(હર્ષદ કામદાર GNS)
ગુજરાત વિધાનસભાની ચુંટણીનાં આખરી બાકી ઉમેદવારોની યાદી જાહેર થતા જ ભાજપા-કોંગેસ બંને પક્ષમાં બળવાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. કેટલાકે તો અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે લોકો પણ પોતાના આક્રોશ વચ્ચે બંને પક્ષનો તમાશો જોઈ રહ્યા છે. તો પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે કોંગ્રેસ પ્રજામત પોતાની તરફ ખેંચી શકી નથી એટલે કે પ્રજાઆક્રોશ હોવા છતાં કોંગ્રેસ ભાજપાનો વિકલ્પ બની શકી નથી તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.
એક વાત ચોક્કસ છે કે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતો સાથે પ્રજાઆક્રોશને વાતોમાં વણી લેતા લોકો રાહુલ પર ખુશ થઇ ગયા છે. પણ કોંગ્રેસ તરફ મતદારોને ખેંચવામાં સફળતા મળી હોય તેવું લાગતું નથી.
બીજી તરફ ભાજપા નેતાઓને લોકો દ્વારા મળતો મોળો પ્રતિસાદ છતાં લોક હૈયે ભાજપા તરફ કુણી લાગણી દેખાઈ રહી છે. ભાજપા નેતાઓ ભલે ઠોકાઠોક કરે છે, તેમના નેતાઓની વાત કે વચનો પર વિશ્વાસ નથી રાખતા અને તેનું કારણ ગત ચૂંટણીઓમાં ભાજપા નેતાઓએ જે વાયદા-વચનો આપ્યા હતા તેમાનું એક પણ પૂરું કર્યું નથી કે પાળ્યું નથી છતાં લોકોને ભાજપાનો વિકલ્પ મળતો નથી. જે કારણે સત્તા પરતો ભાજપા પુનઃ બિરાજમાન થાય તેવી સ્થિતિ ઉદભવવા પામી છે.
બીજી તરફ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ સમયે ભાજપા-કોંગ્રેસે ઉમેદવારો પસંદ કર્યા તેમાં કોંગ્રેસ માર ખાઈ ગઈ છે. લોકોનો આક્રોશ ભાજપા અને મીડિયા સામે છે પણ હવે કહે છે કે બંને પક્ષો વચ્ચે ઉમેદવારોનું ફિક્સિંગ થઇ ગયું છે. એટલે કોંગ્રેસને જે બેઠકો મળે તેવી હતી તે નહિ મળે તેવી સ્થિતિ પેદા થઇ છે.
લોકનાડ પારખવામાં કોંગ્રેસ ખેરખાં ગણાય પણ કેટલાક આંતરિક કારણોસર પ્રજાનાડ પારખવામાં કોંગ્રસ નિષ્ફળ રહી છે.
દરમ્યાન હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાડા અને અલ્પેશ ઠાકોર ભાજપા વિરોધી જુવાળ ઉભો કરવામાં સફળ રહ્યા છે. તો રાહુલને પણ ગુજરાતમા લોકોએ ચારે તરફ આવકાર આપ્યો છે. આ ચારેય નેતાઓની સતત મહેનત છતાં તેના પર પાણી ફરી વળે તેવી સ્થિતિ ઉમેદવાર પસંદગીને કારણે ઉભી થવા પામી છે.
બીજી તરફ લોકશાહીની ચોથી જાગીર ગણાતા કેટલાક પ્રકાશનો અને ન્યુઝ ચેનલો પર લોકઆક્રોશ ઉદભવવા પામ્યો છે. જેને કારણે અનેકોએ વેચાઈ ગયેલ મીડિયા પર નજર કરવાનું બંધ કરી દીધું છે અને લોકો કહેતા થઇ ગયા છે કે લોકો છે એટલે મીડિયા છે. લોકશાહી સાથે આ એક પ્રકારનો દ્રોહ છે ત્યારે મીડિયા સમજી જાય તો સારું છે. બાકી એક તરફી નારદગીરી લોકો ચલાવી લેશે નહિ. તે પણ એટલું જ સત્ય છે.
હવે ભાજપા-કોંગ્રેસ બળવાખોરી ડામવામાં કેટલું સફળ રહે છે, ઉપરાંત રાહુલ કે કોંગ્રેસ મતદારોને પોતાની તરફ ખેંચવામાં કેટલા સફળ રહે છે તેના પર કોંગ્રેસનું ભાવી નક્કી થશે. તો આંદોલનકારી નેતાઓ પણ ભાજપાને હરાવવામાં સફળ કઈ રીતે થશે તેના પર સામાન્ય લોકોની નજર બની રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.