(જી.એન.એસ) અમદાવાદ,તા.૩૦
પતિના મૃત્યુ બાદ અઘરી લાગતી જિંદગી આટલી સરળ બની જશે, તે માણેકબહેને કલ્પ્યું પણ નહોતું. કારણ કે, વિધવા સ્ત્રી તરીકે તેમની સામે આવનાર આર્થિક અને સામાજિક સંઘર્ષનો સામનો કેવી રીતે કરવો, તે સૌથી મોટો સવાલ હતો. પણ આજે તેઓ સન્માનપૂર્વક જિંદગી જીવી રહ્યા છે. એટલું જ નહીં આર્થિક રીતે પગભર પણ છે. તેમની આર્થિક આત્મનિર્ભરતાના પાયામાં છે – રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા પેન્શન યોજના.
માણેકબહેન કહે છે કે પેન્શન સ્વરૂપે અમને માત્ર રૂપિયા નહિ, સન્માનભેર જીવન જીવવાનો સહારો પણ મળે છે.
માણેકબહેન પરિવાર સાથે વર્ષોથી સાણંદ તાલુકાના ખોરજ ગામમાં રહે છે. વર્ષ 2021માં તેમના શિક્ષક પતિના અવસાન બાદ ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી તેમના પર આવી પડી હતી. સંતાનમાં એક દીકરો છે, જે નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. આ દરમિયાન ગામમાં આવેલી આંગણવાડી ખાતે આંગણવાડી કાર્યકર તરીકે તેમને કામ મળતાં આજીવિકાની ચિંતા થોડી હળવી બની.
માણેકબહેન પોતાના અનુભવ વિશે જણાવે છે કે, ગંગા સ્વરૂપા પેન્શન યોજનાથી મળતી આર્થિક મદદથી ઘર ચલાવવાનો ભાર હળવો થાય છે. સાથોસાથ આંગણવાડી સાથે જોડાયા પછી મને ઘણો લાભ થયો છે. જ્યારે બાળકો આંગણવાડીમાં આવે ત્યારે તેમને ભણાવવાથી લઈને અઠવાડિયા સુધીના મળતા પૌષ્ટિક આહાર આપીને તેમને સાચવું છું. વાલીઓ તેમના સંતાનને આંગણવાડીમાં મૂકી ગયા પછી તેમના જતનનું અને લાલન પાલન વિશે જરા પણ ચિંતા ન રહે તે મારી જવાબદારી છે. આંગણવાડી કાર્યકર તરીકે મને અહીંયા ખૂબ જ મજા આવે છે. આંગણવાડીને હું મારું બીજું ઘર સમજુ છું.
મારા અને મારા જેવી કેટલીય વિધવા મહિલાઓના આશીર્વાદ સરકારને દર મહિને મળતા હશે : ગીતાબહેન ચાવડા
ખોરજ ગામના જ ગીતાબહેન ચાવડાને છેલ્લાં 10 વર્ષથી ગંગા સ્વરૂપા યોજનાનો લાભ મળી રહ્યો છે. તેઓ આ યોજનાને તેમના જેવી મહિલાઓ માટે આશીર્વાદરૂપ ગણાવે છે. તેઓ કહે છે કે, સરકાર દ્વારા મળતા પેન્શનથી મને અને મારા જેવી હજારો મહિલાઓને સ્વમાનભેર જીવન જીવવા માટે મદદ મળે છે. મારા અને મારા જેવી કેટલીય વિધવા મહિલાઓના આશીર્વાદ સરકારને દર મહિને મળતા હશે, એવું તેઓ ઉમેરે છે.
માત્ર ખોરજ ગામે જ 110થી વધુ મહિલાઓ ગંગા સ્વરૂપા પેન્શન સહાય યોજનાના લાભાર્થી
સાણંદ તાલુકામાં ગંગા સ્વરૂપા પેન્શન યોજનાની અસરકારક અમલવારી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમાં કરવામાં આવી રહી છે. અમલવારી બાદથી લઈ અત્યાર સુધીમાં ખોરજ ગામમાં ગંગા સ્વરૂપા પેન્શન સહાય યોજનાનો લાભ કુલ 110થી વધુ મહિલાઓને મળી રહ્યો છે. આ યોજનાથી લાભાર્થી મહિલાઓના જીવનસ્તરમાં ઘણો સુધારો આવ્યો છે. તદુપરાંત તેમને આર્થિક અને સામાજિક રીતે સશક્ત થવાનો સહારો મળ્યો છે. પરિણામે આ યોજના સમાજમાં વિધવા સ્ત્રીઓના જીવનનિર્વાહ તથા તેમના આર્થિક અને સામાજિક સંઘર્ષને ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.