સાબરકાંઠા જિલ્લામાં ચોમાસામાં સારા વરસાદને લઈને નદી-નાળાં છલકાયાં છે. તો બીજી તરફ ૨૪ કલાકમાં જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળે પાણીમાં ડૂબી જવાના બનાવો બન્યા હતા. જેને લઈને ખેડબ્રહ્મા ફાયર વિભાગે બે અલગ અલગ સ્થળેથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. તો પ્રાંતિજના વાઘપુર નજીક સાબરમતી-હાથમતી સંગમ સ્થળે પાણીમાં ડૂબી ગયેલા વાઘપુરના યુવાનનો મૃતદેહ આજે શુક્રવારે સવારે મળ્યો હતો.
ખેડબ્રહ્મા તાલુકામાં બે અલગ અલગ સ્થળે તળાવ અને કુવામાં ડૂબી ગયેલાના કોલ ફાયર વિભાગને મળ્યા હતા. જેને લઈને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી બે અલગ અલગ સ્થળેથી બે મૃતદેહો બહાર કાઢ્યા હતા. જે બંને મૃતદેહોની ઓળખ થઇ નથી. આ અંગે ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ખેડબ્રહ્મા ફાયર વિભાગના સંતોષ પટેલે જણાવ્યું હતું કે ખેડબ્રહ્માના આગિયા ગામના તળાવમાં લાશ હોવાનો ગુરૂવારે મોડી સાંજે કોલ આવ્યો હતો.
જેને લઈને ફાયર ટીમ ઘટના લોકો સ્થળે પહોંચ્યા હતા અને તળાવમાં તરતા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ ખેડબ્રહ્મા પોલીસે અજાણ્યા મૃતદેહને ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ મોડી સાંજે બીજાે કોલ ખેડબ્રહ્માના જગમેર કમ્પામાં ખેતરના કૂવામાં લાશ હોવા અંગેનો આવ્યો હતો. જેને લઈને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કૂવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો, અજાણ્યા મૃતદેહને પોલીસે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડ્યો હતો. આમ ત્રણ કલાકમાં બે અલગ અલગ સ્થળેથી અજાણ્યા પુરૂષોની પાણીમાંથી લાશ મળી હતી.
ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઓળખવિધિ માટેની કાર્યવાહી શરૂ કરી છે. આ સિવાય પ્રાંતિજ તાલુકાના ભાગપુર ગામનો દિનેશસિંહ હઠુસિંહ રાઠોડ ગુરૂવારે ઢોર ચરાવવા ગયો હતો. દરમિયાન સાંજે સાબરમતી નદીના પાણીમાં પશુઓ જતા બહાર કાઢવા જતા દિનેશસિંહ સાબરમતી અને હાથમતી નદીના સંગમ સ્થળે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આ અંગે જાણ થતા પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.
જ્યાં મોડી સાંજ અંદાજીત છ કલાક સુધી પ્રાંતિજ અને હિમતનગર ફાયર વિભાગે શોધખોળ હાથ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. તો આ અંગે હિંમતનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સવારે હિમતનગર ફાયર વિભાગ શોધખોળ માટે ઘટના સ્થળે પહોચ્યું હતું. તે દરમિયાન વાઘપુર ગામનો પાણીમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ મળી ગયો હતો અને બહાર કાઢવામાં આવ્યો હતો તો પ્રાંતિજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.