Home દેશ - NATIONAL સરહદના સંત્રી ડૉ. શિવાજી ડોલે બન્યા કૃષિના ઋષિ

સરહદના સંત્રી ડૉ. શિવાજી ડોલે બન્યા કૃષિના ઋષિ

18
0

કૃષિની કાયાપલટ કરી રહેલા પૂર્વ સૈનિક ડૉ. શિવાજી ડોલે

……..

એક્સ આર્મીમેનથી એગ્રિકલ્ચરલ આંત્રપ્રેન્યોર સુધીની સફળ યાત્રા કરનારા ડૉ. શિવાજી ડોલેએ ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’ મંત્રને સુપેરે સાર્થક કર્યો છે

……..

‘સહકારથી સમૃદ્ધિ’ થકી કૃષિ ક્ષેત્રે આધુનિકતા અને એકસૂત્રતા માટે ડૉ. શિવાજીએ ખેડૂતોને ચીંધ્યો નવો રાહ

……

આધુનિક કૃષિના ઋષિ ડૉ. શિવાજી અને તેમની સંસ્થાના યોગદાનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં બિરદાવ્યું

……

ટેક્નોલોજી અને મોર્ડન એગ્રો પ્રેક્ટિસના મહત્તમ ઉપયોગ વડે કૃષિને સ્થાયી અને લાભદાયી ઉદ્યોગ બનાવવા કાર્યરત સંસ્થાને પ્રાપ્ત થયા છે અનેકવિધ બહુમાન

(જી.એન.એસ),તા.22

નાસિક (મહારાષ્ટ્ર),

ખેડૂત જગતનો તાત કહેવાય છે, અને સૈનિક રાષ્ટ્રનો રખેવાળ હોય છે. પરંતુ એક સૈનિક એક સફળ ખેડૂત બની આધુનિક ખેતી કરે તેવું જવલ્લે જ બનતું હોય છે, આવો સુખદ સંયોગ મહારાષ્ટ્રના નાસિકમાં રચાયો છે. સરહદના સંત્રી ડૉ. શિવાજી ડોલે હવે કૃષિના ઋષિ બન્યા છે. તેઓએ સેનામાં અડીખમ રહીને દેશસેવા કર્યા બાદ કૃષિ ક્ષેત્રે પુરુષાર્થ આદર્યો છે અને દેશમાં કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તનના દિશાસૂચકસ્તંભ બન્યા છે.

પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ ‘જય જવાન, જય કિસાન’નું સૂત્ર આપ્યું હતું. પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાઈજીએ તેમાં ‘જય વિજ્ઞાન’નો મંત્ર જોડ્યો અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમાં ‘જય અનુસંધાન’નો મંત્ર જોડી આપ્યો છે.

એક્સ આર્મીમેનથી એગ્રીકલ્ચર આંત્રપ્રેન્યોર બનવા સુધીની સફળ યાત્રા કરનારા નાસિકના ક્રાંતિકારી ખેડૂત ડૉ. શિવાજી ડોલે ‘જવાન, કિસાન, વિજ્ઞાન અને અનુસંધાનનો સુભગ સમન્વય છે. આ બાબતનો ઉલ્લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’માં પણ કર્યો છે.

કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરી રહેલા આ પૂર્વ સૈનિક અને વર્તમાન ખેડૂત ડૉ. શિવાજીની સફર ખૂબ જ પ્રેરણાદાયી છે.

ડૉ. શિવાજી ડોલે નાસિક જિલ્લાના એક નાના ગામના ગરીબ આદિવાસી ખેડૂત પરિવારના સંતાન છે. મોટા થઈને રાષ્ટ્રપ્રેમ સાકાર કરતા શિવાજી સેનામાં સૈનિક તરીકે જોડાઇને રાષ્ટ્રસેવાની પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવીને સેનામાંથી નિવૃત્ત થયા હતા.

સેનામાંથી નિવૃત્ત થયા બાદ તેમણે કઈક નવું અને લોકોપયોગી શીખીને લોકોને મદદરૂપ થવાનો વિચાર કર્યો. પોતાના આ વિચારને સાર્થક કરવા તેમણે પોતાના પરંપરાગત વ્યવસાય કૃષિમાં આગળ વધવાનું નક્કી કર્યું.

દેશમાં ખેડૂતોની સ્થિતિ સુધારવાના અને પૂર્વ સૈનિકોને નિવૃત્તિ બાદ પણ સેવારત રાખીને આર્થિક રીતે પગભર કરવાના ઉમદા ધ્યેય સાથે શિવાજીએ એગ્રિકલ્ચરમાં ડિપ્લોમા કર્યું. ડિગ્રી મેળવ્યા બાદ તેમણે કૃષિ ક્ષેત્રે નવી ઇનિંગનો પ્રારંભ કર્યો.

