્કિમમાં વાદળ ફટવાના કારણે પરિસ્થિતિ બેહાલ થઈ છે, છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં ભારે નુકસાન થયું છે. કેટલીક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે તો કેટલીક જગ્યાએ રસ્તાઓ નદીમાં ડૂબી ગયા છે. મળતી માહિતી અનુસાર, સિક્કિમના મંગન જિલ્લામાં વાદળ ફાટવાના કારણે વરસાદ અને પૂરના કારણે 6 લોકોના મોત થયા છે.
સિક્કિમમાં સ્થિતિ બેકાબુ હોવાનું સામે આવી રહ્યું છે. અહીં મંગન જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થઇ ગયા છે જેના કારણે 1100 થી વધુ સ્થાનિક અને 15 વિદેશી પ્રવાસીઓ લાચુંગમાં ફસાઇ ગયા છે. વરસાદ અને પૂરના કારણે 6 લોકોના મોત થયા છે જ્યારે ઘણા ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પૂર્વ સિક્કિમના ડિકચુમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને ઘણા ઘરોને નુકસાન થયું છે. દક્ષિણ સિક્કિમમાં લિંગી-પ્યોંગને જોડતો મુખ્ય માર્ગ વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ પામ્યો છે. તિસ્તા નદી સતત ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે નદી કિનારે રહેતા લોકોમાં ગભરાટ વધી ગયો છે. મંગનમાં ગુરુવારે (13 જૂન) એક જ દિવસમાં 220 મીમીથી વધુ વરસાદ થયો હતો. ગત વર્ષે બનેલો સંગકલંગ બ્રિજ પણ ભારે વરસાદને કારણે તૂટી પડ્યો છે. જણાવી દઈએ કે મંગન જિલ્લો ગુરુડોંગમાર લેક અને યુનથાંગ વેલી જેવા પ્રવાસન સ્થળો માટે ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ વરસાદ અને પૂરના કારણે આ જિલ્લાના જોંગુ, ચુંગથાંગ, લાચેન અને લાચુંગ જેવા શહેરો દેશના અન્ય ભાગોથી કપાઈ ગયા છે.
રાજ્યમાં વરસાદ ના કારણે પરિસ્થિતિ ને જોતાં મુખ્યમંત્રી પ્રેમ તમાંગે તાત્કાલિક ધોરણે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી લોકોને વધુ મદદરૂપ થવા માટે અને રાહત કરી તેજ કરવા માટે ચર્ચા કરી આદેશ આપ્યા હતા. જો કે મળતી માહિતી મુજબ ભારે ભૂસ્ખલનને કારણે મંગન જિલ્લામાં રસ્તાઓ બંધ થવાને કારણે લાચુંગમાં 1100 થી વધુ સ્થાનિક અને 15 વિદેશી પ્રવાસીઓ ફસાયેલા છે. વિદેશી પ્રવાસીઓમાં થાઈલેન્ડના 2, નેપાળના 3 અને બાંગ્લાદેશના 10નો સમાવેશ થાય છે. ફસાયેલા તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું કહેવાય છે. સ્થાનિક અધિકારીઓએ તેમને તેમના સ્થાનો પર રહેવા અને કોઈપણ જોખમ લેવાનું ટાળવાની સલાહ આપી છે. ખોરાકની તાત્કાલિક અછત નથી. કારણ કે તમામ ફસાયેલા લોકોને ખોરાક આપવા માટે પૂરતો પુરવઠો અને રાશન પણ ઉપલબ્ધ છે જેથી ચિંતાની કોઈ વાત નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.