પૂર્વ આર્મી મેન, બ્લેક કેટ કમાન્ડો ડૉ. શિવાજી ડોલે અને તેમના સહયોગીઓએ ૨૦૧૯માં નાસિકમાં વેંકટેશ્વર કો-ઓપરેટિવ પાવર એન્ડ એગ્રો પ્રોસેસિંગ સંસ્થાની સ્થાપના કરી. સંસ્થાએ શરૂઆતથી જ કૃષિને સ્થાયી અને લાભદાયક ઉદ્યોગ બનાવવા સાથે ટેક્નોલોજી અને મોર્ડન એગ્રો પ્રેક્ટિસનો મહત્તમ ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પેદા કરવાના અને દેશની કૃષિ નિકાસ વધારવાના ધ્યેયમંત્ર સાથે કામગીરી શરૂ કરી. આજે સંસ્થા સાથે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ મળીને ૮૬,૫૦૦ ખેડૂતો સંકળાયેલા છે.

નાસિકના માલેગાંવમાં ૫૨૮ એકર જમીન પર સંસ્થા દ્વારા જૈવિક ખેતી કરવા સાથે ખેડૂતો માટે તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. નિકાસ માટે જરૂરી સર્ટિફિકેશન પ્રાપ્ત કરવા પ્રત્યે પણ આ સંસ્થા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી કરીને દેશના કૃષિ ઉત્પાદનોની નિકાસ વધારી શકાય.

ડૉ. શિવાજી ડોલે બાગાયતી ક્ષેત્રે દ્રાક્ષ, કેરી, દાડમ, સીતાફળ, ચીકૂ અને કેળા જેવા પાકો લઈ રહ્યા છે. તેમની દ્રાક્ષ યુરોપમાં નિકાસ થાય છે. સાથે જ, મરચાં, ડુંગળી લસણ સહિત અનાજમાં બાજરી, મકાઈ અને ઘઉં જેવા પાકો પણ તેઓ લઈ રહ્યા છે. વેંકટેશ્વર કો-ઓપરેટિવ પાવર એન્ડ એગ્રો પ્રોસેસિંગ સંસ્થા જળ સંરક્ષણ માટે તળાવો પણ બનાવી રહી છે.

ઓર્ગેનિક ફાર્મિંગ સાથે ગીર ગાય ડેરી પ્રોજેક્ટ, મધમાખી પાલન, મધ ઉત્પાદન, જીવામૃત, બાયો સીએનજી, પર્યાવરણને અનુરૂપ ઈકો ફ્રેન્ડલી નેચરલ કલર, વ્યંકટેશ્વર પંચગવ્ય પ્રાકૃતિક અગરબત્તી, વ્યંકટેશ્વર કાજૂ ફેકટરી ફાર્મ જેવા વિવિધ પ્રોજેક્ટ આ સંસ્થાના બહુઆયામી કૃષિ દ્રષ્ટિકોણને સાર્થક કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

અન્ય પુર્વ સૈનિકોને સાથે જોડીને ‘સહકારથી સમૃદ્ધિ’ થકી કૃષિ ક્ષેત્રે આધુનિકતા અને એકસૂત્રતા માટે શિવાજી અને તેમની સંસ્થા ખેડૂતોને નવો રાહ ચીંધી રહ્યા છે. ખેડૂતો અને પૂર્વ સૈનિકોને આર્થિક રીતે સશક્ત બનાવીને કૃષિ ક્ષેત્રના વિકાસના ધ્યેય સાથે સંસ્થા સતત કાર્યરત છે.

કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગ થકી આમૂલ પરિવર્તન સહિત તેમના અમૂલ્ય યોગદાનને લીધે સંસ્થાને કેટલાય પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયેલા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ એક સૈનિક, ખેડૂત અને આધુનિક કૃષિકાર ડો. શિવાજી ડોલેને ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’ના સૂત્રના સાચા વાહક પણ ગણાવ્યા છે.

ડો. શિવાજી ડોલે અને તેમની સંસ્થાને FII IMA સહકારી ક્ષેત્રમાં સન્માન, નાસિક સમ્માન 2022, નાસિક રત્ન 2023, લોકશાહી માન-સન્માન 2023, અનન્ય સન્માન 2023, રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન 2024માં સન્માન સહિતના  પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. આમ, ડો. શિવાજી ડોલે અને તેમની સંસ્થા સાચા અર્થમાં દેશમાં કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા સાકાર કરી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે લગભગ 9 વર્ષ બાદ, ભારતમાં પરફોર્મ કરવા જઈ રહ્યું છે
Next articleભરૃચની બેન્કમાં ૪૨ ખાતા ખોલાવવા ૧૦ હજારની લાલચ આપી નાણાના ટ્રાન્ઝેકશનનું કૌભાંડ પકડાયું